નવા શ્રમ કાયદા હેઠળ કંપનીઓએ તેમના પગાર માળખામાં ફરજિયાત ફેરફાર કરવો પડશે, જેમાં મૂળભૂત પગાર (બેઝિક સેલરી) કુલ પગારના (સીટીસી) ઓછામાં ઓછા 50% હોવો જોઈએ.અગાઉ કંપનીઓ બેઝિક પગાર ઓછો રાખીને મોટાભાગની રકમ ભથ્થાં (એલાઉન્સ) તરીકે આપતી હતી. હવે જો કુલ ભથ્થાઓની રકમ 50% થી વધુ થતી હશે, તો વધારાની રકમને ફરજિયાતપણે બેઝિક પગારમાં ઉમેરી દેવામાં આવશે.જો તમારા વર્તમાન પગારના માળખામાં બેઝિક પગાર ઓછો અને ભથ્થાઓનું પ્રમાણ વધારે છે, તો નવા નિયમ મુજબ બેઝિક પગારમાં વધારો થશે. પીએફ (પ્રોવિડન્ટ ફંડ) અને ગ્રેચ્યુઇટીની ગણતરી બેઝિક પગાર પર થતી હોવાથી, તેમાં જમા થતી રકમ વધશે. તમારો કુલ પગાર ઘટશે નહીં, પરંતુ પીએફની કપાત વધવાને કારણે હાથમાં આવતો રોકડ પગાર ઘટી જશે.ઉદાહરણથી સમજો: ધારો કે તમારો માસિક પગાર 60,000 રૂપિયા છે. અત્યાર સુધી તમારો બેઝિક પગાર માત્ર 20,000 રૂપિયા હતો અને બાકીના 40,000 રૂપિયા ભથ્થાં તરીકે મળતા હતા. 50% ના નવા નિયમ મુજબ, હવે તમારો બેઝિક પગાર ઓછામાં ઓછો 30,000 રૂપિયા હોવો ફરજિયાત બનશે. આ વધેલા 30,000 રૂપિયા પર પીએફ કપાશે, જેના લીધે તમારી માસિક કપાત વધશે અને ઇન-હેન્ડ રકમ ઓછી થશે.31 ઓગસ્ટ પછી દરેક પગારદાર વ્યક્તિનો ઇન-હેન્ડ પગાર ઘટી જશે તેવું માનવું યોગ્ય નથી. જે કર્મચારીઓનો બેઝિક પગાર પહેલેથી જ 50% કે તેથી વધુ છે, તેમના પગારમાં કે કપાતમાં કોઈ જ ફેરફાર થશે નહીં. આ નિયમની અસર માત્ર એવા જ કર્મચારીઓ પર પડશે જેમનું વર્તમાન માળખું 50% ના નિયમનું પાલન કરતું નથી.
