રાજકોટ. તા.01 રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ યોજાનારા પરંપરાગત લોકમેળાને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેળામાં લાખોની જનમેદની ઉમટી પડતી હોય છે, ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સામાન્ય નાગરિકો શાંતિપૂર્વક મેળાની મજા માણી શકે તે માટે રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે મેળા પૂર્વે જ અસામાજિક તત્વો, પાકીટમારો અને લુખ્ખાગીરી કરતા શખ્સો સામે લાલ આંખ કરી છે.પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, “લોકમેળામાં આવો તો પરિવાર સાથે આનંદ કરવા આવજો, બાકી જો કોઈ ખોટી દાનત હશે તો ક્રાઈમ બ્રાન્ચના દરવાજા ચોવીસે કલાક ખુલ્લા જ છે.” મેળા દરમિયાન ચોરી, ચિલઝડપ, ખિસ્સા કાપવા તેમજ મહિલાઓની છેડતી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચે આગોતરા પગલાં લીધા છે.
ભૂતકાળમાં મેળામાં કે અન્ય જાહેર સ્થળોએ આવી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા 50 થી વધુ શખ્સોની એક યાદી તૈયાર કરવામાં આવી હતી. આ તમામ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં રૂબરૂ બોલાવવામાં આવ્યા હતા. ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા અને એસીપી ક્રાઈમ ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ. એસ.ચાવડા અને એમ.એલ.ડામોર દ્વારા આ તમામ તત્વોને કડક શબ્દોમાં ગર્ભિત ચીમકી આપવામાં આવી હતી કે જો મેળાના મેદાનમાં કે તેની આસપાસ કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ કરતા ઝડપાશે, તો તેમની સામે કાયદાનો એટલો જ કડક સકંજો કસાશે.
લોકમેળામાં મોટી સંખ્યામાં મહિલાઓ અને યુવતીઓ પોતાના પરિવાર સાથે આવતી હોય છે. આવા સમયે કેટલાક આવારા તત્વો રોમિયોગીરી અને લુખ્ખાગીરી કરીને માહોલ બગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ક્રાઇમ બ્રાન્ચે આ બાબતને અત્યંત ગંભીરતાથી લીધી છે. પ્રાંગણમાં હાજર રખાયેલા શખ્સોને તાકીદ કરવામાં આવી છે કે બહેન-દીકરીઓની સુરક્ષા સાથે સહેજ પણ બાંધછોડ કરવામાં નહીં આવે. મેળામાં સાદા કપડામાં પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે, જે આવા તત્વો પર બાજ નજર રાખશે.