નાગરિકોએ હવે 5 લાખની વનટાઇમ મેમ્બરશિપ ફી નહીં ભરવી પડે: ટાઇપિંગ મિસ્ટેકથી વધેલી ફી સરકારે ઘટાડી સે.19 જિમખાનાની ફી રૂ. 1 લાખ કરી દેવાઈસરકારના સામાન્ય વહીવટ વિભાગ હસ્તકના સે.19 જિમખાનામાં ક્લાસ-1 અધિકારી માટે માત્ર રૂ. 10 હજાર અને અન્ય અધિકારી-કર્મચારી તથા સામાન્ય નાગરિક માટે રૂ. 5 લાખની માતબર વનટાઇમ મેમ્બરશિપ ફી લાગુ કરવા મુદ્દે ભારે વિરોધ થતાં સરકારે નિર્ણય બદલવો પડ્યો છે અને તમામ વર્ગના અધિકારી-કર્મચારી માટે રૂ. 10 હજારઅને નાગરિકો માટે રૂ. 1 લાખ મેમ્બરશિપ ફી નક્કી કરાઈ છે.સરકારનું કહેવું છે કે વર્ગ-1 અધિકારીની ફી અંગે ઠરાવમાં ટાઇપિંગ મિસ્ટેક હતી, જે સુધારી લીધી છે, જ્યારે નાગરિકો માટેની ફી વધુ હોવાની રજૂઆત મળતા તે ઘટાડીને રૂ. 1 લાખ કરાઈ છે.
ગાંધીનગરના સે.19માં આવેલા જિમખાનાના રિનોવેશન પાછળ રૂ.40 કરોડનો ખર્ચ કરાયો છે. રિનોવેશન બાદ જિમખાનાની મેમ્બરશિપ માટે નક્કી કરેલી ફી બાબતે વિવાદ ઊભો થયો હતો.
સામાન્ય નાગરિક માટે રૂ.5 લાખની વનટાઈમ મેમ્બરશિપ ફી નક્કી કરાઇ હતી, જ્યારે ક્લાસ-1 અધિકારી માટે માત્ર રૂ.10 હજાર ફી નક્કી કરાઇ હતી. આટલા મસમોટા તફાવતને કારણે મેમ્બરશિપ લેવા ઇચ્છુક નાગરિકોમાં ફી અંગે સવાલો ઊભા થયા હતા.મેમ્બરશિપ મેળવવા ઇચ્છુક સાગર સોનીએ RTI કરી આ અંગે માહિતી માગી હતી. RTIના જવાબમાં ફીની વિગત જણાવ્યા બાદ આ મુદ્દો ચર્ચામાં આવ્યો હતો. ત્યાર બાદ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે પણ આ મામલે રજૂઆત કરી હતી. મહાસંઘે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપ્યું હતું.
સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીઓને જિમખાનાની મેમ્બરશિપ ફ્રી
ગાંધીનગર સે.19 સ્થિત જિમખાનામાં સ્ટેટ લેવલની સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિ માટે મેમ્બરશિપ ફ્રી છે.
રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડીને જિમખાનાની મેમ્બરશિપ માટે કોઈ ફી ચૂકવવાની નથી. એક તરફસામાન્ય નાગરિકો માટે વનટાઈમ મેમ્બરશિપ ફી રૂ.1 લાખ નક્કી કરાઇ છે, ત્યારે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેનાર ખેલાડી માટે મેમ્બરશિપ ફ્રી રાખી છે. આથી રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીને જિમખાનાની મેમ્બરશીપ ફ્રી મળશે.
મનોરંજન સુવિધાની સભ્યપદ ફીમાં ભેદભાવ કેમ?
સરકારી મનોરંજન સુવિધાની એક વખતની સભ્યપદ ફી રૂ.5 લાખથી ઘટાડી 1 લાખ કરવાનો નિર્ણય આવકાર્ય છે, પણ વર્ગ-1ના અધિકારીઓ, સરકારી કર્મચારીઓ અને સામાન્ય જનતા માટે જુદી-જુદી ફી રાખવાની નીતિ ચર્ચાસ્પદ છે. કર્મચારી કલ્યાણના હેતુથી સરકાર મનોરંજન ભથ્થું કે ખર્ચના આધારે રિઈમ્બર્સમેન્ટની વ્યવસ્થા કરી શકે છે. જેથી કર્મચારીઓને લાભ મળશે અને સભ્યપદ ફીમાં અસમાનતા પણ ટળશે. જો મનોરંજન સુવિધાનું સંચાલન આવક ઊભી કરવાના હેતુથી થતું હોય, તો તમામ માટે સમાન સભ્યપદ ફી રાખવી ન્યાયસંગત ગણાશે. કર્મચારી કલ્યાણ અને આર્થિક વ્યવહારૂતા સાથે ચાલી શકે છે, પરંતુ જાહેર નીતિમાં પારદર્શિતા, સમાનતા અને ન્યાય જળવાય તે જરૂરી છે. માત્ર સરકારી હોદ્દા કે વર્ગના આધારે ફીમાં ભેદભાવ રાખવો કેટલો યોગ્ય છે, તે વિચારવા જેવો મુદ્દો છે. > સાગર સોની, RTI કરનારજિમખાનાની સમિતિની બેઠકમાં ચર્ચાયેલા કેટલાક મુદ્દાનું ખોટું અર્થઘટન થયું હતું. જિમખાનામાં બિનસરકારી સભ્યની ફીનું ધોરણ રૂ.1 લાખ, જ્યારે સરકારી સભ્ય માટે ફી નિયત રીતે એક સરખી જ છે. કોઇપણ કર્મચારી વચ્ચે કોઇ ભેદભાવ રખાયો નથી. ઊલટું જિમખાના સમિતિએ સ્થાનિક ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે માટે સ્તુત્ય નિર્ણય કર્યો છે કે, ગાંધીનગરમાં વસતા અને જિલ્લા કક્ષા કે તેથી ઉપરની કક્ષાએ યોજાતી સ્પર્ધામાં ભાગ લઈ ચૂકેલા ખેલાડીને નિ:શુલ્ક સભ્યપદ મળશે. સભ્યપદની પ્રક્રિયાના સરળીકરણ માટેની બાબતનો અયોગ્ય અર્થ લેવાયો છે. > અંજુ શર્મા, ચેર પર્સન, ગાંધીનગર જિમખાના સમિતિ
