વિપક્ષી પક્ષો દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ અને મતચોરીના આરોપોને કારણે દેશનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. દિલ્હીના રસ્તાઓ પર વિપક્ષી નેતાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશનર સામે વિરોધ નોંધાવવા જઈ રહેલા અનેક નેતાઓને પોલીસે અટકાયતમાં લીધા હતા.
બીજી તરફ, 124 ભૂતપૂર્વ IAS અને IFS અધિકારીઓએ ખુલ્લો પત્ર લખીને ચૂંટણી પંચની કામગીરીનો બચાવ કર્યોભૂતપૂર્વ અધિકારીઓનું કહેવું છે કે ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં પહેલાં નક્કર અને વિશ્વસનીય પુરાવા હોવા જરૂરી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે સૌથી મોટો સવાલ એ છે કે શું ગેરરીતિના આરોપો સાચા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે છે?
વિપક્ષે રાષ્ટ્રપતિને કરી રજૂઆત
દેશની રાજધાનીમાં ચૂંટણીમાં ગેરરીતિના મુદ્દે રાજકીય ગરમાવો વધ્યો છે. વિપક્ષી INDIA ગઠબંધનના પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરીને ચૂંટણી પંચની ભૂમિકા અને મતદાર યાદીમાં કથિત ગેરરીતિઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
વિરોધ કરી રહેલા નેતાઓનો સ્પષ્ટ આરોપ છે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIR દ્વારા ગેરરીતિ કરવામાં આવી રહી છે.
તો શું આરોપો સાબિત થાય તો ચૂંટણી રદ થશે?
કાયદાના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો કોર્ટમાં મતચોરી કે ચૂંટણીમાં ગેરરીતિના આરોપો સંપૂર્ણપણે સાચા સાબિત થાય, તો પણ સુપ્રીમ કોર્ટ એક જ ઝટકામાં સમગ્ર દેશની લોકસભાની ચૂંટણી રદ કરી શકે નહીં.
ચૂંટણી રદ કરવાનો નિર્ણય ગેરરીતિ કયા સ્તરે થઈ છે, કેટલાં વિસ્તારોમાં તેની અસર થઈ છે અને ચૂંટણીનાં પરિણામો પર તેની કેટલી અસર પડી છે તેના પર આધાર રાખે છે.
કાનૂની લડાઈની શરૂઆત હાઈકોર્ટથી થાય છે
સામાન્ય રીતે લોકસભા કે વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોને પડકારવા માટે સીધા સુપ્રીમ કોર્ટમાં જઈ શકાતું નથી. ભારતીય કાયદા મુજબ, સૌપ્રથમ સંબંધિત રાજ્યની હાઈકોર્ટમાં ચૂંટણી અરજી દાખલ કરવી પડે છે. હાઈકોર્ટનો નિર્ણય આવ્યા પછી જ કોઈ પક્ષ અપીલ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે.
લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ 100ની ભૂમિકા
લોકપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 100માં ચૂંટણીને અમાન્ય જાહેર કરવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે. આ કાયદા મુજબ, માત્ર ગેરરીતિ થઈ હોવાનું સાબિત કરવું પૂરતું નથી. અરજી કરનારે એ પણ નક્કર રીતે સાબિત કરવું પડે છે કે ગેરરીતિને કારણે વિજેતા ઉમેદવારના ચૂંટણી પરિણામ પર સીધી અસર પડી હતી.
કયા સંજોગોમાં ચૂંટણી અમાન્ય થઈ શકે?
જો કોઈ ચોક્કસ મતવિસ્તારમાં નકલી મતદાન, મતદાન મથક પર કબજો કે મતગણતરીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું સાબિત થાય, તો તે બેઠકની ચૂંટણી રદ થઈ શકે છે.
આ ઉપરાંત, જો કોઈ ઉમેદવાર કાયદા મુજબ ચૂંટણી લડવા માટે અયોગ્ય હતો અથવા લાયક ઉમેદવારનું ઉમેદવારીપત્ર ખોટી રીતે નકારી કાઢવામાં આવ્યું હતું, તો કોર્ટ તે બેઠકનું પરિણામ રદ કરી શકે છે.
ચૂંટણી પંચની સત્તા અને ફરી મતદાન
કોર્ટની કાર્યવાહી ઉપરાંત ચૂંટણી પંચ પાસે પણ લોકપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 58 અને 58A હેઠળ મહત્ત્વની સત્તાઓ છે.
જો કોઈ મતદાન મથક કે સમગ્ર વિસ્તારમાં ગંભીર હિંસા, મતદાન મથક પર કબજો અથવા EVM સાથે ચેડાં થયાની ફરિયાદ સાચી સાબિત થાય, તો ચૂંટણી પંચ તે સ્થળે ફરી મતદાન કરાવવાનો અથવા ચૂંટણી રદ કરવાનો નિર્ણય લઈ શકે છે.
ચૂંટણીનાં પરિણામો અને કોર્ટની સત્તાની મર્યાદા
ચૂંટણી પંચની કામગીરી સામે સવાલ ઉઠાવવા અને કાયદાકીય રીતે ચૂંટણીનું પરિણામ અમાન્ય જાહેર કરાવવા, એ બંને અલગ બાબતો છે. સુપ્રીમ કોર્ટ બંધારણની કલમ 329(b) હેઠળ નક્કી કરાયેલી કાનૂની મર્યાદામાં રહીને જ કાર્યવાહી કરે છે.
કોઈ પણ ચૂંટણી રદ કરાવવા માટે કાયદાકીય પ્રક્રિયામાંથી પસાર થવું અને નક્કર પુરાવા રજૂ કરવા અનિવાર્ય છે.
