પાણી બચાવો, સાયબર ઠગોથી સાવધાન! ગાંધી જયંતીએ ગામેગામ ગ્રામસભા યોજાશે

Spread the love

મહાત્મા ગાંધીની જન્મજયંતિ નિમિત્તે 2 ઓક્ટોબરે રાજ્યનાં ગામેગામ ગ્રામસભાનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભામાં પાણીનો કરકસરભર્યો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ અને સાયબર સુરક્ષા સહિતના મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાશે.

 

ખાસ કરીને સાયબર ગઠિયાઓ હવે ગ્રામ્ય વિસ્તારો સુધી પહોંચ્યા હોવાથી ગ્રામજનોને સાયબર ગુનાઓથી બચવા માટે જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સરકારી યોજનાઓનો લાભમેળવવામાં પડતી મુશ્કેલીઓ અને ગ્રામ વિકાસના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાશે.

 

ગ્રામસભામાં ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત વરસાદી પાણીનો સંગ્રહ કરવા અને તેને જમીનમાં ઉતારવા માટે ગ્રામજનોને પ્રોત્સાહિત કરવામાં આવશે.

 

પાણીનો બગાડ અટકાવવા જળસ્રોતોનોકરકસરપૂર્વક ઉપયોગ કરવા અંગે પણ સમજ આપવામાં આવશે. ‘કેચ ધ રેઇન, વેર ઇટ ફોલ્સ, વેન ઇટ ફોલ્સ’ અભિયાનના ભાગરૂપે વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભજળના રિચાર્જ માટે જનજાગૃતિ ફેલાવવામાં આવશે.

બીજી તરફ, રિફોર્મ ઉત્સવ અંતર્ગત સરકારી સેવાઓ અને વહીવટી પ્રક્રિયાઓને વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનાવવા માટે ગ્રામજનો પાસેથી સૂચનો મેળવવામાં આવશે. સરકારી યોજનાઓનો લાભમેળવવા માટે જરૂરી દસ્તાવેજો, જટિલ પ્રક્રિયાઓ અને કામગીરીમાં થતા વિલંબ સહિતની મુશ્કેલીઓ અંગે ગ્રામજનોના અભિપ્રાય લેવામાં આવશે.

 

આ સૂચનોના આધારે સરકારી સેવાઓમાં સુધારા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. ગ્રામસભાનો મુખ્ય હેતુ ગ્રામજનોને સરકારી યોજનાઓની માહિતી આપવા ઉપરાંત સ્થાનિક પ્રશ્નો અને ગ્રામ વિકાસની જરૂરિયાતો અંગે ચર્ચા કરવાનો છે.

 

આ સાથે કચરા વ્યવસ્થાપન અને સરકારી સેવાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવશે. ગ્રામજનોને પોતાની સમસ્યાઓ રજૂ કરવાની અને વહીવટી પ્રક્રિયાઓમાં સુધારા માટે સૂચનો આપવાની તક મળશે.

 

આમ, ગાંધી જયંતિ નિમિત્તે યોજાનારી ગ્રામસભામાં પાણી બચતથી લઈને સાયબર સુરક્ષા અને સરકારી સેવાઓમાં સુધારા સુધીના વિવિધ મુદ્દાઓને આવરી લેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *