રાજ્યના સર્વાંગી વિકાસમાં, ઔદ્યોગિક શાંતિ અને સલામતીનું વાતાવરણ પૂરું પાડવામાં શ્રમ અને રોજગાર વિભાગનું મહત્વનું પ્રદાન છે. સૌના જીવનમાં શ્રમ અને કૌશલ્ય બંનેનું મહત્વ છે અને બંને આ વિભાગની અગત્યની જવાબદારી છે. શ્રમ-રોજગાર ક્ષેત્ર વધુ સુદઢ અને સરળ બને તેવી નવી ઘણી જ ભવિષ્યલક્ષી યોજનાઓ આ પ્રગતિશીલ સરકાર દ્વારા ઘડવામાં આવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની સરકારના સુશાસનનાં પાંચ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને જોડીને અનેકવિધ જનહિતકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં રોજગાર દિવસ અંતર્ગત યુવાઓને રોજગારી પુરી પાડવાનો પણ રાજ્ય સરકારનો
નિર્ધાર છે.
તા. ૬ ઓગસ્ટે ‘રોજગાર દિવસ’ અંતર્ગત મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલ તેમજ સાંસદશ્રી સી.આર પાટીલના હસ્તે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવાના ઉદ્દેશ સાથે તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં ૫૦ જેટલા રોજગાર મેળાઓ સહિતના વિવિધ રોજગારીની તકો અંગેના કાર્યક્રમોનો સુરતથી શુભારંભ કરવામાં આવનાર છે. રાજ્ય સરકારે કોરોનાના કપરાકાળમાં પણ વિકાસ કામો સહિતના કામોની રફતાર જાળવી રાખી આ રોજગાર પ્રક્રિયા પૂર્ણ કરી છે તેના નિમણૂંક પત્રો પણ આ દિવસે અર્પણ થશે. ‘રોજગાર દિવસ’ નિમિત્તે શિક્ષણ સહાયકો, નર્સો તથા અન્ય વિભાગો અને બોર્ડ કોર્પોરેશનમાં અપાયેલી નિમણૂંકો હેઠળ અંદાજે ૫૦ હજાર યુવાઓને નિમણૂંક પત્રો પણ એનાયત કરાશે. આ દિને ‘અનુબંધમ્ રોજગાર’ પોર્ટલનો પણ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે શુભારંભ થશે.
રાજયમાં વિવિધ ક્ષેત્રે રોજગારનું સર્જન અને દરેક યુવાધન સ્વ-નિર્ભર બની પોતાની આજીવિકા કમાઈ શકે તે રીતે રોજગાર કચેરીઓને સુસજ્જ કરવામાં આવી છે. રાજ્યમાં કુલ ૪૬ રોજગાર કચેરીઓ અને તેના નિયંત્રણ માટે ૪ પ્રાદેશિક કચેરીઓ કાર્યરત છે. જીલ્લા રોજગાર વિનિમય કચેરીઓ ૩૩ છે. જયારે યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર ૦૮ છે. અનુ.જનજાતિના ઉમેદવારો માટે ૦૫ નગર રોજગાર વિનિમય કચેરીઓ કાર્યરત છે.
લર્નિંગ વીથ અર્નિંગના અભિનવ અભિગમ સાથે રાજ્ય સરકારે શરૂ કરેલી મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત છેલ્લા બે વર્ષમાં ૨.૩૦ લાખથી વધુ યુવાનોને આ યોજનાનો લાભ મળ્યો છે. એપ્રેન્ટિસ વિદ્યાર્થીઓને પ્રતિ માસ અભ્યાસની સાથે રૂ. ૩૦૦૦ થી રૂ. ૪૫૦૦ના સ્ટાઇપેન્ડની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના યુવાધનને વૈશ્વિક સીમાડાઓ સર કરવા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે. ગુજરાતમાં ભારતના સૌથી વધુ ૨૪ ટકા એપ્રેન્ટિસ નોંધવામાં આવ્યા છે. બીજા રાજ્યોની સરખામણીમાં ૨૬ ટકા જેટલા યુનિટનું એપ્રેન્ટિસશીપ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન ગુજરાતમાં થયુ છે.
ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે કે, જેણે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા હેઠળ બિન અનામતના લોકો માટે ૧૦ ટકા આરક્ષણનું અમલીકરણ કર્યુ છે. અત્યાર સુધીમાં ૬૭ હજારથી વધુ પરિવારોએ આ યોજના અન્વયે રૂ.૬૩૯ કરોડ જેટલો લાભ મેળવ્યો છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ.૧૫ લાખ સુધીની લોન ૪ ટકાના વ્યાજ દરે આપવામાં આવે છે. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને કોલેજ અભ્યાસ માટે પણ ૪ ટકાના વ્યાજ દરે રૂ.૧૦ લાખ સુધીની લોન આપવામાં આવે છે
રાજ્યમાં અનેક યુવાઓને સરકારી નોકરીમાં તક મળી છે. સરકારી નોકરીની ભરતી પ્રક્રિયામાં પ્રવર્તમાન ૧૦ ટકા પ્રતિક્ષા યાદીનું કદ બેવડુ કરીને ૨૦ ટકા કરવામાં આવ્યુ છે. છેલ્લા ૪ વર્ષમાં બે લાખ યુવક-યુવતીઓને સરકારી સેવમાં નિયુક્તિ મેળવી ચે અને હજુ વધુ ૧ લાખ યુવાઓને સરકારી નોકરીમાં ભરતી કરવામાં આવશે. રાજ્યના યુવાઓને સ્પર્ધાત્મક ભરતીની પરીક્ષાની તાલીમ માટે સહાય આપવામાં આવે છે. વરસોથી સરકારી નોકરી માટે મૂકવામાં આવેલા પ્રતિબંધને દૂર કરીને રાજ્ય સરકારે યુવા શક્તિને સરકારી સેવામાં જોડી છે.
છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા કુલ ૧૭,૦૫,૦૦૩ ઉમેદવારોને રોજગારી પૂરી પાડવામાં આવી જે પૈકી ૫૩૯૪ રોજગાર ભરતીમેળાના આયોજન થકી ૧૦,૪૫,૯૨૪ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. દેશના રક્ષણ કાજે ગુજરાતના નવયુવાનો વધુપ્રમાણમાં લશ્કરમાં ભરતી થાય અને ફરજની સાથે સાથે રોજગારી પણ મેળવી શકે તે માટે આ વિભાગ મારફત ૩૦ દિવસની નિવાસી તાલીમ આપવામાં આવે છે તેમજ ૧૦૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં ૧૪૦ નિવાસી તાલીમવર્ગો કરી ૪૦૧૯ યુવાનોને તાલીમ આપવામાં આવેલ છે. જેના ફળ સ્વરૂપે છેલ્લા બે વર્ષ દરમ્યાન ૩૧૪૧ યુવાનો લશ્કરમાં પસંદગી પામ્યા છે. એટલુ જ નહી, છેલ્લા બે વર્ષમાં ૬૬૨ સેમીનારો કરી ૬૦ હજારથી વધારે ઉમેદવારોને માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યુ છે.
ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના રોજગાર મહાનિયામક દ્વારા ફેબ્રુઆરી-૨૦૨૦ માં પ્રસિદ્ધ થયેલા ‘એમ્પ્લોયમેન્ટ એક્ષ્ચેન્જીસ સ્ટેટીસ્ટીકસ-૨૦૧૮’ મુજબ રોજગાર કચેરીઓ મારફતે ૨૦૧૭ના વર્ષ માટે સમગ્ર દેશમાં રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી પૂરી પાડવામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંકે છે. મીનીસ્ટ્રી ઓફ સ્ટેટીસ્ટીક એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન, ભારત સરકાર દ્વારા જુન-૨૦૨૦માં બહાર પાડવામાં આવેલા પીરીયોડિક લેબર ફોર્સ સર્વેના વાર્ષિક રિપોર્ટ અનુસાર ૧૫ થી ૨૯ વર્ષની વયમર્યાદામાં થયેલા સર્વે અનુસાર દેશના તમામ રાજ્યો કરતા ગુજરાતનો બેરોજગારીનો દર સૌથી નીચો એટલે કે ૮.૪ છે. ભારત સરકારના લેબર બ્યુરો, ચંદીગઢના વર્ષ ૨૦૧૫-૧૬ના રિપોર્ટ અનુસાર સમગ્ર ભારતનો બેરોજગારીનો દર ૫૦ (દર હજાર વ્યકિતએ) અંદાજવામાં આવ્યો છે જ્યારે ગુજરાતનો બેરોજગારીનો દર ૯ (દર હજાર વ્યકિતએ) અંદાજાયેલ છે. જે સમગ્ર દેશના રાજયોમાં સૌથી નીચો દર છે.
કોરોના કાળ દરમ્યાન પણ રોજગાર કચેરીઓએ અનોખી કામગીરી કરી છે. કોરોનાના આ ખુબ જ કટોકટી વાળા સમયમાં પણ વર્તમાન પ્રગતિશીલ સરકાર દ્વારા ડીજીટલ માધ્યમ થકી રોજગાર-લક્ષી અનેક યોજનાઓ તથા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા તેમજ તેના અસરકારક અમલીકરણ દરમ્યાન તેમાં ખુબ જ સારો પ્રતિસાદ અને સફળતા મળી છે.
રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા રોજગારી મેળવનાર ઉમેદવારોને વિવિધ રોજગારીની તકો પુરી પાડવા માટે સમયાંતરે રોજગાર ભરતી મેળાઓનુ આયોજન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના સંક્રમણના કારણે રોજગારી મેળવનાર યુવાનો માટે રોજગારી કયા માધ્યમથી મેળવવી તે વિકટ સમસ્યા બની હતી. જેના કારણે રાજ્ય સરકારે ઓનલાઇન ૧૯૪૭ ભરતી મેળાઓ યોજી ૭૬,૩૨૬ ઉમેદવારોને રોજગારી આપવામાં સફળતા મેળવી છે. રોજગાર કચેરીઓ મારફત ૨૦૨૦-૨૧માં ૧૦૩૪ વેબીનાર યોજી ૧,૩૯,૯૧૧ ઉમેદવારોને ડિઝીટલ માધ્યમથી માર્ગદર્શન પરુ પાડવામાં આવ્યું છે.
ગુજરાત રાજયમાં ભારત સરકારના કૌશલ વિકાસ અને ઉદ્યમશીલતા મંત્રાલય દ્રારા ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્ર્સ્ટના સહયોગથી અમદાવાદ ખાતે નાસ્મેદ તાલુકામાં રાજય સરકાર દ્રારા ફાળવવામાં આવેલી ૨૦ એકર જમીન પર ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કિલ (IIS) ની સ્થાપના થવા જઇ રહી છે. જે રીતે મેનેજમેન્ટ ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ(IIM) અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (IIT) વિશ્વ પ્રસિધ્ધ છે તે જ રીતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ સ્કીલ (IIS) કૌશલ્ય ક્ષેત્રે પ્રસિધ્ધિ મેળવશે. આ સંસ્થામાં દર વર્ષે ઓછામાં ઓછા ૫૦૦૦ વિદ્યાર્થીઓ ઉચ્ચ ગુણવત્તાયુક્ત તાલીમ મેળવશે.
રાજ્યમાં નોન-એન્જીનીયરીંગ સર્વીસ સેક્ટરનો વ્યાપ પણ ઘણો જ વિસ્તરી રહ્યો છે અને રાજ્યના યુવાધનને તે દિશામાં સારું પ્લેટફોર્મ મળી રહે તે માટે પણ રાજ્ય સરકાર દ્વારા અનેક ભવિષ્યલક્ષી પગલાઓ ભરવામાં આવી રહ્યા છે.
