ડભોડિયા હનુમાનજી મંદિરે તેલ માટે ધમાલ! ઉમટેલી ભીડમાં ગ્રામજનો-સિક્યુરિટી વચ્ચે ઘર્ષણ, મહિલા સિક્યુરિટી સહિત 4ને ઈજા

Spread the love

ડભોડા ગામે આવેલા સુપ્રસિદ્ધ ડભોડિયા હનુમાનજી મંદિર ખાતે બુધવારે તેલ વિતરણ દરમિયાન સિક્યુરિટી ગાર્ડ અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતાં ભારે હોબાળો મચ્યો હતો. ઘટનામાં 3 ગ્રામજનોને ઈજા પહોંચી હતી.

 

જેમાં એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતાં 10થી 12 ટાંકા લેવા પડ્યા હતા. ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સામા પક્ષે એક મહિલા સિક્યુરિટી ગાર્ડને પણ ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

 

ડભોડિયા હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ દ્વારા ચઢાવવામાં આવતું તેલ દર બુધવારે જરૂરિયાતમંદ લોકોને નજીવા દરે વિતરણ કરવામાં આવે છે. તેલ લેવા માટે દર બુધવારે મોટી સંખ્યામાં લોકો મંદિર ખાતે પહોંચતા હોવાથી ભીડ એકઠી થાય છે. બુધવારે પણ અંદાજે 500થી વધુ લોકો તેલ લેવા માટે એકઠા થયા હતા.

 

આ દરમિયાન ભીડને નિયંત્રિત કરવા અને તેલ વિતરણની વ્યવસ્થા જાળવવા માટે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવ્યા હતા. તેલ લેવા આવેલા કેટલાક ગ્રામજનો અને સિક્યુરિટી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી.

 

શરૂઆતમાં થયેલી બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે ધક્કામુક્કી તથા મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. મારામારીમાં સધીમાતાના વાસ તરફના ત્રણ ગ્રામજનોને ઈજા થઈ હતી. એક યુવકના માથામાં ઈજા થતાં 10થી 12 ટાંકા લેવા પડ્યા હતા.

 

અન્ય બે લોકોને છાતી તથા શરીરના અન્ય ભાગે નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી અને ત્રણેય ઈજાગ્રસ્તોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ એક મહિલા સિક્યુરિટી ગાર્ડને પણ ઈજા થતાં સારવાર આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

 

ઘટનાને પગલે મંદિર પરિસરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ ડભોડા પોલીસને થતાં પોલીસ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો વધુ વણસે નહીં તે માટે પરિસ્થિતિ કાબૂમાં લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *