ગુજરાતમાં ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીના જાહેર થયેલા પરિણામો અંગે પ્રતિક્રિયા આપતા ગાંધીનગરના સાંસદ અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને આડેહાથે લીધા હતા. એસઆઈઆરના બહાને રાહુલ અને કોંગ્રેસ ઘૂસણખોરોને બચાવવા માગે છે તેમ કહી અમિત શાહે જણાવ્યું કે, 2029ની ચૂંટણીમાં પણ કોંગ્રેસ હારવાની છે.ગાંધીનગર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપના મત હિસ્સામાં (vote share) 10 ટકાનો વધારો થયો છે. “હું સ્પષ્ટ કરવા માંગુ છું કે કોંગ્રેસ 41 વર્ષમાં એક પણ ચૂંટણી જીતી નથી. છેલ્લી વખત કોંગ્રેસ ગુજરાતમાં 1985માં ચૂંટણી જીતી હતી; ત્યારથી તેઓ સતત હારી રહ્યા છે.”તાજેતરમાં કોંગ્રેસ અને ઈન્ડિયા ગઠબંધન દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને મતદાર યાદી સુધારણા (SIR) ના મુદ્દે દિલ્હીમાં રોજેરોજ દેખાવો અને ધરણા પ્રદર્શન યોજી રહ્યા છે. આ અંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, “હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે, ગાંઘીનગર મનપા સહિત જ્યા જ્યા આજે ચૂંટણીના પરિણામો જાહેર થયા છે તે શું આ SIRનું પરિણામ છે ? તમે 41 વર્ષમાં એક પણ ચૂંટણી જીતી શક્યા નથી. આ રાહુલ ગાંધી માટે આત્મમંથનનો વિષય હોવો જોઈએ. તાજેતરમાં તમિલનાડુ, બંગાળ અને પુડુચેરીમાં પેટાચૂંટણીઓ યોજાઈ હતી અને કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી ન હતી. આસામના નાગાંવમાં, ભાજપના ઉમેદવાર 1.42 લાખ મતોના અંતરથી જીત્યા છે. જે બેઠક અગાઉ કોંગ્રેસ પાસે હતી.”
“નંદીગ્રામમાં, ભાજપે 76 ટકા મત મેળવ્યા અને એક લાખથી વધુ મતોના અંતરથી જીત મેળવી. તેવી જ રીતે, ભાજપે બંગાળના રેજીનગરમાં મોટી જીત મેળવી અને TMC પાસેથી તે બેઠક છીનવી લીધી.” ગૃહમંત્રી અમિત શાહે તેમના સંબોધન દરમિયાન ત્રિપુરાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કોંગ્રેસે ત્રિપુરામાં 33 વર્ષથી અને બંગાળમાં 56 વર્ષથી જીત મેળવી નથી.
હું રાહુલ ગાંધીને સીધો સવાલ પૂછવા માંગુ છું કે શું આ ‘SIR’નું પરિણામ છે ? જ્યારે તમે કોંગ્રેસના મુખ્ય નેતા બન્યા, પક્ષના અધ્યક્ષ અને વિરોધ પક્ષના નેતાની ભૂમિકા સંભાળી, ત્યારથી કોંગ્રેસ સતત હારનો સામનો કરી રહી છે. તમે ખોટા અભિયાનો દ્વારા દેશની જનતાનો વિશ્વાસ જીતી શકતા નથી. માત્ર ભીડ એકઠી કરીને તમે દેશનો અવાજ બની શકતા નથી.
અમિત શાહે વધુમાં ટિપ્પણી કરી કે તેમણે તેમની હારનું કારણ સમજાવવું જોઈએ, કારણ કે ‘SIR’ પ્રક્રિયા તો 2024 પછી જ શરૂ થઈ હતી. તેમણે ઉમેર્યું કે તેઓ અત્યારે જ આગાહી કરી શકે છે કે 2029માં પણ તેમને કારમી હારનો સામનો કરવો પડશે.
ગાંધીનગર મનપા ચૂંટણીનું પરિણામ વિશ્લેષણ (2021 vs 2026 ): ભાજપનો ‘દબદબો વધ્યો’, કોંગ્રેસની ‘મજબૂત વાપસી’ અને AAPનું ‘મોટું ધોવાણ’
