અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલને શેરબજારમાં રોકાણ કરાવી મોટો નફો આપવાની લાલચ આપી રૂ.17 લાખ પડાવ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત આરોપીએ પોતાની ઓળખ છુપાવી મહિલાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા હોવાનો અને બાદમાં ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે. સમગ્ર મામલે મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસે માજીદખાન ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલની ઓળખ એક SRP જવાન મારફતે માજીદખાન ચૌહાણ સાથે થઈ હતી. આરોપીએ પોતે શેરબજારમાં ટ્રેડિંગ કરતો હોવાનું કહી મહિલાને રોકાણ કરવા માટે સમજાવી હતી. તેણે અનેક પોલીસ કર્મચારીઓના પૈસા રોક્યા હોવાનો દાવો પણ કર્યો હતો. ત્યારબાદ મહિલાના મોબાઇલમાં ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શરૂઆતમાં રૂ.6 લાખનું રોકાણ કરાવ્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
રોકાણના નામે રૂ.17 લાખ લીધાનો આક્ષેપ
ફરિયાદ પ્રમાણે, આરોપીએ મહિલા કોન્સ્ટેબલને સંબંધ બાંધવા માટે પણ દબાણ કર્યું હતું. સાથે તેને કહ્યું કે, ‘તું મારી ગર્લફ્રેન્ડ બની જા બધી જરૂરિયાત પૂરી કરીશ’. મહિલાએ શરૂઆતમાં વિરોધ કરી પૈસા પરત ખેંચી લીધા હતા. જોકે, બંને વચ્ચે ફરી સંપર્ક થયા બાદ આરોપીએ રોકાણ માટે મહિલાને મનાવી હતી. ત્યારબાદ મહિલાએ ક્રેડિટ કાર્ડમાંથી લોન તેમજ બેંકમાંથી રકમ મેળવી ટુકડે-ટુકડે કુલ રૂ.17 લાખ આપ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.
આરોપીએ મહિલાને નોકરીમાંથી રાજીનામું આપી દેવા અને બંને લગ્ન કરી લેશે તેવી વાત કરી હતી. ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીએ મહિલાના ધર્મ અંગે અપમાનજનક વાતો કરી હિન્દુ ધર્મ છોડીને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ લગ્ન શક્ય ન હોવાનું જણાવ્યા છતાં આરોપીએ લગ્નની લાલચ આપી કારમાં અને બાદમાં ઘરે શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.
દિલ્હી જવાની વાત કરી, બાદમાં ઓળખ સામે આવી
ફરિયાદ મુજબ, અન્ય એક પ્રસંગે મહિલા મેટ્રો સ્ટેશન પર ફરજ પર હતી ત્યારે આરોપીએ તેની સાથે બહાર ફરવા આવવા કહ્યું હતું. મહિલાએ ઇનકાર કરતાં આરોપી ગુસ્સે થયો હતો અને ફોન તોડી નાખ્યો હોવાનો આક્ષેપ છે. બાદમાં માફી માગી આરોપીએ એક્સપ્રેસ-વે પર લઈ જઈ થોડા દિવસ માટે દિલ્હી જવાની અને પરત આવી લગ્ન કરવાની વાત કરી હતી.
સમય જતાં મહિલા કોન્સ્ટેબલે આરોપીને વારંવાર ફોન કર્યો, પરંતુ તે ફોન ઉપાડતો ન હતો. શંકા જતા મહિલા પાટણ ખાતે આરોપીના ઘરે પહોંચી હતી. ત્યાં તેને આરોપી પરિણીત હોવાની અને એક બાળકનો પિતા હોવાની જાણ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. પોતાની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત થયો હોવાનો આક્ષેપ કરી મહિલાએ અંતે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મહિલા કોન્સ્ટેબલની ફરિયાદના આધારે આરોપી માજીદખાન ચૌહાણ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં રૂ.17 લાખની લેવડદેવડ, શેરબજારમાં રોકાણના દાવા, આરોપીની વૈવાહિક સ્થિતિ તેમજ મહિલાએ કરેલા અન્ય ગંભીર આક્ષેપોની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો અંગેની હકીકતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.

