ગુજરાત આજે દેશનું રોલ મોડલ છે એનુ મુખ્ય કારણ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મિશન સાથેના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે શકય બન્યુ છે. છેલ્લા અઢી દાયકાઓથી શરૂ થયેલી આ વણથંભી વિકાસયાત્રા આજે અવિરતપણે વધી રહી છે અને સુગ્રથિત વિકાસ થકી ગુજરાત મોટાભાગના ક્ષેત્રોમા દેશભરમાં મોખરે રહ્યુ છે એટલુ જ નહી ઓદ્યોગિક વિકાસના પરિણામે વિશ્વભરના દેશો ગુજરાત તરફ મીટ માંડીને બેઠા છે એનુ માત્રને માત્ર કારણ હોય તો રાજય સરકારનુ સુશાસન છે.
રાજયના સર્વાંગી વિકાસમાં કિસાનોનો સિંહફાળો રહ્યો છે અને એટલે જ ‘કિસાન સુખી તો જ આપણે સૌ સુખી’ના દ્રઢ નિર્ધાર સાથે સરકાર કામ કરી રહી છે. ‘સૌના સાથ સૌના વિકાસ’ મંત્રને ચરિતાર્થ કરીને આપણી સરકારે અનેકવિધ જનહિતલક્ષી યોજનાઓ કાર્યાન્વિત કરીને એના લાભો પૂરા પાડવામા આવી રહ્યા છે. જેના સુભગ પરિણામો આજે આપણા સૌની સામે દેખાઈ રહ્યા છે. ગુજરાત સરકાર આજે સુશાસનના પાચ વર્ષ પુરા કરી રહી છે. એમા પ્રત્યેક ગુજરાતીઓનું અપ્રતિમ યોગદાન રહ્યુ છે. આ પાચ વર્ષમા કિસાનો માટે પણ આપણી સરકારે અનેકવિધ કૃષિલક્ષી નિર્ણયો કર્યા છે. એટલુ જ નહી કુદરતી આપદાઓ વેળાએ પણ કિસાનોનુ બાવડુ પકડીને તેમને બેઠા કરવાનુ કામ પણ આપણી સરકારે કર્યુ છે. આપદા વખતે એમની પડખે ખભે ખભો મીલાવીને ઉમદા સહાય પેકેજો પણ આપ્યા છે અને આપતા રહીશુ એમા કોઈ શંકાને સ્થાન નથી. આ પાચ વર્ષના સુશાસનના કાર્યક્રમોમા પણ કિસાનોને સહભાગી બનાવીને કિસાન સન્માનનો અપ્રતિમ પ્રયાસ રાજય સરકાર કરી રહી છે.
ગુજરાતના પનોતા પુત્ર અને લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના ખૂણે ખૂણાના વિકાસ માટે નાખેલા પાયા ઉપર આજે નિર્ણાયક મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલની ગુજરાત ટીમ આપણાં ગુજરાતને ‘ઉત્તમથી સર્વોત્તમ’ ભણી લઈ જવા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે.જેમા ખેડૂતોને પણ ખાસ પ્રાધાન્ય આપવામા આવી રહ્યુ છે. રાજય સરકારે કિસાનો માટે સૂક્ષ્મ સિંચાઈ સહાય, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે સહાય, કૃષિ કીટ સહાય, પાક વેચાણ માટે છાંયડો સહાય, પાક સંગ્રહ યોજના, સ્માર્ટ હેન્ડ ટુલકીટ અને પરિવહન સહાય જેવા સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અમલી બનાવીને કિસાનોની પડખે અડિખમ ઊભી રહી છે.
આજે ગુજરાતના ખેડૂતો ખુશહાલ છે કેમ કે રાજય સરકારે કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોના રાતના ઉજાગરા દૂર કર્યા છે અને જંગલી પશુઓ જીવજંતુઓ કરડવાના ત્રાસ સામે રક્ષણ આપ્યુ છે. આ યોજના હેઠળ ૪૦૦૦ ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી આપવાની દાયકાઓ જૂની માગણી આપણી સરકારે પૂર્ણ કરી છે. રાજયમા અત્યાર સુધી ૩,૩૮,૦૦૦ જેટલાં ખેડૂતોને આ યોજનાનો લાભ આપી દિવસે વીજળી પૂરી પાડી છે. આગામી સમયમા તમામ ગામડાઓને આવરી લેવાનુ આયોજન છે અને એ માટે યુદ્ધના ધોરણે કામ ચાલી રહ્યૂ છે. જેના થકી પાક ઉત્પાદનમા અનેક ગણો વધારો થશે.
ખેડૂતોને તેમના પાક ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળી રહે એ માટે ટેકાના ભાવે ખરીદીના ભાવોમા ઉત્તરોત્તર વધારો કર્યો છે અને ટેકાના ભાવે ખરીદી માટેની પાક પેદાશોમા પણ વધારો કર્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ૨૨ લાખ જેટલાં ખેડૂતો પાસેથી રૂ. ૧૯ હજાર કરોડના ખર્ચે ૪૧ લાખ મેટ્રીક ટનથી વધારે ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરીને તેમનું આર્થિક સશક્તિકરણ કરવામાં આવ્યું છે.
ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે રાજય સરકાર આગળ વધી રહી છે. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૯ હજાર કરોડ, વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ. ૩૭ હજાર કરોડ અને વર્ષ ૨૦૨૦-૨૧માં અત્યાર સુધીમાં રૂ. ૩૩ હજાર કરોડ ઉપરાંતની અલગ અલગ યોજના અન્વયે કિસાનોને આર્થિક સહાય આપવામાં આવી છે. વર્ષ ૨૦૧૯માં અતિવૃષ્ટિ વખતે રૂ. ૩,૭૯૫ કરોડ અને વર્ષ ૨૦૨૦માં રૂ. ૩,૭૦૦ કરોડનું ઐતિહાસિક રાહત પેકેજ ગુજરાતની સંવેદનશીલ સરકારે કિસાનોને આપ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કિસાનોની આવક બમણી કરવા નિર્ધાર સાથે કિસાનો માટે કિસાન સન્માન નીધિ યોજના કાર્યાન્વિત કરી છે જે અંતર્ગત ખેડૂત પરિવારને વાર્ષિક રૂપિયા ૬૦૦૦ની સહાય ખેડૂત ખાતેદારોના ખાતામાં ડી.બી.ટી. દ્વારા જમા કરાવવામા આવે છે જેમાં ગુજરાતના ૫૯ લાખ કિસાનોના ખાતામાં રૂ.૭૯૫૧ કરોડ જમા થયા છે.અને ૨૧ લાખ ખેડૂતોની ૨૭ લાખ હેકટર જમીન માટે રૂપિયા ૫૫૦૦ કરોડની પ્રિમિયમ સબસીડી ચૂકવી છે. બે દાયકા પહેલા પાચ વર્ષે એક સાથે ખેડૂતોને અડધી પડધી પાક વીમાની રકમ મળતી હતી આજે ખેડૂતોના દાવાની રકમની ચૂકવણી વિના વિલંબે થાય છે.રાજયના ૨૨.૨૪ લાખ ખેડૂતોને રૂપિયા ૫૨૩૧ કરોડના દાવાની ચૂકવણી કરી છે. એટલુ જ નહી રાજય સરકારે વર્ષ ૨૦૨૦થી વગર પ્રિમિયમે તમામ ખેડૂતોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવી છે.
નર્મદાના વહી જતા પાણી ને કિસાનોને ઉપયોગી થાય એ માટે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો માટે ‘સૌની’ યોજના અમલી બનાવી છે. જે હેઠળ પહેલા તબક્કામાં ૧ લાખ ૬૬ હજાર, બીજા તબક્કામાં ૩ લાખ ૭૭ હજાર, ત્રીજા તબક્કામાં ૨ લાખ ૪૩ હજાર એકર વિસ્તારમાં રાજ્ય સરકારે સિંચાઈ વ્યવસ્થા પૂરી પાડી છે. દેશભરમાં ઉત્તમ ઉદાહરણરૂપ સુજલામ સુફલામ જળસંચય અભિયાન દ્વારા જનભાગીદારીથી ૬૧,૭૮૧ લાખ ઘનફૂટ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. જળસિંચન માટે જળ વ્યવસ્થાપન ખૂબ જ જરૂરી છે. વર્ષ ૨૦૦૧માં સિંચાઇ હેઠળનો વિસ્તાર ૩૮.૭૭ લાખ હેક્ટર હતો, જે વર્ષ ૨૦૨૦માં વધીને ૬૮.૮૯ લાખ હેક્ટર થયેલ છે. આમ, સિંચાઇ વિસ્તારમાં ૩૦.૧૨ લાખ હેક્ટરનો વધારો થયો છે. રાજ્યમાં પિયત સુવિધાઓ માટે થયેલ પ્રયત્નોને કારણે કૃષિ ક્ષેત્રે વધુ ને વધુ વિસ્તાર એક થી વધુ વખત વાવેતર હેઠળ આવતો થયો છે.
