હેલ્થ ઈન્શ્યોરન્સ ક્ષેત્ર એક એવું પગલું લેવા જઇ રહ્યું છે જે તમારા ખિસ્સા ખાલી કરી શકે છે. ‘જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ’ એક પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે જેમાં હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમમાં ગ્રાહકોએ 10% હિસ્સો પોતે ચૂકવવો પડશે, તેવી જોગવાઈનો સમાવેશ થાય છે. 1 જાન્યુઆરી, 2027થી રિટેલ પોલિસીઓમાં 10% ‘કો-પેમેન્ટ’ લાગુ કરવાનો પ્રસ્તાવ છે.એટલે કે જો સારવારનો ખર્ચ રૂ.50,000 હોય, તો તમારે રૂ.5,000 તમારા પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડશે; જો ખર્ચ રૂ.5 લાખ હોય, તો તમારે રૂ.50,000 ચૂકવવા પડશે. જોકે, પ્રસ્તાવમાં ગ્રાહકના હિસ્સાની મર્યાદા પ્રતિ ક્લેઈમ મહત્તમ રૂ.5 લાખ રાખવાનો પ્રસ્તાવ છે.
જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ (GI કાઉન્સિલ)ના પ્રસ્તાવ મુજબ, હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી ધરાવતા ગ્રાહકોએ સારવાર માટે અમુક હિસ્સો પોતે ચૂકવવો પડશે. હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થતા વીમા-કવર હેઠળના ખર્ચના 10% ગ્રાહકોએ ચૂકવવાના રહેશે. ‘ટાઈમ્સ ઓફ ઈન્ડિયા’ના અહેવાલ મુજબ, 1 જાન્યુઆરી, 2027થી હેલ્થ ઈન્શ્યોરન્સ ગ્રાહકો માટે એક મોટો ફેરફાર આવી શકે છે. નોન-લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓ રિટેલ હેલ્થ પોલિસીઓ માટે 10% કો-પેમેન્ટની શરત લાગૂ કરવાના પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. જોકે, તેના બદલામાં ગ્રાહકોએ વાર્ષિક પ્રીમિયમ ઓછું આપવું પડી શકે છે. જનરલ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ હાલમાં આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.આ પ્રસ્તાવ હેઠળ, કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઈન્શ્યોરન્સ ધરાવતા ગ્રાહકોએ મેડિકલ ઇમરજન્સી માટે કેટલીક રકમ અલગ રાખવી પડશે. આ નિયમ અકસ્માત સાથે જોડાયેલા હોસ્પિટલ ખર્ચ પર પણ લાગૂ કરવાનો પ્રસ્તાવ છે. હોસ્પિટલમાં લાખલ થયા બાદ ચૂકવણીની પદ્ધતિ કેશલેસ હોય કે રિઈમ્બર્સમેન્ટ દ્વારા હોય, ગ્રાહકે આ 10% ખર્ચ પોતે ચૂકવવો પડી શકે છે. આઉટપેશન્ટ (OPD) ક્લેઈમ આ પ્રસ્તાવના દાયરામાં નહીં આવે.
આ કઈ પોલિસીઓને લાગૂ પડી શકે છે?
આ પ્રસ્તાવમાં રિટેલ-ગ્રુપ પોલિસીઓ હેઠળ,રિટેલ ઈન્ડેમ્નિટી હેલ્થ પોલિસીઓ, કોમ્બો પ્રોડક્ટ્સનો ઈન્ડેમ્નિટી હિસ્સો, તેમજ ઇનન્ચરનલ માઇગ્રેશન અને પોર્ટેબિલિટી બિઝનેસનો સમાવેશ થાય છે. ‘કો-પેમેન્ટને કોઇ રાઇડર્સ કે એન્ડોર્સમેન્ટ્સ દ્વારા ખતમ, ઘટાડી કે ફેરફાર કરી શકાતું નથી.ગ્રાહકના 10% હિસ્સાની રકમ અન્ય કોઈ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસીમાંથી પણ વસૂલી શકાતી નથી. એટલે કેતમારી પાસે બે હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી હોય તો એક વ્યક્તિગત અને બીજી ઓફિસની, તો પણ તમારે તે 10% હિસ્સો ચૂકવવો પડી શકે છે.જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલના આ પ્રસ્તાવ પાછળનો તર્ક એ છે કે જ્યારે દર્દી પાસે સંપૂર્ણ વીમા કવર હોય છે, ત્યારે હોસ્પિટલો વધારાના નિદાન પરીક્ષણો, પ્રક્રિયાઓ અથવા હોસ્પિટલમાં વધુ સમય રોકાવાની ભલામણ કરી શકે છે. ઉચ્ચ શ્રેણીના રૂમની પસંદગી કરવાથી પણ હોસ્પિટલનું કુલ બિલ વધી શકે છે, કારણ કે ઘણી વખત ડૉક્ટરની ફી અને પ્રક્રિયાના શુલ્ક ઘણીવાર રૂમના ભાડા સાથે જોડાયેલા હોય છે. એટલે કે ખિસ્સામાંથી કોઈ ખર્ચ કરવાનો ન હોય, ત્યારે દર્દી ખર્ચ જોતો નથી. પરંતુ, તેને બિલના 10% જાતે ચૂકવવા પડશે, તો પછી પૈસા જોઇને જ સારવાર કરાવશે.
ઉલ્લેખનીય છે કે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ‘કો-પેમેન્ટ’ એ કોઈ નવી વસ્તુ નથી. વીમા કંપનીઓ પહેલેથી જ એવી યોજનાઓ ઓફર કરે છે જેમાં પોલિસીધારક ખર્ચનો અમુક હિસ્સો પોતાના ખિસ્સામાંથી આપવા તૈયાર હોય તો વીમાનું પ્રીમિયમ ઓછું થઇ જાય છે.
