બાપુ મારા ઘરનું મેલું ઉપાડે તો ₹5 લાખ આપું; સવર્ણો અંગે પૂર્વ CMના નિવેદનથી સમાજના અગ્રણીઓમાં ભારે રોષ

Spread the love

નર્મદા જિલ્લાના સાગબારા ખાતે શુક્રવારે (બીજી ઓક્ટોમ્બર) ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત નિવેદન બાદ રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો છે. શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે, ‘હું ઘણાં લોકોને કહું છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય, પછી ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ ગમે તે હોય, મેલું ઉપાડવા બદલ મહિને 50 હજાર રૂપિયા હું તમને આપીશ.’આ નિવેદનથી સવર્ણ સમાજના અગ્રણીઓ અને વિવિધ રાજકીય નેતાઓમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે.

 

શંકરસિંહ વાઘેલાના અંગે બ્રહ્મસમાજ ભારે રોષ

 

રાજકોટના બ્રહ્મસમાજે વાઘેલા સામે સખત વિરોધ નોંધાવ્યો છે. બ્રહ્મસમાજના અગ્રણી હિરેન જોષીએ જણાવ્યું હતું કે, ‘પૂર્વ મુખ્યમંત્રી જેવા જવાબદાર પદે રહી ચૂકેલી વ્યક્તિ આવું નિવેદન આપે તે અત્યંત અયોગ્ય છે. આ પ્રકારની વાતોથી સમાજ વચ્ચે વર્ગવિગ્રહ અને આંતરવિગ્રહ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય નેતાઓ પોતાના રોટલા શેકવા સમાજ-સમાજ વચ્ચે લડાઈ કરાવી રહ્યા છે. જો આગામી 3 દિવસની અંદર શંકરસિંહ વાઘેલા જાહેરમાં માફી નહીં માંગે, તો સવર્ણ સમાજ દ્વારા આગામી વ્યૂહનીતિ ઘડી તેમના નિવાસસ્થાન ‘વસંત વગડો’ને દેખાવો કરવામાં આવશે.

 

બાપુ મારા ઘરનું મેલું ઉપાડે તો 5 લાખ આપું: યજ્ઞેશ દવે

 

બ્રહ્મસમાજના અગ્રણી અને ભાજપ નેતા યજ્ઞેશ દવેએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ‘મારે બાપુને એ જ કહેવું છે કે આવા શુભ કાર્યોની શરૂઆત તમે તમારી જાતથી જ કરો. તમે મારા ઘરનું મેલું ઉપાડો, હું તમને દર મહિને પાંચ લાખ રૂપિયા આપીશ.’

 

પાટીદાર નેતાઓનો વળતો પ્રહાર

 

શંકરસિંહ વાઘેલાના નિવેદન સામે પાટીદાર નેતાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, ‘ચોક્કસ સમાજને ખુશ કરવા માટે જ આ પ્રકારની ટિપ્પણી કરાઈ છે. જો શંકરસિંહ વાઘેલા પોતે મેલું ઉપાડે, તો તેઓ માંગે એટલા રૂપિયા આપવા તૈયાર છે.’

 

ભાજપના પાટીદાર નેતા અલ્પેશ કથીરિયાએ બાપુના નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું છે. તેણે કહ્યું કે, ‘આ નિવેદન તેમની ઉંમર અને પરિપક્વતાની તદ્દન વિરુદ્ધ છે. પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા નેતાને આવી વાહિયાત વાતો કરતાં શરમ આવવી જોઈએ. વડીલોએ તેમની ઉંમર પ્રમાણે મૌન રહેવું જોઈએ અથવા તો આ પ્રકારની ખુશામતખોરી છોડી સમાજની માફી માંગવી જોઈએ.’

 

શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જંગલની જમીનના ખેડાણ મુદ્દે ખેડૂતો અને વન વિભાગ વચ્ચે ચાલી રહેલો વિવાદ ફરી વકર્યો છે. આ વિવાદ સંદર્ભે ગાંધી જયંતી (બીજી ઓક્ટોબર)ના રોજ સાગબારાના ખોપી ગામે એક જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભાને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘હું ઘણાં લોકોને કહું છું કે જો મેલું ઉપાડવાની નોકરી કરવી હોય – પછી ભલે તમે વાણિયા, બ્રાહ્મણ કે પટેલ ગમે તે હોવ, મેલું ઉપાડવા બદલ મહિને 50 હજાર રૂપિયા હું તમને આપીશ. તમે આ લોકોનું મેલું ઉપાડો અને તેઓ જે હાલતમાં રહે છે તે હાલતમાં રહી જુઓ, ત્યારે ખબર પડશે કે તેઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વીજળી નથી, પાણી નથી, કશું જ નથી. અહિયાં વર્ષોથી તેમનો હક અને અનામત છે. SC, ST અને OBC મળીને 70 ટકા છો. તમે જ ગુજરાતના સાચા માલિક છો.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *