ગાંધીનગર મનપા ચૂંટણી, AAPની 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર: લૂંટારુઓની ચુંગાલમાંથી યુવતીને છોડાવનાર ટ્રાન્સજેન્ડર એન્જલ માસીને ટિકિટગાંધીનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે, જેમાં આમ આદમી પાર્ટી (આપ) દ્વારા પોતાના 23 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરીને ચૂંટણી જંગમાં ઝંપલાવવામાં આવ્યું છે. આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં આ યાદીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ આ યાદીમાં ડોક્ટર, વકીલ અનેવિવિધ ક્ષેત્રના શિક્ષિત ઉમેદવારોનો સમાવેશ કરીને એક સંતુલિત ઉમેદવાર પસંદગીનો પ્રયાસ કર્યો છે.
આ યાદીનું સૌથી ચર્ચાસ્પદ પાસું ટ્રાન્સજેન્ડર ઉમેદવારની પસંદગી છે. ગાંધીનગર મહાપાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં પહેલીવાર સમાજના કિન્નર સમુદાયના સભ્ય એન્જલ માસી (પારેખ જય શૈલેષભાઈ) ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દ્વારા એન્જલ માસીને વોર્ડ નંબર 10માંથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.તદુપરાંત વોર્ડ નંબર 10માંથી ડોક્ટર હાર્દિક તલાટી સહિત અન્ય વોર્ડના બળદેવભાઈ પટેલ, વિજયસિંહ વાઘેલા, શ્રેયા મકવાણા, પિંકી રાજપૂત, ભરતભાઈ જોશી જેવા અનેક સક્રિય કાર્યકર્તાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે વોર્ડ નંબર 6 માંથી વર્તમાન કોર્પોરેટર તુષાર પારેખ, સોનાબેન પટણી, પાર્વતીબેન વસાવા અને મેલાભાઈ ભાલોડિયાને ટિકિટ આપવામાં આવી છે.ગત ચૂંટણીમાં આપને એક જ બેઠક મળી હતી ગત ચૂંટણીના અનુભવોને યાદ કરતા આપના નેતૃત્વએ જણાવ્યું હતું કે, પહેલીવાર ચૂંટણી લડવા છતાં પાર્ટીને 20 ટકા જેટલા મતો અને એક બેઠક પ્રાપ્ત થઈ હતી. પાર્ટીને ગર્વ છે કે એક જ પ્રતિનિધિ એટલે કે કોર્પોરેટર તુષાર પરીખ હોવા છતાં તેમણે પ્રજાના પ્રશ્નો ઉઠાવીને એક મજબૂત વિપક્ષની ભૂમિકા નિભાવી હતી. આ વખતે પણ પાર્ટી પીવાના ચોખ્ખા પાણી, રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટ, શિક્ષણ તેમજ રમત-ગમતના સુધારા જેવા જનહિતના મૂળભૂત મુદ્દાઓને લઈને પ્રજાની વચ્ચે જશે.મેયર પદના ચહેરાની અગાઉથી જાહેરાત નહીં કરવામાં આવે
મેયર પદના ઉમેદવાર અંગે સ્પષ્ટતા કરતા આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું કે, પાર્ટી અગાઉથી પોતાના મેયર પદના ચહેરાની જાહેરાત કરશે નહીં. ચૂંટણી પરિણામો આવ્યા બાદ ચુંટાયેલા પ્રતિનિધિઓની સર્વસંમતિથી જ મેયર નક્કી કરવામાં આવશે. પાર્ટીનો દાવો છે કે સામાન્ય રીતે કોઈ પણ રાજકીય પક્ષ ચૂંટણી પહેલા પોતાના મેયર પદના ઉમેદવારની જાહેરાત કરતો નથી, જેથી આ પરંપરા મુજબ જ નિર્ણય લેવાશે.