વિજળી માટે વિજ વિતરણ વ્યવસ્થા સુદ્રઢ હોવી અનિવાર્ય છે જે ગુજરાતમાં છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને ઇલેક્ટ્રીસીટી ડ્યુટી ભરવી પડતી નથી. અગાઉ માત્ર ૧૫૦૦૦ પ્રતિ વર્ષ નવા કૃષિ વીજ જોડાણ આપવામાં આવતા હતા. જ્યારે છેલ્લા ૧૭ વર્ષની સરેરાશ કરીએ તો સરેરાશ એક લાખ નવા ખેતીવાડી વીજ જોડાણ આપવામાં આવ્યા છે. ખેડૂતોના વીજ બિલમાં રાહત માટે રાજય સરકાર દર વર્ષે અંદાજે રૂા.૭૩૮૫ કરોડ વીજ સબસીડી તરીકે રાજયના ૧૮ લાખ ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે.
એક જમાનો હતો કે જ્યારે ગુજરાતનો ખેડૂત ખાતર માટે કલાકો સુધી લાઇનમાં ઉભો રહેતો હતો છતાં ખાતર મળવાના ફાંફાં પડતા. જ્યારે છેલ્લા દાયકાથી ગુજરાતમાં રાસાયણિક ખાતરની અછત સર્જાઇ નથી. યોગ્ય જથ્થામાં માર્કેટમાં ઉપલબ્ધ છે. રાજ્યમાં કુલ ૧૫ જેટલી સરકાર માન્ય મુખ્ય ખાતર વિતરક સંસ્થાઓ, ૮૩૯ જેટલા હોલસેલર તેમજ ૮૫૦૦ થી વધુ સક્રિય ખાતર વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરની વિતરણ વ્યવસ્થા સાથે સંકલન કરી ૪૦ લાખ મેટ્રિક ટન જેટલું રાસાયણિક ખાતર પ્રતિવર્ષ ખેડૂતોને પુરૂ પાડવામાં આવી રહ્યુ છે. યુરિયા ખાતરના કાળા બજાર રોકવા અને ઉદ્યોગોમાં થતો ઉપયોગ રોકવા માટે કેન્દ્ર સરકારે યુરિયા ખાતરને નીમ કોટિંગ કરીને ખાતરનો દૂરપયોગ રોક્યો છે.
કૃષિ યાંત્રિકીકરણ યોજનામાં નાના-સીમાંત ખેડૂતોને અનુરૂપ સાધનોથી લઇ આધુનિક મોટા સાધનો ખેડૂતોને સહાયથી આપવામાં આવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં રાજ્ય સરકાર ધ્વારા કૃષિ યાંત્રિકીકરણ ક્ષેત્રે ટ્રેકટર સહિત વિવિધ સાધનોમાં છ લાખથી વધુ ખેડૂતોને રૂ.૧૮૦૦ કરોડ જેટલી સહાય પૂરી પાડી છે.