ગ્લોબલ ફાયનાન્સીયલ અને આઈ.ટી. હબ તરીકે વિકસી રહેલા ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે આગામી સમયમાં વિવિધ પ્રકારના કુશળ માનવબળની જરૂરીયાત ઉભી થશે. ગિફ્ટ સીટી ખાતે એરોસ્પેસ એવીએશન, બેન્કીંગ ફાયનાન્સ, સર્વિસ-ઈન્શ્યો રન્સઆ, ઈલેક્ટ્રોનિક્સ, ઓફિસ એડમીનીસ્ટ્રેશન, ફેસીલીટી મેનેજમેન્ટ, હેલ્થકેર તથા આઈ.ટી. વગરે સેક્ટરના સી.ટી.એસ. અંતર્ગત લાંબાગાળાના નોન એન્જી નીયરીંગ વ્યવસાયો તથા ટુંકા ગાળાના સર્વિસ સેક્ટરના વ્યવસાયો શરૂ કરવાના આયોજન સાથે નવી આઈ.ટી.આઈ શરૂ કરવા જમીન માટે રૂા.૧૦૦ લાખની આ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યના અસંગઠિત શ્રમયોગીઓને નોકરી પરથી છુટા ન કરવા તથા લોકડાઉનના સમયગાળાનો પુરેપુરો પગાર ચુકવવા માટે ઉદ્યોગો તથા સંસ્થાઓના માલિકોને સૂચના પણ આપવામાં આવી હતી. રાજ્યના ઉદ્યોગોમાં કામે રોકાયેલા શ્રમિકો માટે માહે એપ્રિલ-૨૦૨૦ થી સપ્ટેમ્બર-૨૦૨૦ના સમયગાળાના મોંઘવારી ભથ્થામાં રૂ.૧૪.૧૦ નો વધારો જાહેર કરવામાં આવ્યો. લોકડાઉન દરમિયાન શ્રમિકોની વેતન સંબંધી ફરિયાદોના નિકાલ અર્થે રાજ્ય કક્ષાએ હેલ્પલાઇન નંબર શરૂ કરીને તેના ઉપર મળતી ફરિયાદોનો ૨૪ કલાકમાં નિકાલ કરવાની સંબંધિતોને સૂચના આપવામાં આવી હતી. તમામ ફરિયાદોનો નિકાલ કરી ૫૨૩ શ્રમિકોને વેતન પેટે રૂ.૪૦,૪૦,૪૯૩/- ચુકવવામાં આવ્યા છે. લોકડાઉન જાહેર થતા પગપાળા સ્થળાંતર કરી રહેલ શ્રમિકોને તેઓની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા ૨૩૬ શેલ્ટર હોમ્સ શ્રમ તંત્ર અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટત ઓથોરિટી (જી.એસ.ડી.એમ.એ.) દ્વારા રાજ્યભરમાં શરૂ કરવામાં આવ્યા હતા.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં વસતાં કુટુંબોને જીવન નિર્વાહની તકો વધારીને તેમનું જીવનસ્તર ઉંચુ લાવવાની આ સરકારની પ્રતિબદ્ધતા છે. તે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત રાજ્યમાં ૪૦૦ આંગણવાડી કેન્દ્રોનું નિર્માણ, ગ્રામ્ય કક્ષાએ પશુઓની સારસંભાળ માટે ૫૦ હજાર કુટુંબોને કેટલ શેડના બાંધકામની સહાય, શ્રમિકોને આપવામાં આવતું વેતન સમયસર તેમના બેન્ક ખાતામાં સીધેસીધુ જમા કરવાનો પારદર્શક નિર્ણય, વર્ષ ૨૦૨૦માં ૯.૯૮ લાખ કુટુંબોને કુલ ૩૬૨ લાખ માનદદિનની રોજગારી પૂરી પાડવામાં આવી છે