આણંદ અને આંકલાવ તાલુકાનાં ગામોમાંથી પસાર થતી વડોદરા-રેવાડી ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર રેલવે લાઇન માટે જમીન સંપાદનના મુદ્દે ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની કિંમતી જમીનો સંપાદિત કરવામાં આવ્યા બાદ 16-16 વર્ષનો સમય વીતી ગયો હોવા છતાં યોગ્ય વળતર ચૂકવવામાં આવ્યું નથી. આ મુદ્દે ખેડૂતોએ આજે આણંદ શહેરમાં બોરસદ ચોકડી ઓવરબ્રિજ પાસેથી રેલી કાઢી હતી.ઢોલ-નગારાં સાથે નીકળેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
ખેડૂતોએ આવેદનપત્રમાં જમીન સંપાદન બદલ હાલના બજારભાવને ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જમીન સંપાદન સમયે તેમને વિવિધ પ્રકારના નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને વળતર આપવાની ખાતરી આપવામાં આવી હતી. જોકે, તેમના કહેવા પ્રમાણે, જમીન ઉપરાંત ખેતીના પાક, બાંધકામ, સિંચાઈની સુવિધા અને અવરજવરના માર્ગો સહિતની બાબતોનું વળતર પણ પૂરતા પ્રમાણમાં મળ્યું નથી.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, રેલવેની માહિતી પુસ્તિકામાં જમીન સંપાદનના વળતરની ગણતરી અને ચુકવણી સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જમીન સંપાદનથી ખેડૂતોને થનારા વિવિધ પ્રકારના નુકસાનની બજારકિંમત મુજબ ભરપાઈ કરવાની ખાતરી પણ આપવામાં આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. ખેડૂતોનો દાવો છે કે સંબંધિત અધિકારીઓએ મૌખિક બાંહેધરી આપ્યા બાદ રેલવે કોરિડોરનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.
ખેડૂતોના જણાવ્યા અનુસાર, સંપાદિત જમીનોમાં ઊભા પાક, ફળાઉ અને બિનફળાઉ વૃક્ષો, કાચાં-પાકાં બાંધકામ, પાણીની પાઇપલાઇનો, બોરવેલ અને વીજ જોડાણો જેવી સુવિધાઓને અસર પહોંચી હતી. આ ઉપરાંત સરકારી તથા અર્ધસરકારી રસ્તાઓ, નાળાં અને અન્ય માળખાં સંબંધિત પ્રશ્નો પણ ઊભા થયા હતા. ખેડૂતોનો આક્ષેપ છે કે આ તમામ બાબતોનું નુકસાન ધ્યાનમાં રાખીને વળતર ચૂકવવાની વાત કરવામાં આવી હતી, પરંતુ વાસ્તવિક ચુકવણીમાં તેમની માંગણીઓ સંતોષાઈ નથી
