મોરબીમાં લાંચરુશવત વિરોધી બ્યુરો (ACB) એ એક મોટી કાર્યવાહી કરીને ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીના વર્ગ-1 ના અધિકારી અને તેમના ખાનગી ડ્રાઈવરને રૂ. 25000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. આ સફળ ટ્રેપના કારણે સરકારી અધિકારીઓમાં ભારે ફાફડાટ વ્યાપી ગયો છે. પકડાયેલા આરોપીઓમાં રાજકોટના રહેવાસી અને વર્તમાન ડેપ્યુટી ચીફ ઈન્સ્પેક્ટર કમ ફેસિલિટેટર ફોર ફેક્ટરીઝ (નાયબ નિયામક, વર્ગ-1) જતીનભાઈ સુરેશચંદ્ર આદેસરા (ઉંમર 43 વર્ષ) અને તેમના પ્રાઈવેટ ડ્રાઈવર અજયસિંહ નાથુભા ઝાલા (ઉંમર 28 વર્ષ) નો સમાવેશ થાયમળતી વિગતો અનુસાર, ફરિયાદી ફેક્ટરી એક્ટ મુજબ કન્સલ્ટિંગનું કામ કરતા હોવાથી તેમને વિવિધ ફેક્ટરીઓના પ્લાન અને નકશા મંજૂર કરાવવાના હોય છે. આ ઉપરાંત ફેક્ટરીઓની મુલાકાત (વિઝિટ) દરમિયાન બિનજરૂરી હેરાનગતિ ન કરવાના બદલામાં નાયબ નિયામક જતીનભાઈ આદેસરાએ ફરિયાદી પાસે રૂ. 25000 ની લાંચની માંગણી કરી હતી. ફરિયાદી આ લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મોરબી એસીબી કચેરીનો સંપર્ક કરીને સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે મોરબી એસીબીની ટીમે 5 ઓક્ટોબર 2026 ના રોજ લાલબાગ સ્થિત સેવાસદન કમ્પાઉન્ડમાં આવેલી ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ટ્રેપ દરમિયાન નાયબ નિયામકે ફરિયાદીને લાંચની રકમ રૂ. 25000 પોતાના ખાનગી ડ્રાઈવર અજયસિંહ ઝાલાને આપી દેવા જણાવ્યું હતું. પંચોની હાજરીમાં ડ્રાઈવરે જેવી લાંચની રકમ સ્વીકારી કે તરત જ એસીબીની ટીમે દરોડો પાડીને બંને આરોપીઓને સ્થળ પરથી જ આબાદ ઝડપી લીધા હતા.
એસીબીની ટીમે રૂ. 25000 ની લાંચની રકમ સફળતાપૂર્વક રિકવર કરી લીધી છે અને બંને આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સેવાસદન જેવા જાહેર સ્થળેથી વર્ગ-1 ના ઉચ્ચ અધિકારી લાંચ લેતા પકડાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
