મકરબા વિસ્તારમાંથી સરખેજ પોલીસે વિદેશી દારૂની 31 બોટલ સાથે એક યુવકને ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી 27 વર્ષના ભૌમિક વાજા દિલ્હીથી દારૂની બોટલો લાવી રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, તેના બે મિત્રોએ તેને કમિશનની લાલચ આપીને દિલ્હી મોકલ્યો હતો. આ દારૂનો જથ્થો અમદાવાદમાં છૂટક વેચાણ માટે પહોંચાડવાનો હોવાની આશંકા છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
મકરબામાં કપડાં ભરવાના થેલામાંથી દારૂની બોટલો મળી
મળતી માહિતી મુજબ, મકરબા વિસ્તારમાં એક શખ્સ કપડાં ભરવાના થેલામાં દારૂની બોટલો લઈને નીકળવાનો હોવાની બાતમી સરખેજ પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પીઆઈ એલ. એલ. ચાવડા અને પીએસઆઈ એ. આર. બોળિયાની ટીમે વોચ ગોઠવી હતી.
પોલીસે મૂળ જૂનાગઢના અને હાલ શેલા વિસ્તારમાં કવિશા એર ખાતે રહેતા ભૌમિક વાજાને વિદેશી દારૂની 31 બોટલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં ભૌમિક વાજા પીજીના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ, વસ્ત્રાપુરમાં રહેતા પાર્થ વેગડા અને હરપાલસિંહ જાડેજા પણ પીજીનો વ્યવસાય કરતા હોવાથી તેમની સાથે તેની મિત્રતા થઈ હતી. આરોપના આધારે, બંને મિત્રોએ ભૌમિક માટે દિલ્હી જવાની ફ્લાઈટની ટિકિટ કરાવી આપી હતી અને કમિશનની લાલચ આપી હતી. ત્યારબાદ ભૌમિક દિલ્હી ગયો હતો અને ત્યાંની વાઈન શોપમાંથી દારૂની બોટલો લઈને ટ્રેન મારફતે અમદાવાદ પરત આવ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, દારૂની બોટલો પાર્થ વેગડા અને હરપાલસિંહ જાડેજાને આપવાની હતી. તેઓ આ જથ્થાનું છૂટક વેચાણ કરવાના હોવાની વિગતો તપાસમાં સામે આવી છે. હાલ પોલીસે બંને શખ્સોની શોધખોળ શરૂ કરી છે. દારૂનો જથ્થો ક્યાંથી ખરીદવામાં આવ્યો હતો, તેને અમદાવાદ સુધી લાવવાની સમગ્ર પ્રક્રિયામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને દારૂ ક્યાં વેચવાનો હતો તે સહિતની બાબતો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અન્ય ઘટનામાં 6.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં બુધવારે નળકાંઠા વિસ્તારમાંથી નળસરોવર પોલીસે ત્રણ વ્યક્તિની નશાકારક કફ્સિરપના જથ્થા સાથે ધરપકડ કરી કુલ રૂ. 6.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે ગુના નોંધી કુલ 4 વ્યક્તિ વિરૂદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ચોથા સાગરિતની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. વધુમાં પ્રાપ્ત માહિતી મુજબ નળ સરોવર પોલીસને બાતમી મળતા પોલીસ ટીમે બુધવારે ઉપરદળ ગામ પાસે તપાસ હાથ ધરી હતી. દરમ્યાનમાં બાતમી મુજબનું વાહન આવતા તેને રોકી તપાસતા નશાકારક કફ સીરપની 80 નંગ કુલ 17,520 કિંમત બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વાહનમાં નશાકારક કફ સીરપના જથ્થાને લઈ જતા હરશન રેવાભાઇ કો. પટેલ ઉ.વ. 35 ધંધો-ખેતી રહે. હીરાપુર, હનુમાનવાસ, તા. સાણંદ તથા સાથી કમલેશ મેરુભાઇ સોલંકી ઉ.વ. 24 ધંધો-વેપાર રહે. કુંવાર ગામ, ટેકરા વાસ, તા. સાણંદના શખ્સોની ધરપકડ કરી હતી. સીરપના જથ્થા સાથે બે નંગ મોબાઇલ તથા એક વાહન મળી કુલ 5,32,520 કિંમતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
