વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 25 વર્ષની ભવ્ય અને સમર્પિત જનસેવા યાત્રાની ઉજવણીના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવામાં આવશે. આ અભિયાનના આગોતરા પર્વરૂપે આવતીકાલે, 13 સપ્ટેમ્બરથી રાજ્યમાં ‘વડનગરથી વારાણસી સેવાયાત્રા’ બાઇક રેલીનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ યાત્રા રાજ્યના ચાર પવિત્ર યાત્રાધામોથી શરૂ થશે.
4 ધામોથી બાઇક રેલીનો પ્રારંભ
નવસારીના ઉનાઈ માતાજી મંદિરથી પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી અને મંત્રી નરેશ પટેલ યાત્રાને લીલી ઝંડી આપશે. સોમનાથથી મંત્રી પ્રદ્યુમન વાજા અને રાજ્ય મંત્રી કૌશિક વેકરીયા, પાવાગઢથી રાજ્ય મંત્રી કમલેશ પટેલ તથા શામળાજીથી રાજ્ય મંત્રી પ્રવિણ માળી અને રાજ્ય મંત્રી પી.સી. બરંડા યાત્રાનું પ્રસ્થાન કરાવશે.
16 સપ્ટેમ્બરે તમામ યાત્રા વડનગર પહોંચશે
13 સપ્ટેમ્બરે ઉનાઈ માતાજી મંદિર, શામળાજી, સોમનાથ અને અંબાજી સહિત ચાર પવિત્ર સ્થળોથી નીકળેલી બાઇક યાત્રાઓ 16 સપ્ટેમ્બરે વડનગર પહોંચશે. દરેક યાત્રામાં 25થી 30 બાઇકસવાર, એક સુસજ્જ LED વાન અને એક પવિત્ર કળશ રથ જોડાશે. યાત્રાના માર્ગમાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં એકત્રિત કરવામાં આવશે. LED વાન મારફતે નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને ભારતે કરેલી વિકાસયાત્રાની ઝાંખી ગામેગામ રજૂ કરવામાં આવશે.
રસ્તામાં રક્તદાનથી વૃક્ષારોપણ સુધીના કાર્યક્રમો ચાર દિવસની આ યાત્રા દરમિયાન રૂટ પર આવતા ગામોમાં રક્તદાન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે. મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો, વિવિધ પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો પણ યાત્રામાં જોડાશે.
વડનગરમાં 500થી વધુ સંતો સાથે મહાઆરતી વડનગર પહોંચ્યા બાદ કળશમાં એકત્રિત પવિત્ર જળથી શ્રી હાટકેશ્વર મહાદેવનો જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ 17 સપ્ટેમ્બરે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં શર્મિષ્ઠા તળાવ ખાતે ભવ્ય મહાઆરતી યોજાશે. આ પ્રસંગે 500થી વધુ સાધુ-સંતો અને 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેશે.
વડનગરથી વારાણસી માટે 10 રૂટ, વારાણસીથી પણ 10 કળશ યાત્રા
મહાઆરતી બાદ શર્મિષ્ઠા તળાવનું પવિત્ર જળ લઈને સેવાયાત્રાનો બીજો તબક્કો શરૂ થશે. અમિત શાહ વડનગરથી વારાણસી જતી 10 અલગ-અલગ રૂટની સેવાયાત્રાઓને ફ્લેગ ઓફ કરાવશે. બીજી તરફ વારાણસીથી પણ વડનગર માટે 10 કળશ યાત્રાઓ રવાના થશે.
કાશી વિશ્વનાથમાં પવિત્ર જળથી અભિષેક
આ 20 દિવસીય સેવાયાત્રા દરમિયાન રસ્તામાં આવતી પવિત્ર નદીઓનું જળ કળશમાં સંચિત કરવામાં આવશે.
વારાણસી ખાતે યાત્રાના સમાપન પ્રસંગે એકત્રિત પવિત્ર જળથી બાબા કાશી વિશ્વનાથ મહાદેવનો ભવ્ય જળાભિષેક કરવામાં આવશે અને રાષ્ટ્રના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવશે.
