ગાંધીનગર જિલ્લામાં 100 જેટલી પ્રાથમિક શાળાઓમાં ફાયર NOC નહીં હોવાનો મુદ્દો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગરમાયો હતો. શાળાઓમાં ધોરણ 1થી 8 સુધીનાં બાળકો અભ્યાસ કરતાં હોવાથી આગ-અકસ્માતની સ્થિતિમાં તેમની સુરક્ષાને લઈ સભ્યોએ ચિંતા વ્યક્ત કરી હતી.
આ સાથે ફાયર NOC વગરની શાળાની યાદી પણ રજૂ કરવાની માગણી કરાઈ હતી. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવાયા બાદ DDOએ સંબંધિત એજન્સીને તમામ દસ્તાવેજો સાથે રૂબરૂ બોલાવી વિગતો રજૂ કરવા આદેશ કર્યો હતો.ગાંધીનગર જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ફાયર NOCના અભાવનો મુદ્દો જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો હતો. કારોબારી સમિતિના ચેરમેન દિલીપસિંહ સોલંકીએ શાળાઓમાં ફાયર NOC નહીં હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
ચર્ચા દરમિયાન જિલ્લામાં આશરે 100 શાળાઓમાં ફાયર NOC નહીં હોવાનું સામે આવતા ચૂંટાયેલા સભ્યોએ આ મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી દિગંત બ્રહ્મભટ્ટ પાસે જવાબ માગ્યો હતો. જવાબમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પીયૂષ પટેલે જણાવ્યું હતું કે ટેન્ડરની શરતો મુજબ શાળાનું બાંધકામ કરનાર એજન્સીની ફાયર NOC મેળવવાની જવાબદારી છે.
તમામ શાળાઓ માટે જરૂરી પ્રક્રિયા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જોકે સભ્યોએ માત્ર પ્રક્રિયા કરવાથી નહીં, પરંતુ ફાયર NOC મેળવવાની કામગીરી પૂર્ણ કરવાની જરૂરિયાત દર્શાવી હતી.
પક્ષના નેતા કલ્પેશ પટેલે ફાયર NOC ના આવે ત્યાં સુધી સંબંધિત એજન્સીના બિલનું પેમેન્ટ રોકી રાખવાની માંગ કરી હતી. ત્યારબાદ DDOએ ફાયર NOC વગરની તમામ શાળાઓની વિગતો રજૂ કરવા અને સંબંધિત કોન્ટ્રાક્ટર એજન્સીને જરૂરી કાગળો સાથે રૂબરૂ હાજર કરવા આદેશ આપ્યો હતો