ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લામાં ઇન્સ્ટાગ્રામે એક પરિવારને તોડી નાખ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પહેલા મિત્રતા અને પછી પ્રેમ થયા બાદ ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે ઘરેથી ભાગી જતાં પતિ અને બાળકોની હાલત ખરાબ થઈ ગઈ છે. સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાને તેના કથિત પ્રેમી સાથે સીતાપુરથી ઝડપી પાડી છે.
હાલમાં તેને વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલવામાં આવી છે અને મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ મહિલાના પતિનો આરોપ છે કે, તેની પત્ની ઘરમાંથી એક લાખ રૂપિયા રોકડા અને લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈને ભાગી ગઈ છે. હાલમાં સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.
પતિ સાઉદી અરેબિયામાં અને પત્નીને થયો પ્રેમ
સમગ્ર ઘટનાની વિગતવાર વાત કરીએ તો ભદોહી જિલ્લાના રહેવાસી પ્રદીપકુમાર સિંહના લગ્ન શિલ્પા સાથે વર્ષ 2012માં થયા હતા. દંપતીને ત્રણ બાળકો છે. પ્રદીપ લાંબા સમયથી સાઉદી અરેબિયામાં રહીને મજૂરી કરી રહ્યો હતો. આ દરમિયાન શિલ્પાનો ઇન્સ્ટાગ્રામ દ્વારા સીતાપુર જિલ્લાના મહમૂદપુરના રહેવાસી લાલુ ઉર્ફે લાલજી મિશ્રા સાથે સંપર્ક થયો હતો. જે બાદ ધીમે-ધીમે વાતચીત શરૂ થઈ હતી અને અંતે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. મહિલાના પતિ પ્રદીપનો આરોપ છે કે 19 ફેબ્રુઆરીના રોજ શિલ્પા ઘરમાં રાખેલા એક લાખ રૂપિયા રોકડા અને સોના-ચાંદીના દાગીના લઈને ભાગી ગઈ હતી. પતિના જણાવ્યા અનુસાર, આમાં બે સોનાની વીંટીઓ, મંગળસૂત્ર, હાર, નથ, ઝુમખા, ટીકો, ચાંદીની ઝાંઝર અને પાયલનો સમાવેશ થાય છે. પ્રદીપે સસરા, સાળા અને અન્ય લોકો પર પણ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
બાળકોને મૂકીને પ્રેમી સાથે થઈ ફરાર
પત્નીના ગુમ થયા બાદ પ્રદીપે દુર્ગાગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે 9 સપ્ટેમ્બરે શિલ્પાને સીતાપુરના મહમૂદપુરથી તેના કથિત પ્રેમી લાલુ મિશ્રા સાથે ઝડપી પાડી હતી. પોલીસ કાર્યવાહી બાદ શિલ્પાને વન સ્ટોપ સેન્ટર મોકલવામાં આવી હતી. ત્યારબાદ મેજિસ્ટ્રેટ સમક્ષ તેનું નિવેદન નોંધાવા આવ્યું હતું. પરિજનોના જણાવ્યા અનુસાર, આ દરમિયાન પતિ અને ત્રણેય બાળકો તેને પાછા ઘરે આવવા માટે મનાવતા રહ્યા. બાળકો રડતાં-રડતાં તેને ઘરે પરત આવવાની વિનંતી કરતા રહ્યા. જોકે, શિલ્પા એકની બે ન થઈ. તેણે મેજિસ્ટ્રેટ સમક્ષ કથિત રીતે પોતાના પ્રેમી સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી.
પોલીસે હાથ ધરી તપાસ
ત્રણ બાળકોની માતા પ્રેમી સાથે ભાગી જતાં આ ઘટનાની આખા ગામમાં ભારે ચર્ચા થઈ રહી છે. જોકે, રોકડ અને દાગીના લઈ જવા તથા અન્ય લોકો ષડયંત્રમાં સામેલ હોવાના આરોપોની પોલીસ તપાસ કરી રહી છે. મહિલાએ પોતાના નિવેદનમાં શું કહ્યું અને આગળ તેનો નિર્ણય શું હશે, તે કાનૂની પ્રક્રિયા હેઠળ સ્પષ્ટ થશે.