ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત INDIA ગઠબંધનના અનેક વરિષ્ઠ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. આ કાર્યવાહી પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે , પોલીસ દ્વારા સાંસદો સાથે મારપીટ કરવામાં આવી છે.આ વિરોધ પ્રદર્શન પહેલાં જનપથ સ્થિત ‘સાગર રત્ના’ રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ લગભગ દોઢ કલાક સુધી સાથે લંચ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ‘ઇન્ડિયા’ ગઠબંધનના તમામ સાંસદો માટે આ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલાં ‘ઇન્ડિયા’ ગઠબંધનના 200થી વધુ સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી વિરોધ માર્ચ કાઢ્યો હતો, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આકાશવાણી પરિસરમાં સતત 8 કલાક સુધી ધરણાં કર્યાં હતાં. જોકે, પરવાનગી વગર પરિસરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવા બદલ દિલ્હી પોલીસે બંને નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.જંતર-મંતર પરથી દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીને ધરણાંના સ્થળેથી હટાવ્યા હતા, જ્યારે રાહુલ ગાંધીને પોલીસે ઉંચકીને બસમાં બેસાડી દીધા હતા.
દિલ્હી પોલીસના DCP સચિન શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જંતર-મંતર વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે. તેમણે સુરક્ષાકર્મીઓને સાંસદો સાથે સન્માનજનક વ્યવહાર કરવાની અપીલ કરી હતી. DCPએ ઉમેર્યું કે, સાંસદો અને તેમના સમર્થકો ત્રણ બસોમાં આવી રહ્યા છે અને તેમનું ગંતવ્ય સ્થાન જંતર-મંતર હોવાની માહિતી મળી છે. અહીં કલમ 163 લાગુ હોવાથી પરવાનગી વગર કોઈ પણ વિરોધ પ્રદર્શન કે માર્ચ યોજવાની મંજૂરી નથી. તેઓ સાંસદ હોવાથી યોગ્ય પ્રોટોકોલ અને સન્માન સાથે વ્યવહાર કરવામાં આવશે અને તેમને પોતે જ આ જગ્યા ખાલી કરવા વિનંતી કરવામાં આવશે.પોલીસ કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે, શું આ જ રીત છે? તમે જોઈ શકો છો કે આ લોકો શું કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની બસ રોકી દીધી છે અને તેમને જંતર-મંતર તરફ જવા દેવામાં આવી રહ્યા નથી.
બીજી તરફ, વિરોધ વધતાં કોંગ્રેસ સાંસદ અમરિંદર સિંહ રાજા વડિંગ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ઇમરાન પ્રતાપગઢી અને ઇમરાન મસૂદ બસની છત પર ચડી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું.
