દિલ્હી સરકાર કિરાડી વિસ્તારમાં એક શાનદાર મલ્ટીસ્પેશલિટી હોસ્પિટલનું નિર્માણ કરાવી રહી છે. 458 બેડની સુવિધાવાળી આ હોસ્પિટલ માટે ટેન્ડરની પ્રક્રિયા પુરી થઈ ચૂકી છે. તેને બનાવવાથી આઠ લાખ લોકોને સારી સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ મળશે. આ સાથે જ દિલ્હીની કેજરીવાલ સરકાર ઘણી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવા જઈ રહી છે.
દિલ્હી સરકાર સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલમાં એક નવી બિલ્ડિંગનું નિર્માણ પણ કરાવી રહી છે. જેનાથી અહીં બેડની ક્ષમતા 300થી વધીને 662 થઈ જશે. સાથે જ કેજરીવાલ સરકાર દ્વારા ડૉ.હેડગેવાર આરોગ્ય સંસ્થાની હાલની બેડ ક્ષમતાને વધારીને 550 બેડ કરવામાં આવી રહી છે. અરૂણા આસફ અલી હોસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારવા માટે સુધાર કાર્ય કરવામાં આવી રહ્યું છે. તદ્દપરાંત આચાર્ય ભિક્ષુ હોસ્પિટલની ક્ષમતાને 500 બેડ અને ગુરૂ ગોવિંદ સિંહ હોસ્પિટલમાં બેડ સંખ્યાને 572 સુધી વધારવામાં આવી રહી છે. આ સાથે જ દિલ્હીમાં કેજરીવાલ સરકાર તરફથી બે નવી હોસ્પિટલો પણ બનાવવામાં આવી રહ્યા છે.
જાણકારી પ્રમાણે, કેજરીવાલ સરકાર માદીપુર અને જ્વાલાપુરીમાં બે નવી હોસ્પિટલો બનાવી રહી છે. આ બંન્ને હોસ્પિટલો વિશ્વ સ્તરીય સ્વાસ્થ્ય સુવિધાઓથી લેસ હશે અને અહીં દર્દીઓની સારવારથી લઈ તમામ તપાસ પણ હોસ્પિટલમાં જ થશે.
કેજરીવાલ સરકાર દ્વારા લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં મધર એન્ડ ચાઈલ્ડ કેયરને સમર્પિત 460 બેડનો એક નવો બ્લૉક બનાવવા જઈ રહી છે. સાથે જ ચાચા નહેરુ બાળ ચિકિત્સાલયમાં દિલ્હી સરકાર 610 બેડની નવી સુવિધા વિકસિત કરવા પર કામ કરી રહી છે. આ રીતે રોહિણી સ્થિત બાબા સાહેબ ડૉ.આંબેડકર હોસ્પિટલમાં મધર એન્ડ ચાઈલ્ડ કેયરને સમર્પિત 463 બેડ ક્ષમતાનો એક નવો બ્લૉક પણ બનાવવામાં આવી રહ્યો છે અને શ્રી દાદા દેવ માતૃ તેમજ શિશુ ચિકિત્સાલયની ક્ષમતાને 300 બેડ સુધી વધારવામાં આવી રહ્યા છે. એલએનજેપી હોસ્પિટલમાં માતા અને બાળકોની દેખભાળ માટે નવી ઈમારત બનાવવામાં આવી રહી છે, સાથે જ અહીં તેમના માટે બેડોની સંખ્યામાં વધારો કરવામાં આવશે.