વડોદરા શહેરમાં સાયબર ઠગોએ ઝાયડસ કંપનીના ડિરેક્ટરના નામ અને ફોટાનો દુરુપયોગ કરીને ખાનગી કંપનીના જનરલ મેનેજરને વિશ્વાસમાં લઈ રૂ. 1.03 કરોડથી વધુની રકમની છેતરપિંડી આચર્યાની ઘટના સામે આવી છે.
સૂત્રોન જણાવ્યા અનુસાર ગોરવા-સાવલી રોડ પર આવેલી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના જનરલ મેનેજર સુભાષ ગુપ્તાને અજાણ્યા નંબર પરથી કંપનીના ડિરેક્ટર ડો.અજય રાનકાના નામે મેસેજ કરવામાં આવ્યા હતા.ગત 8 ઓક્ટોબરે બપોરે આશરે 1:30 વાગ્યે સુભાષ ગુપ્તા કંપનીની ઓફિસમાં હાજર હતા ત્યારે તેમના વોટ્સએપ નંબર પરથી મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારના વોટ્સએપ પ્રોફાઇલમાં કંપનીના ડિરેક્ટર ડો. અજય રાનકાનું નામ અને ફોટો હોવાથી ગુપ્તાએ તેમને ડિરેક્ટરનો જ મેસેજ માની જવાબ આપ્યો હતો.સામેવાળાએ “હું અજય રાનકા બોલું છું” ના મેસેજ બાદ પોતે મીટિંગમાં હોવાનું જણાવી કોઈએ ફોન ન કરવો અને મીટિંગ બાદ પોતે ફોન કરશે તેમ જણાવ્યું હતું.આ પછી ઠગે બેંક ખાતાની વિગતો મોકલી રૂ. 25,60,601 ટ્રાન્સફર કરવા સૂચના આપી હતી.
ગુપ્તાએ કંપનીના એસોસિયેટ મેનેજર મોનેત દેસાઈને પેમેન્ટ માટે જણાવ્યું હતું.કંપનીમાં બેંકિંગ વ્યવહારો માટે નેટ બેંકિંગની સુવિધા છે. કંપનીની એસોસિયેટ મેનેજર મોનેત દેસાઈ દ્વારા પેમેન્ટની મંજૂરી માટે ડિરેક્ટરોને દરખાસ્ત મોકલવામાં આવે છે અને ડો. અજય રાનકા, પૂજા રાનકા અથવા મૌલિક રાનકામાંથી કોઈ એક ડિરેક્ટરની મંજૂરી મળ્યા બાદ જ પેમેન્ટ કરવામાં આવે છે. પરિણામે કંપનીના DBS બેંક ખાતામાંથી એક્સિસ બેંકના ખાતામાં રૂ. 25,90,608 ટ્રાન્સફર થયા હતા. ત્યારબાદ બીજા ટ્રાન્જેક્શનમાં રૂ. 18,40,604, ત્રીજા વ્યવહારમાં રૂ. 23,60,105 અને ચોથા વ્યવહારમાં કંપનીના સિટી બેંક ખાતામાંથી રૂ. 35,60,507 ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.આ રીતે કુલ ચાર ટ્રાન્જેક્શન મારફતે રૂ. 1,03,52,412 ની રકમ અલગ-અલગ બેંક ખાતામાં જમા કરાવવામાં આવી હતી.આ મામલે જનરલ મેનેજર સુભાષ ગુપ્તાએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં એક્સિસ બેંક, સેન્ટ્રલ બેંક, એસબીઆઈ અને એચડીએફસી સહિતના બેંક ખાતાની વિગતો આપવામાં આવી છે.
પોલીસે જણાવ્યું કે આરોપીઓએ વધુ નાણાં પડાવવાના ઈરાદે વારંવાર નવા ખાતાની વિગતો મોકલી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ડિરેક્ટરના નામ અને પ્રોફાઇલ ફોટાનો ઉપયોગ કરીને અજાણ્યા શખ્સોએ પૂર્વઆયોજિત કાવતરું રચી કંપની સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ હાથ ધરી છે.પોલીસ દ્વારા મેસેજ મોકલનાર મોબાઈલ નંબર, નાણાં મેળવનાર બેંક ખાતાના ધારકો અને વ્યવહારોમાં સંડોવાયેલા અન્ય લોકોની વિગતો તપાસવામાં આવી રહી છે.
