હાલમાં જ વિશ્વની બે સૌથી મોટી મહાસત્તાઓના પ્રમુખ વચ્ચે મુલાકાત થઈ, જેની વિશ્વના અનેક દેશોમાં ચર્ચા રહી. ચીનના પ્રમુખ શી જિનપિંગની ત્રણ દિવસીય અમેરિકા યાત્રા પૂર્ણ થઈ છે અને તેઓ શુક્રવારે વોશિંગ્ટનથી બેઇજિંગ જવા રવાના થઈ ગયા છે. આ યાત્રા દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે વેપાર, ઈરાન, યુક્રેન, તાઇવાન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા અત્યંત સંવેદનશીલ વિષયો પર લાંબી ચર્ચા થઈ હતી.જોકે, આ ભવ્ય બેઠક બાદ કોઈ ઐતિહાસિક નવી ડીલ થઈ જ નથી. જિનપિંગના રવાના થતા જ ટ્રમ્પે પોતાના ‘ટ્રુથ સોશિયલ’ એકાઉન્ટ પર બંને નેતાઓની તસવીર શેર કરીને “America is back” લખ્યું હતું, પરંતુ બંધ બારણે ટ્રમ્પે ચીનને ઈરાનના મામલે અત્યંત કડક ચેતવણી આપી દીધી હતી.
ટ્રમ્પે જિનપિંગને ઈરાનની મદદ ન કરવા આપી ચેતવણી: રિપોર્ટ
આ સમગ્ર બેઠકમાં સૌથી ગંભીર મુદ્દો પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ અને ઈરાનની ભૂમિકા રહ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે શી જિનપિંગને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે ચીન દ્વારા ઈરાનને કોઈપણ પ્રકારની સૈન્ય કે આર્થિક મદદ પૂરી પાડવામાં ન આવે. ચીનમાં અમેરિકી રાજદૂત ડેવિડ પરડ્યુના જણાવ્યા મુજબ, ટ્રમ્પે સાફ કરી દીધું હતું કે ઈરાનને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે સહાય આપવી અમેરિકાને બિલકુલ સ્વીકાર્ય રહેશે નહીં. જવાબમાં ચીને અમેરિકાને ખાતરી આપી હતી કે તે ઈરાનને આવી કોઈ મદદ કરશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એવા અહેવાલો હતા કે ચીન ઈરાનને હથિયાર આપી શકે છે અથવા પ્રતિબંધો છતાં ઈરાની ક્રૂડ ઓઇલ ખરીદીને તેને મદદ કરી રહ્યું છે.
હોરમુઝ ઈરાન જ નહીં ચીન માટે અત્યંત મહત્ત્વપૂર્ણ
ઈરાન સંકટ ચીન માટે જીવન-મરણ સમાન છે કારણ કે બેઇજિંગ મોટા પાયે પશ્ચિમ એશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જો હોર્મુઝ સ્ટ્રેટમાં તેલની અવરજવર ખોરવાય, તો તેની સીધી માર ચીનની અર્થવ્યવસ્થા પર પડી શકે છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર, શી જિનપિંગે અમેરિકા અને ઈરાન બંનેને વાટાઘાટોના ટેબલ પર પાછા ફરવા અને જૂનમાં બનેલા સમજૂતીના માળખાના આધારે વિવાદ ઉકેલવા આહવાન કર્યું હતું.
વેપારમાં અસ્થાયી રાહત, પરંતુ કોઈ મોટી ડીલની જાહેરાત ન થઈ
આ મુલાકાતનું સૌથી નક્કર પરિણામ વેપાર મોરચે જોવા મળ્યું, જ્યાં બંને દેશોએ અગાઉથી ચાલી રહેલા ટ્રેડ સીઝફાયરને આગળ વધારવા પર સહમતિ દર્શાવી હતી. જોકે, આ કોઈ નવો વ્યાપક વ્યાપારિક કરાર નહોતો.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર અપેક્ષાઓ અધૂરી રહી
વિશ્વભરમાં AI સુરક્ષાને લઈને ચિંતા છે ત્યારે આ સમિટમાંથી ઘણી અપેક્ષાઓ હતી. શી જિનપિંગે આગ્રહ રાખ્યો હતો કે માનવજાતના હિત માટે AIનો વિકાસ માણસોના નિયંત્રણમાં રહેવો જોઈએ. બંને પક્ષો વચ્ચે કટોકટીના સમયે સંપર્ક જાળવવાના માળખા પર ચર્ચા થઈ હોવા છતાં, AIની ખતરનાક સ્પર્ધાને રોકવા માટે કોઈ સત્તાવાર મોટી વ્યવસ્થા કે નિયંત્રણની જાહેરાત થઈ શકી નથી.
