ગાંધીનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવા જિલ્લા મૅજિસ્ટ્રેટ રવીન્દ્ર ખતાલેએ જાહેરનામું બહાર પાડી જાહેર સ્થળોએ સીસીટીવી કૅમેરા લગાવવા ફરજિયાત લગાવવાની સાથે તેનું 15 દિવસનું રેકોર્ડિંગ રાખવું ફરજિયાત બનાવ્યું છે. ગાંધીનગર રાજ્યનું પાટનગર હોવાથી સચિવાલય, વિધાનસભા સંકુલ, મહાત્મા મંદિર સહિતનાં મહત્ત્વનાં સ્થળોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
જાહેરનામા મુજબ ગાંધીનગર જિલ્લા તેમજ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા હોટેલ, પેટ્રોલ પમ્પ, ટોલ પ્લાઝા, બૅન્ક, ATM, શોપિંગ મોલ-કોમ્પ્લેક્સ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ધાર્મિક સ્થળો, મલ્ટિપ્લેક્સ-થિયેટર, જ્વેલરી શોપ, ધર્મશાળા અને ગેસ્ટહાઉસ સહિતના સ્થળોના માલિક, કબજેદાર અથવા ભાડૂઆતોએ CCTV કેમેરા લગાવવા પડશે.
કૅમેરા HD અને નાઇટ વિઝન ક્ષમતાવાળા હોવા જરૂરી છે, જેથી વાહનોના નંબર તેમજ વ્યક્તિઓના ચહેરા સ્પષ્ટ રીતેજોઈ શકાય. તમામ CCTV સિસ્ટમનું ઓછામાં ઓછા 15 દિવસનું રેકોર્ડિંગ જાળવી રાખવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે.
આ જાહેરનામું 24 નવેમ્બર સુધી અમલમાં રહેશે. જાહેરનામાની જોગવાઈઓનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શહેરમાં મહાનગરપાલિકા અને પોલીસ દ્વારા પણ વિવિધ જાહેર માર્ગો અને ચારરસ્તા પર મોટી સંખ્યામાં કેમેરા લગાવાયા છે. આ સાથે ખાનગી કોમ્પ્લેક્સ અને શોપિંગ સેન્ટર માટે પણ ફરજિયાત બનાવાયું છે.
