ગાંધીનગરમાં રખડતા ઢોરનો આતંક, મનપા લાચાર! ક્લાર્કને કસાઈ સમજી પશુપાલકે ઝીંક્યા લાફા, ઢોરના ફોટા પાડવા પણ ભારે પડ્યા!

Spread the love

ગાંધીનગરમાં રખડતા પશુઓની સમસ્યા ડામવા માટે કાર્યવાહી કરી રહેલા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ સુરક્ષિત નથી રહ્યા તેવો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સેક્ટર-29 ચ 7 સર્કલ નજીક જાહેર રોડ પર ઉભેલી રખડતી ગાયોના ફોટા પાડી રહેલા GMCના પ્રાણી રંજાડ અંકુશ વિભાગના જુનિયર ક્લાર્ક પર એક શખસે ઉશ્કેરાઈને હુમલો કરી ગાલ લાલ કરી દીધા હતા. આ અંગે સેક્ટર 21 પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.

 

અમદાવાદના રાણીપ ખાતે આવેલી કૃષ્ણધામ સોસાયટીમાં રહેતા અને મૂળ સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના પીંપલીયા ગામના વતની 26 વર્ષીય સૂર્યકાંતભાઈ કમલેશભાઈ પટેલ છેલ્લા 10 મહિનાથી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને હાલમાં પ્રાણી રંજાડ અંકુશ વિભાગમાં નોકરી કરે છે.

રખડતા પશુના ફોટો પાડી રહેલા કર્મચારીને પશુપાલકોએ ફડાકા ઝીંકી દીધા

 

ગઈકાલે 17ઓક્ટોબરના રોજ સાંજના અરસામાં સૂર્યકાંતભાઈ સેક્ટર-30 ખાતે આવેલા ઢોર ડબ્બા પરથી પોતાનું ટુ-વ્હીલર લઈને સેક્ટર-17 સ્થિત GMCની મુખ્ય કચેરી તરફ જઈ રહ્યા હતા.દરમિયાન સેક્ટર-29 ચ-7 સર્કલ નજીક વળતા રોડ પર 3 થી 4 ગાયો અડિંગો જમાવીને ઉભેલી જોવા મળી હતી. પોતાની ફરજના ભાગરૂપે સૂર્યકાંતભાઈએ રખડતા પશુઓની વિગતો મેળવવા માટે પોતાના મોબાઇલ ફોનમાં ગાયોના ફોટોગ્રાફ્સ પાડવાનું શરૂ કર્યું હતું.

 

આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલો એક અજાણ્યો શખસ તેમની પાસે આવ્યો હતો અને તીખા અવાજે પૂછ્યું હતું કે, તું આ ગાયોના ફોટા કેમ પાડે છે તું કસાઈ લાગે છે. આથી સૂર્યકાંત પટેલે તરત જ પોતાનો પરિચય આપતા સ્પષ્ટતા કરી હતી કે, હું GMCમાં ક્લાર્ક તરીકે નોકરી કરું છું અને અમારી મુખ્ય કચેરીના આદેશ મુજબ રોડ પર રખડતા પશુઓની માહિતી મેળવી તેમને પકડવાનું અમારું કામ છે.

 

‘તું કસાઈ છે કહી ગાળો કાઢવામાં આવી’

 

આ સાંભળીને શખસ વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને તું કસાઈ છે તેમ કહીને સૂર્યકાંતભાઈને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.કર્મચારીએ ગાળો બોલવાની ના પાડતા જ ઉશ્કેરાયેલા શખસે આવેશમાં આવી સૂર્યકાંતભાઈને ગાલ પર બે લાફા ચોડી દીધા હતા અને હવે પછી ફરીથી આવું કરીશ તો તને જાનથી મારી નાખીશ તેવી ગંભીર ધમકી આપી હતી.

 

આથી બોલાચાલી અને બૂમાબૂમ થતાં આસપાસના સ્થાનિક લોકો તથા વાહનચાલકો દોડી આવ્યા હતા અને વચ્ચે પડીને કર્મચારીને છોડાવ્યા હતા. ત્યારે જતી વખતે હુમલાખોરે ગુસ્સામાં રોફ ઝાડતા કહ્યું હતું કે, મારું નામ ભૂરો છે, તારાથી થાય તે કરી લેજે. આ બનાવ બાદ ભેગા થયેલા લોકો મારફતે તપાસ કરતા હુમલો કરનાર શખસ પેથાપુર ગામનો કિશન ઉર્ફે ભૂરો રામાભાઈ દેસાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

 

આ ઘટના બાદ ભયભીત થયેલા ક્લાર્ક સૂર્યકાંત પટેલ સીધા સેક્ટર-17 સ્થિત મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા અને પોતાના ઉપરી અધિકારી પાર્થ ચૌધરીને સમગ્ર આપવીતી જણાવી હતી. ઉપરી અધિકારીએ સરકારી કામગીરીમાં અડચણરૂપ બનનાર સામે તુરંત કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપતા સૂર્યકાંત પટેલ સેક્ટર-21 પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *