બનાસકાંઠા: ડીસામાં મહારાજના દોરાથી પથરી નીકળવાનું સત્ય શું? દોરો બાંધો અને પથરી કાઢો, અત્યારસુધી હજારો પથરી કાઢી હોવાનો દાવો, આ કોઈ આસ્થા છે કે પછી ચમત્કાર?

Spread the love

પથરીની સમસ્યા અને તેમાંથી મુક્તિ મેળવવા માટે લોકો સામાન્ય રીતે તબીબી સારવારનો સહારો લે છે. ઘરેલું ઉપચારો કરે છે. પરંતુ આજે અમે એક એવા ધામની વાત કરીશું. જ્યાં ચપટીમાં જ નીકળી જાય છે પથરી. ગુજરાતમાં આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં દેશભરમાંથી લોકો પથરીની સમસ્યા દૂર કરવા આવે છે. કયું છે આ ધામ? અને કેવી રીતે નીકળે છે પથરી?કેટલીક જગ્યાઓ એવી હોય છે, જેનું રહસ્ય વિજ્ઞાન પણ નથી ઉકેલી શકતું. કેટલીક ઘટનાઓ એવી હોય છે જે આપણને સૌને ચમત્કારિક લાગે છે. જે લોકો વિજ્ઞાનમાં માને છે, તેઓ તેમાં વિશ્વાસ નથી કરતા. પરંતુ જેમની સમસ્યા દૂર થાય છે, તે અચૂક આવા ચમત્કારોને સ્વિકારે છે.

 

બનાસકાંઠામાં ડીસા તાલુકાના રસાણા ગામે આવેલું નારસુંગા વીર મહારાજનું ધામ. વર્ષોથી આ સ્થળ લોકોની આસ્થા સાથે જોડાયેલું છે. અહીં આવતા અનેક ભક્તો પથરીની સમસ્યા માટે મહારાજના દર્શન કરે છે.

 

પવિત્ર દોરો બંધાવે છે. આ દોરો શ્રદ્ધાનો છે. આ દોરો વિશ્વાસનો છે. આ દોરો એક એવી માનતા છે કે તમારા શરીરમાં રહેલી પથરી નીકળી જશે. ભક્તોની માન્યતા છે કે દોરો બાંધ્યા બાદ મહારાજની કૃપાથી શરીરમાં રહેલી પથરી બહાર નીકળી જાય છે.

 

પથરી નીકળ્યા બાદ ભક્તો તેને લઈને ફરી મંદિરે આવે છે.. અને મહારાજના ચરણોમાં અર્પણ કરે છે. આ જ પરંપરાને કારણે મંદિરની ઓળખ પથરી બેન્ક તરીકેની બની ગઈ છે

 

મંદિર પરિસરમાં રાખવામાં આવેલી આ પથરીઓને અહીં આવતા ભક્તો પોતાની માનતા અને શ્રદ્ધા સાથે જોડે છે. કહેવાય છે કે અહીં શ્રદ્ધાળુઓ પોતાની પથરીની પીડા લઈને આવે છે. મહારાજના દર્શન કરીને દોરો બંધાવે છે. અને જ્યારે પથરી નીકળી જાય ત્યારે તેઓ પાછા આ ધામ પર એ પથરી લઈને અહીં અર્પણ કરે છે.

 

તમે શું માનો છો? કોઈ હોસ્પિટલમાં કેટલી પથરીઓના ઓપરેશન થતા હશે? હજાર–બે હજાર કે 10 હજાર. ચોંકાવનારી વાત એ છે કે આ ધામનીમાં અત્યાર સુધી 28 હજારથી વધુ પથરીઓ ભક્તો દ્વારા જમા કરાવવામાં આવી હોવાનો દાવો છે. અહીં વિજ્ઞાન અને આસ્થાની સરખામણીનો કોઈ જ ઉદ્દેશ નથી. પરંતુ લોકો અહીં શ્રદ્ધા સાથે આવે છે. લોકોનું કહેવું છે કે જે પથરી માટે ડૉક્ટરે તેમને ઓપરેશન કરવાનું કહ્યું હોય, તે જ પથરી આપોઆપ નીકળી જાય છે.એવું નથી કે અહીં ફક્ત ગુજરાતના જ શ્રદ્ધાળુઓ આવે છે. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાંથી લોકો સ્પેશિયલ પોતાની પથરીનું દુઃખ લઈને આવે છે.

 

આવા તો અનેક શ્રદ્ધાળુઓ છે. જેમનું દુઃખ આ મહારાજના દર્શનથી દૂર થયું હોવાનો દાવો છે. ઘણી એવી વાતો છે કે જેના ઉપર કદાચ કોઈને વિશ્વાસ ના પણ આવે. પરંતુ જે શ્રદ્ધાળુઓ અહીં આવે છે તે સાચી શ્રદ્ધા સાથે આવે છે. અને તેમનો દાવો છે કે મહારાજ તેમના દુઃખ દૂર કરે છે.

 

કિડની કે મૂત્રમાર્ગમાં પથરી થવાના અલગ-અલગ કારણો હોઈ શકે છે. પથરીનું કદ, તેનું સ્થાન અને દર્દીની સ્થિતિ પ્રમાણે તેની સારવાર પણ અલગ હોઈ શકે છે. કેટલીક નાની પથરી શરીરમાંથી કુદરતી રીતે બહાર નીકળી શકે છે. જ્યારે કેટલીક સ્થિતિમાં સર્જરીની જરૂર પડી શકે છે. એટલે જે લોકો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અપનાવે છે તેઓ શ્રદ્ધાના દોરાને તબીબી સારવારનો વિકલ્પ માનતા નથી.

 

પરંતુ ચોંકાવનારી વાત એ છે કે મંદિર પરિસરમાં આવેલી પથરી બેન્કમાં સૌથી મોટી 175 મિલીમીટરની પથરી રાખવામાં આવી છે. કહેવાય છે કે આટલી મોટી પથરી પણ મહારાજની કૃપાથી નીકળી ગઈ છે. પૂજારીનું કહેવું છે કે ફક્ત પથરી જ નહીં, બીજી ઘણી તકલીફો ફક્ત એક દોરો બાંધવાથી દૂર થાય છે.

 

અને એટલે જ આ મંદિરની મુલાકાત લેતા લોકો માટે આ સ્થળ માત્ર પથરીની માન્યતા પૂરતું નથી. અહીં તેમની આસ્થા જોડાયેલી છે, પરંપરા જોડાયેલી છે. અને વર્ષોથી ચાલી આવતી એક ધાર્મિક માન્યતા જોડાયેલી છે. જોકે માનવું કે ન માનવું તે વ્યક્તિગત પસંદગી હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *