635 કરોડના મહાકૌભાંડનો ગાંધીનગરમાં ધડાકો! ‘SD Pay’ની લાલચે યુવકના ₹2.50 લાખ સાફ

Spread the love

ગુજરાતના સૌથી મોટા 635 કરોડ રૂપિયાના ફ્રોડ નેટવર્કનો રેલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે. આ મામલે યુવકે પોતાની સાથે રોકાણના નામે 2.50 લાખની ઠગાઈ થયાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં 6 આરોપીઓની ધરપકડ કરી છે. કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મહેસાણાનો ધવલ પટેલ હાલમાં ફરાર છે.

 

સેક્ટર-13માં રહેતા યુવક સાથે છેતરપિંડી

 

આ ઠગ ટોળકીએ ગાંધીનગરના કુડાસણ સ્થિત VTC કોમ્પલેક્સના પાંચમા માળે ઓફિસ ખોલીને પણ અનેક રોકાણકારોને નિશાન બનાવીને મોટી ઠગાઈ આચરી હતી. ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૂળ ગાંધીનગરના સેક્ટર-13એ વિસ્તારમાં રહેતા અને કુડાસણ ખાતે પ્રમુખ આર્કેડમાં લોન અપાવવાનું કામકાજ કરતા સ્મિતકુમાર ગિરીશભાઇ શ્રીમાળી નામના યુવક સાથે આ પ્રકારે વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો.

 

મિત્રના કહેવાથી રોકાણ કર્યું

 

આ કૌભાંડનો સિલસિલો 10 જુલાઈ 2025થી 12 સપ્ટેમ્બર 2026 દરમિયાન ચાલ્યો હતો. જેમાં શરૂઆતમાં ફરિયાદીના પિતાએ મિત્ર કમલેશ વાઘેલાના કહેવાથી આ કંપનીમાં રોકાણ કર્યું હતું અને એક દિવસના 0.30થી 0.40 પૈસા સુધીનું આકર્ષક વળતર મળતું હતું. આ લોભામણી યોજનાથી પ્રભાવિત થઈને સ્મિતકુમારે પણ 10 જુલાઈએ પોતાના મોબાઈલ ફોનમાં ‘SD Pay / Apna Pay’ એપ્લિકેશન ચાલુ કરી રૂ. 2000નું પ્રારંભિક રોકાણ કર્યું હતું.

 

નાણા ઉપાડવા જતા એરર આવી

 

પ્રારંભમાં સારો નફો પરત મળતા અને 8 ઓક્ટોબરે ક્રેડિટ કાર્ડમાંથી ટુકડે-ટુકડે કુલ રૂ. 50 હજારનું રોકાણ કર્યા બાદ સમયસર રકમ પરત મળી જતાં તેને કંપની પર ભરોસો બેસી ગયો હતો.જેના પગલે 7 એપ્રિલ 2026ના રોજ ફરિયાદીએ ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકના ખાતામાંથી નેટ બેંકિંગ દ્વારા વધુ રૂ. 2,50,000નું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યાના એક મહિના બાદ જ્યારે નાણાં પરત ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે એપ્લિકેશનમાં રકમ ના ઉપડી અને ગ્રુપમાં ‘એરર’ આવતી હોવાનું જણાવાયું હતું.

 

કંપનીએ જવાબ ના આપતા ફરિયાદ નોંધાવી

 

ત્યારબાદ ઠગ ટોળકીએ ઝૂમ એપ્લિકેશનથી ઓનલાઈન મીટિંગો યોજીને નાણાં પરત આપી દેવાના ખોટા વાયદાઓ આપ્યા હતા, પરંતુ છેલ્લા 15 દિવસથી મીટિંગો બંધ કરી દેતા અને કંપની તરફથી કોઈ જવાબ નહીં મળતા આખરે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે અન્વયે સેકટર 7 પોલીસે ગુનો નોંધ્યો છે. જોકે આગામી દિવસોમાં આ ઠગાઈ પ્રકરણમાં ગાંધીનગર પોલીસના ચોપડે વધુ ગુના દાખલ થવાની પુરેપુરી શકયતા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *