અમદાવાદ શહેરમાં લાંબા સમય બાદ ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે. સવારથી શરૂ થયેલા વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી એક વખત પાણી ભરાઈ જતાં તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી અને વરસાદી પાણીના નિકાલના આયોજન સામે ફરી એક વખત સવાલો ઊભા થયા છે. શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે છાશવારે પોતાના કાર્યક્રમોની રિલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા નેતાઓ આજે પાણીથી છલોછલ રસ્તાઓ પર જોવા ન મળતાં લોકોમાં પણ ચર્ચા જોવા મળી હતી.
પશ્ચિમ અમદાવાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ
અમદાવાદના બોપલ-ઘુમા, આનંદનગર, પ્રહલાદનગર, એસજી હાઈવે અને એસ.પી. રિંગ રોડ સહિતના પશ્ચિમ વિસ્તારોમાં સવારથી જ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ શહેરના અનેક મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.વરસાદી પાણીના નિકાલ માટે સમયાંતરે મોટા દાવા કરતા પદાધિકારીઓ અને અધિકારીઓ મેઘરાજાની એન્ટ્રી થતાં જ જાણે એક્ઝિટ મોડમાં જોવા મળ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. પાણી ભરાવાને લઈને ન્યૂઝ ચેનલોના રિપોર્ટરો દ્વારા નેતાઓના સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા તાં કેટલાક જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ ફોન ઉપાડવામાં પણ અચકાતા હતા.
દર વર્ષે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે. તેમ છતાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નક્કર આયોજન કેમ કરવામાં આવતું નથી તે સવાલ હવે ફરી ઊભો થયો છે. પશ્ચિમ અમદાવાદની સાથે પૂર્વ અમદાવાદમાં પણ વરસાદી પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની હતી. નિકોલ, નારોલ, જશોદાનગર અને મણિનગર સહિતના વિસ્તારોમાં મુખ્ય માર્ગો પર જાણે ઘોડાપૂર આવ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.
શહેરમાં પાણી ભરાવાની આ સ્થિતિ વચ્ચે કોઈ મોટી જાનહાનિ ન થઈ તે રાહતની વાત છે. જોકે, દર વર્ષે વરસાદ દરમિયાન સર્જાતી આવી પરિસ્થિતિને જોતા શહેરના ડ્રેનેજ અને સ્ટોર્મ વોટર નેટવર્ક અંગે ગંભીરતાથી વિચાર કરવાની જરૂરિયાત ફરી સામે આવી છે. આશરે 45 દિવસ પહેલા અમદાવાદમાં મેઘરાજાએ ધમરોળ્યા હતા. તે સમયે આગામી દિવસોમાં કુદરતી આફત સામે કેવી રીતે લડી શકાય તે માટે માસ્ટર પ્લાન બનાવવાની વાતો નેતાઓ અને મનપાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જોકે ફરી વરસાદ પડતાં જૂની સ્થિતિનું પુનરાવર્તન થતાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે.
મુખ્યમંત્રીની સૂચના બાદ પણ સ્થિતિમાં કેમ ન આવ્યો સુધારો?
અગાઉ અમદાવાદમાં વરસેલા ભારે વરસાદ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના મતવિસ્તાર બોપલ-ઘુમાની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પાણી વચ્ચે સ્થળ પર પહોંચીને તેમણે અધિકારીઓને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે યોગ્ય આયોજન કરવાની કડક સૂચના આપી હતી. પરંતુ આજે ફરી બોપલ-ઘુમા સહિતના વિસ્તારોમાં પાણી ભરાતાં મુખ્યમંત્રીની સૂચનાના અમલ અંગે પણ સવાલો ઊભા થયા છે. શું સૂચનાઓ માત્ર કાગળ પર જ રહી ગઈ કે પછી તેના આધારે વાસ્તવિક કામગીરી થઈ જ નહીં, તે અંગે જવાબદારી નક્કી કરવાની જરૂરિયાત છે.
આડેધડ શહેરીકરણ પણ મોટી સમસ્યા
અમદાવાદમાં સતત વધી રહેલા સિમેન્ટ-કોંક્રિટના જંગલો અને આડેધડ શહેરીકરણને કારણે વરસાદી પાણીના કુદરતી નિકાલના માર્ગો પણ પ્રભાવિત થયા છે. બાંધકામને મંજૂરી આપતી વખતે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અને શહેરની ડ્રેનેજ ક્ષમતાને પૂરતું મહત્વ આપવામાં આવે છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. શહેરના વિકાસની દોડમાં જો વરસાદી પાણીના નિકાલ જેવી મૂળભૂત વ્યવસ્થાને નજરઅંદાજ કરવામાં આવે તો ભારે વરસાદ દરમિયાન સામાન્ય નાગરિકોના જીવ અને માલમિલકત બંને જોખમમાં મુકાઈ શકે છે.
નેતાઓની જવાબદારી પણ નક્કી થવી જોઈએ
છાશવારે પોતાના કાર્યક્રમો અને કામગીરીની રિલ્સ સોશિયલ મીડિયા પર મૂકતા નેતાઓ વરસાદ દરમિયાન પાણી ભરાયેલા વિસ્તારોમાં કેટલા સક્રિય રહે છે તે પણ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શહેરને ખરેખર સ્માર્ટ અને આધુનિક બનાવવું હોય તો માત્ર રસ્તા અને બિલ્ડિંગો નહીં પરંતુ વરસાદી પાણીના નિકાલનું મજબૂત અને લાંબા ગાળાનું આયોજન પણ એટલું જ જરૂરી છે.
