આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખીને GJ-18 વહીવટી તંત્ર દ્વારા હંગામી ફટાકડા વેચાણના પરવાના આપવાની સત્તાવાર જાહેરાત તો કરી દેવામાં આવી છે, પરંતુ તંત્રની આ સમગ્ર કવાયત સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કલેક્ટર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતેથી 16થી 23 ઓક્ટોબર દરમિયાન અરજી ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે તંત્ર હજુ લાયસન્સ આપવાના આયોજન અને કાગળ પરની જટિલ શરતોમાં અટવાયેલું છે ત્યારે શહેરમાં નિયમોને
નેવે મૂકીને ગેરકાયદે ફટાકડાના સ્ટોલ અત્યારથી જ ધમધમી રહ્યા છે.
મંજૂરી આપવા અરજદારો માટે આકરા નિયમો આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી વહીવટી તંત્ર દ્વારા હંગામી ફટાકડા વેચાણના પરવાના આપવા અધિકારીઓ દ્વારા પારદર્શિતા અને સુરક્ષાના નામે અરજદારો માટે આકરા નિયમો બનાવવામાં આવ્યા છે.
જેમાં 3નો કોર્ટ ફી સ્ટેમ્પ, સ્ક્રુટીની અને પ્રોસેસ ફી પેટે હૈં 800 ચલણથી જમા કરાવવા, પોલીસ સ્ટેશનનું નોન-ક્રિમિનલ સર્ટિફિકેટ, ફાયર ઓફિસરનો અભિપ્રાય અને ગુજરાત ફાયર સેફ્ટી કોપ વેબસાઈટ મારફતે NOC મેળવવી ફરજિયાત બનાવાઈ છે.
શહેરમાં સુરક્ષા સાધનો વિના ધમધમ્યા ફટાકડાના સ્ટોલ
આ ઉપરાંત સેક્ટર-6 અને સેક્ટર-11 જેવા મર્યાદિત વિસ્તારોમાં જ પ્લોટ ફાળવણી, ફરજિયાત અકસ્માત વીમો અને અન્યને લાયસન્સ ન ટ્રાન્સફર કરવાની શરતો લાદવામાં આવી છે.પરંતુ વહીવટી તંત્રની આ આકરી શરતો અને લાંબી કાયદાકીય પ્રક્રિયા માત્ર કાયદાનું પાલન કરતા લાયસન્સ ધારક વેપારીઓ માટે જ મુશ્કેલીરૂપ છે. તંત્ર જ્યારે લાયસન્સ મંજૂર કરવાની પ્રક્રિયા પૂરી કરશે ત્યાં સુધીમાં તો ગેરકાયદે વેપારીઓ પોતાનો મોટાભાગનો ધંધો આટોપી ચૂક્યા હશે.
શહેરમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર ઉભા કરી દેવાયેલા ફટાકડાના સ્ટોલ સામે સ્થાનિક જવાબદાર તંત્ર હજી ઘોર નિંદ્રામાં છે.
લાયસન્સ વિના ચાલતા સ્ટોર સામે કેમ કાર્યવાહી નહીં?
જ્યારે કાગળ પર સુરક્ષાના તમામ દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે વગર લાયસન્સે ધમધમતા આ સ્ટોલ્સ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તો નવાઈ નહીં.
જો કોઈ ઘટના બને તો જવાબદારી લાયસન્સ ધારકની રહેશે તેવું કહીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ ઊભો થાય છે કે વગર લાયસન્સે ચાલતા સ્ટોલ પર આખી સિસ્ટમ કેમ આંખ આડા કાન કરી રહી છે? કાગળ પરની કડક નીતિ અને જમીન પરના નબળા અમલીકરણ વચ્ચે ગાંધીનગરનું વહીવટી તંત્ર તહેવારો ટાણે કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાવ નિષ્ફળ પૂરવાર થઈ રહ્યું હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