ટ્રમ્પે જિનપિંગને વ્હાઈટ હાઉસ બતાવ્યું
ચીનના પ્રમુખની સ્ટેટ વિઝિટના બીજા દિવસે અમેરિકન પ્રમુખ ટ્રમ્પે જિનપિંગને મિત્ર ગણાવી વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા, 50 કરોડનું હેલિપેડ બતાવ્યું, યુએસ નેશનલ આર્કાઈવ્સમાં અમેરિકન બંધારણ, સ્વતંત્રતાની જાહેરાત સહિતના ઐતિહાસિક દસ્તાવેજો બતાવ્યા. ટ્રમ્પે જિનપિંગ સમક્ષ અમેરિકાની તાકાત અને વૈભવનો દેખાડો પણ કર્યો, પરંતુ આ પહેલા બંને મહાસત્તાઓના પ્રમુખોની આ મુલાકાતનું કોઈ પરિણામ ન આવ્યું.
જિનપિંગ અને ટ્રમ્પે AI મુદ્દે ચર્ચા કરી
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વ્હાઈટ હાઉસમાં બંધબારણે બેઠક થઈ હતી. ટ્રમ્પે આ બેઠકને ઘણી જ પ્રોડક્ટિવ ગણાવી અને કહ્યું કે, આ બેઠકમાં અમેરિકા અને ચીન માટે અસાધારણ ચર્ચા થઈ. પરંતુ ટ્રમ્પે આ ચર્ચાની કોઈ વિગતો જાહેર કરી નહીં. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, એઆઈ ટેક્નોલોજીને ‘સુપર ઈન્ટેલિજન્સ’ ગણવાના તેમના પ્રસ્તાવથી જિનપિંગ સહમત થયા. જિનપિંગે કહ્યું કે, ચીન-અમેરિકાના સંબંધો નવા ઐતિહાસિક પ્રારંભિક બિંદુ પર છે. પ્રમુખ ટ્રમ્પ અને મેં ગંભીરતાપૂર્વક અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી. આ બેઠકે ચીન અને અમેરિકાના સંબંધોને સકારાત્મક બનાવશે. જિનપિંગે ચીન-અમેરિકાના સંબંધોને સામાન્ય બનાવવા માટે પૂર્વ પ્રમુખ માઓ ઝેડોન્ગ અને અમેરિકન પ્રમુખ રિચાર્ડ નિક્સનના પ્રયત્નોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જિનપિંગે પણ ટ્રમ્પને બતાવી દીધી ‘લક્ષ્મણ રેખા’
બીજીબાજુ ચીને ટ્રમ્પ સમક્ષ તાઈવાનનો મુદ્દો ઉઠાવતા સ્પષ્ટ કરી દીધું કે, અમેરિકા અને ચીનના સંબંધો માટે તાઈવાન લાલ રેખા સમાન છે, જેને ટ્રમ્પે પાર કરવી જોઈએ નહીં. જિનપિંગે સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રીય એકતા અને પ્રાદેશિક અખંડતાનું રક્ષણ કરવા બાબતે ચીનનું વલણ એકદમ સ્પષ્ટ છે. પરંતુ ટ્રમ્પે તાઈવાન મુદ્દે અમેરિકા તેના વલણમાં પીછેહઠ કરશે તેવા કોઈ સંકેત આપ્યા નહીં.
જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાતને ટાંકીને ચીન ખાતેના અમેરિકાના રાજદૂતે દાવો કર્યો કે ટ્રમ્પે જિનપિંગને સંભળાવી દીધું કે ઈરાનને ચીનની સહાયને તેઓ સાંખી લેશે નહીં. જોકે, આ મુદ્દે ચીન તરફથી કોઈ ખુલાસો થયો નથી. બંને નેતાની ચર્ચા પછી ટ્રમ્પે જિનપિંગને મિત્રની જેમ વ્હાઈટ હાઉસમાં ફેરવ્યા હતા. આ સાથે કોઈપણ નિર્ણાયક નિર્ણયો વિના જિનપિંગની અમેરિકાની સ્ટેટ વિઝિટ પૂરી થઈ હતી.
