મહાનગરપાલિકા ચૂંટણીમાં પ્રચાર સામગ્રી પર કલેક્ટરની કડક નજર! મુદ્રકો-પ્રકાશકો માટે નિયમોનું પાલન ફરજિયાત

Spread the love

કલેક્ટરનું જાહેરનામું: મહાનગરપાલિકા ચૂંટણી પ્રચાર સામગ્રી અંગે મુદ્રકો અને પ્રકાશકોએ નિયમોનું કડક પાલન કરવા આદેશગાંધીનગર મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. આગામી 11 ઓક્ટોબરના રોજ યોજાનાર મતદાન અને 13 ઓક્ટોબરના રોજ થનારી મતગણતરીની પ્રક્રિયાને પારદર્શી બનાવવાના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા જાહેરનામું બહાર પાડી ચૂંટણી પ્રચાર માટે છપાતા ચોપાનિયાં, ભીંતપત્રો તથા અન્ય પ્રચાર સામગ્રી માટેમુદ્રકો અને પ્રકાશકોએ નિયમોનું કડક પાલન કરવા આદેશ આપવામાં આવ્યો છે.

 

એકરારપત્રમાં પ્રકાશકની સાથે બે વ્યક્તિઓની સહી ફરજિયાત

 

આ જાહેરનામા મુજબ ચૂંટણી પ્રચાર માટે મુદ્રિત કરાતી દરેક સામગ્રી પર મુદ્રક અને પ્રકાશકના પૂરા નામ અને સરનામા સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે. આ ઉપરાંત કોઈ પણ પ્રકારની સામગ્રી છાપતા પહેલાં મુદ્રકે પ્રકાશક પાસેથી નિયત નમૂના ‘જોડાણ-ક’ મુજબનું એકરારપત્ર બે નકલમાં મેળવવાનું રહેશે. આ એકરારપત્રમાં પ્રકાશકની સાથે તેને અંગત રીતે ઓળખતી બે વ્યક્તિઓની સહીઓ હોવી ફરજિયાત બનાવાઈ છે.

 

ચાર નકલો કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં જમા કરાવવી

 

તદુપરાંત પ્રિન્ટિંગ કાર્ય પૂરું થયાના ત્રણ દિવસની અંદર મુદ્રકે ભરેલા એકરારપત્રની નકલ અને તૈયાર થયેલી સામગ્રીની ચાર નકલો કલેક્ટર કચેરીની ચૂંટણી શાખામાં જમા કરાવવાની રહેશે. ચૂંટણી ખર્ચ પર નજર રાખવાના હેતુથી છાપેલી નકલોની કુલ સંખ્યા અને તેના ખર્ચની વિગતો દર્શાવતું પત્રક ‘જોડાણ-ખ’ દરેક દસ્તાવેજ માટે અલગથી ચાર નકલોમાં રજૂ કરવાનું રહેશે.

 

સૂચનાઓનો ભંગ કરનારને છ માસ સુધીની કેદ જિલ્લા તંત્ર દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, આ આદેશો કે રાજ્ય ચૂંટણી આયોગની સૂચનાઓનો અનાદર કરનાર મુદ્રક કે પ્રકાશક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નિયમભંગ બદલ છ માસ સુધીની કેદ, બે હજાર રૂપિયા સુધીનો દંડ અથવા બંને પ્રકારની સજા થઈ શકે છે. આ હુકમ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *