ગાંધીનગરની સરકારી કચેરીઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈમેલ મળતા જ સમગ્ર સરકારી આલમ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા (SP) વાસમ શેટ્ટીના જણાવ્યા મુજબ, ગાંધીનગરની સરકારી કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળવાની ઘટના સામે આવતા જ સમગ્ર પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું હતું.
15 તારીખે ગાંધીનગર કોર્ટ અને ગાંધીનગર મહાનગરપાલિકા (મનપા)ની કચેરીના સત્તાવાર ઈમેલ આઈડી પર આ ધમકીભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો.
15 તારીખે સંવત્સરી પર્વ નિમિત્તે જાહેર રજા હોવાથી આ તમામ સરકારી કચેરીઓ બંધ રહી હતી. ત્યારબાદ બુધવારે સવારે જ્યારે અધિકારીઓ અને કર્મચારીઓ કચેરીએ પહોંચ્યા અને ઈમેલ તપાસ્યું, ત્યારે આ ધમકીભર્યો મેઈલ તેમના ધ્યાન પર આવ્યુ હતુ.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તુરંત જ પોલીસવિભાગને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ બોમ્બ ડીટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) તેમજ ડોગ સ્ક્વોડ સહિતની સુરક્ષા ટીમોએ સ્થળ પર પહોંચીને સમગ્ર કચેરી પરિસરમાં સઘન તપાસ અને ચેકિંગ હાથ ધર્યું હતું.
સદનસીબે, કાળજીપૂર્વકના સઘન સર્ચ ઓપરેશન બાદ પણ કચેરીઓમાંથી કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે સામગ્રી મળી આવી નહોતી, જેથી આ મેઈલ માત્ર ભય ફેલાવવા માટે મોકલવામાં આવેલો અફવારૂપ ઈમેલ હોવાનું સ્પષ્ટ થયું હતું.
આ મામલે પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે. સામાન્ય રીતે આવા ધમકીભર્યા મેઈલ વિદેશના સર્વર અને VPN (વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક)નો ઉપયોગ કરીને મોકલવામાં આવતા હોય છે, જેથી મોકલનારનું વાસ્તવિક લોકેશન છુપાવી શકાય. હાલ સાયબર ક્રાઈમ અને ટેકનિકલ ટીમો દ્વારા આ ઈમેલનું મૂળ સ્ત્રોત ટ્રેસ કરવા માટે ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.
ગાંધીનગરને 2026માં મળેલી બોમ્બની ધમકીઓ
06 જાન્યુઆરી : જિલ્લા કલેક્ટર કચેરી, ગાંધીનગર16 ફેબ્રુઆરી : સેક્ટર-10 અને 23 ની શાળાઓ
17 ફેબ્રુઆરી : ગાંધીનગર જિલ્લા અને સેશન્સ કોર્ટ
27 ફેબ્રુઆરી : સિવિલ હોસ્પિટલ બોયઝ હોસ્ટેલ
15 માર્ચ : કર્મયોગી ભવન (સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ઓફિસ)
10 સપ્ટેમ્બર : વિધાનસભા અને ગાંધીનગર કોર્ટ
15 સપ્ટેમ્બર : મહાત્મા મંદીર
15 સપ્ટેમ્બર : ગાંધીનગર મહાનગર પાલીકા અને ગાંધીનગર કોર્ટ
અગાઉ પકડાયેલા 2 આરોપીના 10 દીવસના રીમાન્ડ મંજૂર
અગાઉ ગાંધીનગર સ્થિત વિધાનસભા સંકુલને ધમકી આપવાના કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બુધવારે પોલીસે આ બંને આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને તેમની વધુ પૂછપરછ માટે રિમાન્ડ મેળવવામાં સફળતા મેળવી છે. કોર્ટે બંને આરોપીઓના 10 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે, જેના આધારે હાલ તેમની સઘન પૂછપરછ ચાલુ છે.