ખેડુતોના પડખે અડિખમ ઉભા રસીને વર્ષ ૨૦૨૦-૨૧ માં “સાત પગલાં ખેડૂત ક્લ્યાણના” અંતર્ગત વાવણીથી વેચાણ સુધીની વિવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોને વધુને વધુ આત્મનિર્ભર બનાવવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે. આ યોજનાઓના ખૂબ સારા પરિણામો અને પ્રતિસાદ સાંપડયા છે. ખેડૂતોની પડખે રહેવાની નેમ સાથે સાત પગલાં ખેડૂત કલ્યાણના અભિયાન અંતર્ગતની યોજનાઓ બહોળા ખેડૂત સમુદાયને વધુ ને વધુ લાભ પહોંચે એ માટે ચાલુ રાખવામાં આવી છે. સુક્ષ્મ સિચાઈ માટે ૧૦૦૦ ઘનમીટર ના ભુગર્ભ પાણીના પાકા ટાકા માટે રૂ.૧૦ લાખની સહાય, દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે ૧ .૦૫ લાખ ખેડૂતોને રૂ.૫૭ કરોડની નિભાવ ખર્ચ સહાય, પ્રાકૃતિક કૃષિ કીટ સહાય હેઠળ ૧૨૪૦૦ ખેડૂતોને લાભ આપ્યો છે.રાજયના ૫૬૬૯૭ ખેડૂતોને છત્રી યોજના અન્વયે છત્રી વિતરણ, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના હેઠળ ખેતરમા એક લાખ નાના ગોડાઉન માટે રૂ.૩૦ હજારની સહાય આપીને ૧૨૫૭૧ ખેડૂતોને આવરી લઈ રૂ.૨૯.૨૧ કરોડની સહાય ચૂકવી છે.આ ઉપરાંત સીમાત ખેડૂતો અને ખેતમજૂરો માટે સ્માર્ટ હેન્ડસ ટુલ કીટની ૯૦ ટકા સહાય તથા કિસાન પરિવહન યોજના અંતર્ગત ૧ લાખ ઉપરાત ખેડૂતોને રૂ ૬૬ કરોડની મીડિયમ સાઈઝ ગુડઝ કેરેજ માટે વાહન સહાય ચૂકવાઈ છે.
કૃષિ ક્ષેત્રે ગુજરાતની સફળતાની વાત કરીએ તો ગુજરાતે કૃષિ ક્ષેત્રે સમગ્ર દેશને દિશા ચીંધી છે. દેશની વસ્તીના ૪.૯૯ ટકા હિસ્સો ધરાવતું ગુજરાત રાષ્ટ્રના ઘરગથ્થું ઉત્પાદનમાં લગભગ ૭.૯ ટકા હિસ્સો ધરાવે છે. તાજેતરના વર્ષોમાં વરસાદની પ્રતિકૂળ અસર હોવા છતાં, છેલ્લા ત્રણ વર્ષોમાં રાજયના અર્થતંત્રએ સતત વૃધ્ધિ દર્શાવી છે. ભૌગોલિક દ્રષ્ટિએ આપણો દેશ વિશ્વના કુલ વિસ્તારના ૨.૪ ટકા જેટલો વિસ્તાર ધરાવે છે. પરંતુ વિશ્વની ૧૭.૫ ટકા વસ્તીનો સમાવેશ કરે છે. ગુજરાત રાજય દેશના કુલ ભૌગોલિક વિસ્તારનાં માત્ર ૬ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, તેમ છતાં દેશના અગત્યનાં પાકો જેવા કે કપાસ, મગફળી, દિવેલા, તલ, જીરૂ, ઈસબગુલ તેમજ દુધ ઉત્પાદનમાં પ્રથમ હરોળમાં હોવાનું ગૌરવ અનુભવે છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન અનાજનું કુલ ઉત્પાદન ૯૩.૨૮ લાખ ટન,કપાસનું ઉત્પાદન ૮૮.૦૧ લાખ ગાંસડી, મગફળીનું ઉત્પાદન ૪૬.૪૩ લાખ ટન અને તેલીબીયાનું ઉત્પાદન ૬૬.૬૪ લાખ ટન થયું છે.
ગુજરાત વિશ્વકક્ષાએ કેળા, જીરૂ, ઈસબગુલ, વરિયાળી અને દિવેલાના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત કપાસમાં ૩૬ ટકા, મગફળીમાં ૪૨ ટકા, દિવેલામાં ૮૦ ટકા, વરીયાળીમાં ૭૦ ટકા અને જીરૂમાં ૬૦ ટકા ફાળો ધરાવે છે. ગુજરાતમાં બટાટાની ઉત્પાદકતા ૩૧ ટન અને ચણાની ૧૬૬૩ કિલો/હે. છે, જે રાષ્ટ્રીય કક્ષાએ સૌથી વધુ છે. ગુજરાત રાજ્યમાં વાવેતર હેઠળ કુલ ૯૮ લાખ હેક્ટર વિસ્તાર છે તે પૈકી બાગાયતી પાકો હેઠળનો વાવેતર વિસ્તાર ૧૬.૧૬ ટકા જેવો છે.
