ગુજરાતમાં ચોમાસાના નવા રાઉન્ડ વચ્ચે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી અતિભારે વરસાદની સ્થિતિ સર્જાઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં 12 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે.અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ગીર સોમનાથ, અમરેલી, મહુવા, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રા, મોરબી, વાંકાનેર અને જસદણ સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. કચ્છ તથા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, હિંમતનગર, વડાલી, બાયડ, અરવલ્લી અને ખેડબ્રહ્મા સહિતના વિસ્તારોમાં વરસાદની રાહત મળી શકે છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સાંજથી રાત સુધીમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3 ઇંચથી વધુ વરસાદ પડી શકે
મધ્ય અને પૂર્વ ગુજરાતમાં વડોદરા, મહીસાગર અને પંચમહાલમાં પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલાક સ્થળોએ 3 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 15 સપ્ટેમ્બર સુધીમાં વરસાદી સિસ્ટમ દરિયા તરફ ફંટાઈ શકે છે, જેના કારણે દ્વારકા, પોરબંદર અને જામનગરમાં 3 ઇંચ કે તેથી વધુ વરસાદની શક્યતા છે. ત્યારબાદ 18 સપ્ટેમ્બર આસપાસ અને 25-26 સપ્ટેમ્બરે નવી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
