ગુજરાત પોલીસ કેડરમાં વધુ એક યુવા IPS અધિકારીનો સમાવેશ થવાનો માર્ગ મોકળો થયો છે. 2022 બેચના IPS અધિકારી અન્નુ ટાટુની આસામ-મેઘાલય કેડરમાંથી ગુજરાત કેડરમાં આંતર-કેડર બદલીને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 14 ઓક્ટોબર 2024ના રોજ આ અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. આ બદલી લગ્નના આધારે મંજૂર કરવામાં આવી છે.આ આંતર-કેડર બદલી ભારતીય પોલીસ સેવા (કેડર) નિયમો અન્વયે 1954ના નિયમ 5(2) હેઠળ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આસામ, મેઘાલય અને ગુજરાત સરકારની સંમતિ મેળવ્યા બાદ આ આદેશ જાહેર કર્યો છે.
નિયમ મુજબ, અલગ-અલગ કેડરમાં ફરજ બજાવતા અખિલ ભારતીય સેવા AISના અધિકારીઓ લગ્ન બાદ એક જ કેડરમાં સેવા આપવા માટે વિનંતી કરી શકે છે, જેને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ માન્ય રાખવામાં આવે છે. અન્નુ ટાટુના પતિ ગૌતમ વિવેકાનંદન ગુજરાત કેડરના 2023 બેચના IPS અધિકારી છે અને હાલમાં કચ્છના મુન્દ્રા ખાતે ASP તરીકે ફરજ બજાવી રહ્યા છે. કેન્દ્રના આ નિર્ણય બાદ હવે બંને અધિકારીઓ એક જ રાજ્યની કેડરમાં સેવા આપી શકશે.
નોંધનીય છે કે, 14 જાન્યુઆરી 1998ના રોજ જન્મેલા અન્નુ ટાટુ મૂળ રાજસ્થાનના વતની છે અને તેમણે બેચલર ઓફ આર્ટસ BA સુધીનો અભ્યાસ કર્યો છે. તેમજ UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કર્યા બાદ તેઓ 29 ઓગસ્ટ 2022ના રોજ IPS સેવામાં જોડાયા છે. તેમની પ્રાથમિક નિમણૂક આસામ-મેઘાલય કેડરમાં થઈ હતી અને તેઓ આસામના સદિયા ખાતે ASP તરીકે ફરજ બજાવતા હતા. ગુજરાત કેડરમાં બદલી બાદ રાજ્યમાં તેમને કયા જિલ્લા કે પોલીસ એકમમાં નવી જવાબદારી સોંપવામાં આવશે તે અંગેનો સત્તાવાર આદેશ ટૂંક સમયમાં સ્પષ્ટ થશે.
IPS અન્નુ ટાટુના પતિ ગૌતમ વિવેકાનંદન 2023 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. 5 નવેમ્બર 1998ના રોજ જન્મેલા ગૌતમે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન વિષયમાં B.Tech. ની ડિગ્રી મેળવી છે અને 13 નવેમ્બર 2023ના રોજ IPS સેવામાં જોડાયા હતા. તેઓ અગાઉ વડોદરા ગ્રામ્યમાં ASP તરીકે કાર્યરત હતા, ત્યારબાદ તેમની નિમણૂક કચ્છના મુન્દ્રામાં ASP તરીકે કરવામાં આવી હતી. આમ હવે લગ્ન બાદ IPS અન્નુ ટાટુની ગુજરાત કેડરમાં બદલી થઇ છે. જેને કેન્દ્ર સરકારે આંતર-કેડર બદલીને મંજૂરી આપી છે.