બજાર વ્યવસ્થાપનમાં ગુજરાત અગ્રેસર છે. ગુજરાત રાજયમા કુલ ૨૨૪ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ૨૧૧ મુખ્યયાર્ડ, ૧૯૩ સબયાર્ડ એમ કુલ ૪૦૪ માકેટ્યાર્ડ છે. જેમાં તંતુ, અનાજ, કઠોળ, તેલીબીયા, મસાલા, તેજાના અને બીજ ઉત્પાદન, ફળ અને શાકભાજી જેવી જણશી વેચાણ માટે આવે છે. વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં જણસીઓની કુલ આવક ૧૩૩૯.૪ લાખ કિવન્ટલ તથા કુલ આવક રૂ. ૩૧૫૬૨.૨૧ કરોડ છે. વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતીની કુલ માકેટ સેસ ફીની આવક રૂ. ૨૬૭૫૬.૭૫ લાખની છે.
રાજયની નિર્ણાયક સરકાર ખેડૂતોને ઝીરો ટકાના વ્યાજે ટુંકી મુદતનું પાક ધિરાણ પુરુ પાડે છે. વર્ષ ૨૦૨૦-૨૧માં રૂા.૧૯૫૫ કરોડની ભારત સરકાર અને રાજય સરકારની વ્યાજ સહાયથી ૧૩.૩૧ લાખ ખેડૂતોને આ વ્યાજ રાહતનો લાભ મળ્યો છે. ૧૯ લાખથી વધુ ખેડૂતો પાસેથી ૨૦૧૬-૧૭ થી ૨૦૨૧ દરમિયાન રૂ.૧૮૩૪૮ કરોડના મૂલ્યની તથા ૩૭,૦૭,૩૫૮ મેટ્રીક ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ભારત સરકારની એજ્ન્સી નાફેડ દ્વારા ગુજરાત રાજ્યમાં મગફળી, મગ, અડદ, તુવેર, ચણા અને રાયડાની કુલ રૂ. ૭૨૬૨.૬૩ કરોડના મૂલ્યની કુલ ૧૪,૩૮,૨૨૯.૩૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકારની એજ્ન્સી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (સીસીઆઇ) દ્વારા ગુજરાત રાજ્યમાં કપાસની કુલ રૂ.૪૧૯૮.૭૨ કરોડના મૂલ્યની કુલ ૭,૬૨,૩૩૦.૭૦ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્ય સરકારની એજ્ન્સી ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા રાજ્યમાં ઘઉં, મકાઇ, ડાંગર(કોમન), ડાંગર (ગ્રેડ-A), તથા બાજરીની કુલ રૂ. ૪૬૨.૮૪ કરોડના મૂલ્યની કુલ ૨,૪૫,૧૧૬.૯૬ મે.ટન ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે.
કુદરતી આકસ્મિક સંજોગોમાં ઉભા પાકને નુકશાન થાય તિડ, જીવાત નિયંત્રણ, રોગ નિયંત્રણ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ જેવી સ્થિતી ઉત્પન્ન થાય તો રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રે તમામ તબક્કે ખેડૂતોની સાથે ઊભી રહી છે. વિષમ કુદરતી સ્થિતી પછી તે દુષ્કાળની સ્થિતી હોય કે પછી વધુ વરસાદ, માવઠું પડ્યુ હોય કે પછી રોગ-જિવાતનું આક્રમણ થયું હોય, રાજ્ય સરકાર આ તમામ આકસ્મિક પરિસ્થિતિમાં ખેડૂતોની પડખે રહી છે. ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં ઓગષ્ટ માસમાં થયેલ ભારે વરસાદથી થયેલ પાક નુકશાન રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજીત ૩૭ લાખ હેક્ટર વિસ્તાર માટે રૂ. ૩૭૦૦ કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને મદદરૂપ થવા જાહેર કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ વર્ષમાં આકસ્મિક પરિસ્થિતિમાં ખેડૂતોને મદદરૂપ થતા રાજ્ય સરકારે રૂ. ૫૮૦૦ કરોડથી વધુ ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં સીધા જમા કરાવ્યા છે. જે થકી રાજ્યના ખેડૂતો વિષમ કુદરતી સ્થિતીમાં પણ હિંમત હાર્યા નથી. ૨૦૧૫-૧૬ થી આજ દિન સુધી રૂા. ૯૦૫૦ કરોડ થી વધુ સહાય ખેડૂતોને ચુકવવામાં આવી છે.
“દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના”અંતર્ગત વર્ષ ૨૦૨૧ -૨૨ માં રૂ. ૨૧૩ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનામાં પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુત પરીવારને એક ગાય માટે માસિક રૂ. ૯૦૦ લેખે વાર્ષિક રૂ.૧૦,૮૦૦ની સહાય આપવામાં આવશે.
કિસાનોના પસીનાથી લહેરાતા પાકને ભૂંડ, રોજડા જેવા જાનવરો નષ્ટ ન કરે તે માટે તેમના પાકને રક્ષણ આપવાના હેતુથી આ સરકારે ખેતરની ચારે બાજુ કાંટાળા તારની વાડ બાંધવા માટે સહાય આપવાની યોજના શરૂ કરાઈ છે વર્ષ ૨૦૨૧-૨૨માં તારની વાડ યોજના માટે રૂ.૨૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સમયસર રોગ-જીવાતના સર્વે થકી ઉપદ્રવની જાણકારી મેળવી તેના અસરકારક નિયંત્રણ માટે પ્રાયોગિક ધોરણે રાજ્યના ૧૦ જિલ્લામાં મોબાઈલ ક્રોપ ક્લિનિક (ફરતા કૃષિ ક્લિનિક) માટે રૂ.૧.૪૦ કરોડની જોગવાઈ કરેલ છે.રાજ્ય સરકાર છેવાડાના ખેડૂતો સુધી પહોંચી છે અને તેમની તમામ જરૂરિયાતો માટે મદદરૂપ થવાની પ્રતિબધ્ધતા ધરાવે છે. રાજ્યના ખેડૂતોને મલ્ટી પર્પઝ હેતુ માટે એક ડ્રમ તેમજ પ્લાસ્ટિકના બે ટોકર (ટબ) વિના મૂલ્યે આપવા માટે રૂ. ૮૭.૪૭ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે હેઠળ પ્રથમ વર્ષે ચાર લાખ જેટલા ખેડૂતોને સહાય મળશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે “પાંચ વર્ષ આપણી સરકારના, સૌના સાથ સૌના વિકાસના” હેઠળ જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ પરંતુ પાંચ વર્ષના આ સુશાસનમાં લોકહિતના થયેલા અનેકવિધ વિકાસકામો લોકાર્પણો, લાભ સહાય વિતરણ અને બહુવિધ જનહિત કામોને આવા કાર્યક્રમો દ્વારા જન-જન સુધી ઊજાગર કરવાનો પ્રયાસ અમારી સરકારનો છે.
સુશાસનના પાંચ વર્ષ નિમિત્તે થીમ આધારિત વિવિધ જનહિતલક્ષી ફલેગશીપ યોજનાઓનો વ્યાપ વધારવા માટે રાજયભરમાં વિવિધ કાર્યક્રમો થકી રાજયની અવિરત વિકાસ યાત્રાને વધુ વેગવંતી બનાવવાનું રાજય સરકારનું આ જનહિત લક્ષી કાર્યક્રમોનું આયોજન છે જેમા કિસાનોને પણ સન્માન સાથે સમૃધ્ધ્ધ બનાવવા માટે આજે કિસાન સન્માન દિવસ અંતર્ગત કિસાન લક્ષી કાર્યક્રમો રાજયભરમાં યોજાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ આજે તા.૫ મી ઓગસ્ટે ‘કિસાન સન્માન દિવસ’ નિમિત્તે રાજયભરમાં કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત ૧૨૫ જેટલા વિવિધ કાર્યક્રમોનો કચ્છથી શુભારંભ કરાવ્યો છે. આ કાર્યક્રમોમાં કિસાન પરિવહન યોજના, ગાય નિભાવ યોજના, છત્રી યોજના, તારની વાડ યોજના, સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ યોજના હેઠળના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાશે. આ સાથે ૧૨૧ સબ સ્ટેશન તેમજ ૫૬૧ ફીડર દ્વારા ૧૪૦૦ ગામોના આશરે ૧,૧૮,૦૦૦ ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજનાનો લાભ મળતો થશે. તદઉપરાંત રૂપિયા ૭૯ કરોડના ખર્ચે બીજ નિગમ ગોડાઉનના ખાતમૂર્હૂતના કાર્યક્રમો પણ યોજાયા છે જેનો લાભ રાજયના લાખ્ખો ખેડૂતોને મળશે