ગુજરાતમાં વ્યક્તિગત કાયદાના ક્ષેત્રે એક ઐતિહાસિક પરિવર્તનનો માર્ગ ખૂલ્યો છે. ગુજરાત સમાન નાગરિક સંહિતા (UCC), 2026ને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની મંજૂરી મળ્યા બાદ રાજપત્ર (Gazette)માં પ્રસિદ્ધ કરવામાં આવી છે. 17મી સપ્ટેમ્બર 2026ના રોજ રાષ્ટ્રપતિની મંજૂરી મળતાં જ ઉત્તરાખંડ પછી સમાન નાગરિક સંહિતાને કાયદાકીય સ્વરૂપ આપનારું ગુજરાત દેશનું બીજું રાજ્ય બન્યું છે.આ કાયદાને રાષ્ટ્રપતિની મંજૂરી અને રાજપત્રમાં પ્રકાશન મળવું એ કાયદાકીય તબક્કો છે. મૂળ કાયદાની કલમ 1(2) મુજબ, રાજ્ય સરકાર રાજપત્રમાં જાહેરનામું બહાર પાડીને જે તારીખ નક્કી કરશે, તે તારીખથી આ સંહિતાનો પ્રત્યક્ષ અમલ શરૂ થશે. હાલ સરકાર સમક્ષ વહીવટી માળખું, ડિજિટલ પોર્ટલ, દસ્તાવેજી પ્રક્રિયા અને અમલીકરણની તારીખ જાહેર કરવાનું મહત્વનું કામ બાકી છે.
લગ્ન માટેના નિયમો
ઉંમર અને એકપત્નીત્વ- એકપતિત્વ: પુરુષ માટે લગ્નની લઘુતમ ઉંમર 21 વર્ષ અને સ્ત્રી માટે 18 વર્ષ નક્કી
કરાઈ છે. લગ્ન સમયે બંનેમાંથી કોઈનો પણ અગાઉનો જીવનસાથી જીવિત ન હોવો જોઈએ (બહુપત્નીત્વ-બહુપતિત્વ પર પ્રતિબંધ).
લગ્નવિધિની સ્વતંત્રતા: કાયદો કાનૂની શરતો નક્કી કરે છે, પરંતુ ધાર્મિક કે પરંપરાગત લગ્નવિધિઓ (જેમ કે સપ્તપદી, નિકાહ, આનંદ કારજ વગેરે) યથાવત રહેશે.
ફરજિયાત નોંધણી: લગ્ન થયાના 60 દિવસની અંદર તેની કાનૂની નોંધણી (Registration) કરાવવી ફરજિયાત રહેશે. UCC અમલમાં આવ્યા પહેલાં થયેલા જૂના લગ્નોની નોંધણી માટે પણ સરકારે અલગ પ્રક્રિયા સ્પષ્ટ કરવાની રહેશે.
છૂટાછેડા અને સંતાનનું કલ્યાણ
છૂટાછેડા માટે અદાલતી અને નિર્ધારિત કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે (પરસ્પર સંમતિથી છૂટાછેડાની પણ સ્પષ્ટ જોગવાઈ છે).
સંતાનની કસ્ટડી, શિક્ષણ અને ભરણપોષણમાં બાળકના હિત અને કલ્યાણને સર્વોચ્ચ પ્રાધાન્ય અપાશે.
લિવ-ઇન સંબંધોનું કાનૂની માળખું
સંહિતાના ભાગ-૩ હેઠળ લિવ-ઇન સંબંધો માટે નિવેદન અને કાનૂની નોંધણી ફરજિયાતરહેશે.
સંબંધ સમાપ્ત કરવાની પ્રક્રિયા, નોંધણી અધિકારીની ભૂમિકા અને ભરણપોષણ અંગે નિયમો બનાવવામાં આવ્યા છે.
સંતાનના હક્ક
લિવ-ઇન સંબંધથી જન્મેલા બાળકને તમામ કાનૂની હકો અને ભરણપોષણનો અધિકાર મળશે.
સમાન વારસાઈ હક્ક
વસિયત કર્યા વિના મૃત્યુ પામનાર વ્યક્તિની મિલકતમાં વર્ગ-1ના વારસદારો તરીકે જીવનસાથી, સંતાનો
(પુત્ર-પુત્રી સમાન) અને માતા-પિતાનો સમાવેશ થાય છે. ધાર્મિક આધારે અલગ-અલગ વારસાઈ કાયદાને બદલે હવે એક સરખું માળખું રહેશે.
ખોટી માહિતી આપવા બદલ કડક સજા
લગ્ન, છૂટાછેડા કે લિવ-ઇનની નોંધણી વખતે કાયદાકીય જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ વ્યક્તિ જાણપૂર્વક ખોટું નિવેદન આપશે કે બનાવટી દસ્તાવેજો રજૂ કરશે, તો તેને 3 મહિના સુધીની કેદ અથવા 25,000 સુધીનો દંડ અથવા બંને સજા થઈ શકે છે.
આદિવાસી સમાજ માટે ખાસ અપવાદ
આ કાયદો દરેક જૂથ માટે સંપૂર્ણપણે એકસરખો નથી. કાયદાની કલમ 2 મુજબ બંધારણની કલમ 366(25) સાથે વંચાતી કલમ 342 હેઠળના અનુસૂચિત જનજાતિ (ST) ના સભ્યો, અને બંધારણના ભાગ-21 હેઠળ જેમના રૂઢિગત અધિકારો સુરક્ષિત છે તેવા ચોક્કસ સમુદાયોને આ કાયદાના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે.
સરકાર સામે હવે પછીના પાંચ મોટા પડકારો
કાયદાના પ્રત્યક્ષ અમલની તારીખ જાહેર કરવી.
લગ્ન-અગાઉ થયેલા લગ્નોની નોંધણી માટેની સરળ પ્રક્રિયા નક્કી કરવી.
લિવ-ઇન નોંધણી માટે જરૂરી દસ્તાવેજોની યાદી સ્પષ્ટ કરવી.
ડિજિટલ પોર્ટલ અને નોંધણી અધિકારીઓની કચેરીઓનું માળખું તૈયાર કરવું.
