ગીર ગઢડામાં ધાબા પર માતા-પિતા વચ્ચે સૂતેલા 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો દીપડો, વાડી કે સીમમાં બાળકોને એકલા ન છોડવા તંત્રની અપીલ

Spread the love

ગીર ગઢડા તાલુકાના સણોસરી ગામના ખંભાળા વિસ્તારમાં એક વાડીમાં રાત્રિના સમયે દીપડો માતા-પિતાની વચ્ચે સૂતેલા 3 વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો. વન વિભાગ અને સ્થાનિકોની શોધખોળ બાદ નજીકના જુવારના ખેતરમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યાં ઘટનાસ્થળે હજુ પણ લોહીના નિશાન જોવા મળી રહ્યા છે. વન વિભાગે બાદમાં દીપડાને પાંજરે પૂર્યો હતો.દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સણોસરીના ખંભાળા વિસ્તારમાં આવેલી બાલુભાઈ ભગુભાઈ કાતરીયાની વાડીમાં મૂળ ગિરીશભાઈ બામણીયાનો પરિવાર છેલ્લા દોઢ-બે મહિનાથી ખેતમજૂરી અર્થે રોકાયો હતો. ગત રાત્રિના આશરે સાડા 9-10 વાગ્યાના અરસામાં ભોજન પતાવીને પરિવાર ધાબા પર સૂવા માટે જતો રહ્યો હતો. 3 વર્ષનો દીકરો ચેતન માતા-પિતા વચ્ચે સૂતો હતો. એ જ સમયે અચાનક ધાબા પર દીપડા આવી ચડ્યો અને માતા-પિતાની વચ્ચેથી જ બાળકને મોઢામાં દબોચી લીધો હતો. પિતાએ પુત્રને બચાવવા માટે ભારે પ્રતિકાર કર્યો હતો, પરંતુ દીપડો બાળકને લઈને સીડીઓ વાટે નીચે ઉતરી શાકભાજી અને જુવારના તરફ ભાગી છૂટ્યો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગે તાત્કાલિક સ્થાનિક લોકોના સહયોગથી દીપડાને પકડવા માટે આસપાસના વિસ્તારમાં પાંજરા ગોઠવી દીધા હતા. ઘટનાના આશરે એકાદ કલાકમાં જ મોડી રાત્રે હુમલો કરનાર દીપડો પાંજરે પુરાઈ જતાં વન વિભાગ અને ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજી તરફ, હાલ લણણીની મોસમ ચાલી રહી હોવાથી વન વિભાગે ખેડૂતો અને ખેતમજૂરોને ખાસ અપીલ કરી છે કે, વાડી કે સીમ વિસ્તારમાં નાના બાળકોને એકલા ન છોડવા તથા વન્યપ્રાણીઓની અવરજવર જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *