અમદાવાદમાં કામ કરી ચૂકેલા ભારતીય મૂળના રાહુલ અગ્રવાલે શાર્ક ટેન્ક યુએસએમાં ફોલ્ડ થઈ જતી ચમચીના આઇડિયાથી 3.33 કરોડ રૂપિયાની ડીલ મેળવી

Spread the love

રસોડામાં રોજબરોજ ઉપયોગમાં લેવાતી એક સામાન્ય ચમચીને નવી ડિઝાઇન આપીને ભારતીય મૂળના શોધક અને ડિઝાઇનર રાહુલ અગ્રવાલે અમેરિકાના લોકપ્રિય બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક યુએસએ’ (Shark Tank USA)માં 3,50,000 ડોલર એટલે કે આશરે 3.33 કરોડ રૂપિયાની ડીલ મેળવી છેરાહુલ અગ્રવાલે એનઆઇડી, અમદાવાદમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેમને ડિઝાઇન કરેલી ખાસ ચમચી વપરાશમાં ન હોય ત્યારે સપાટ થઈને વળી જાય છે અને તેમાં ચુંબક પણ છે, જેના કારણે તેને ફ્રિજ પર ચોંટાડી શકાય છે. રસોડામાં જગ્યા બચાવતી આ નવીન ડિઝાઇને શોના રોકાણકારોનું ધ્યાન ખેંચ્યું હતું. આ ડીલમાં રાહુલની કંપનીનું મૂલ્ય 35 લાખ ડોલર આંકવામાં આવ્યું છે.

 

પોલિગોન્સ ડિઝાઇન્સve (Polygons Designs) સ્થાપક રાહુલ અગ્રવાલે સામાન્ય માપવાની ચમચીને એવી નવી ઓળખ આપી છે, જેમાં તેની મૂળભૂત ઉપયોગિતા જાળવી રાખીને તેને સંગ્રહવામાં સરળ બનાવવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેમની આ ડિઝાઇન ઓરિગામી એટલે કે કાગળને વાળીને વિવિધ આકાર બનાવવાની જાપાની કળાથી પ્રેરિત છે. પરંપરાગત ચમચીને લવચીક અને વાળી શકાય તેવી બનાવવાના આ પ્રયાસ માટે તેમને 20થી વધુ આંતરરાષ્ટ્રીય ડિઝાઇન પુરસ્કારો પણ મળ્યા છે.

 

રાહુલ અગ્રવાલની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેઓ હાલમાં અમેરિકામાં રહે છે. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાંથી ડિઝાઇનમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. ઔદ્યોગિક ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન અને યુઝર એક્સપિરિયન્સ (UX) ડિઝાઇન ક્ષેત્રે પણ કામ કર્યું છે.

 

પોતાની કંપની શરૂ કરતાં પહેલાં રાહુલે 2013થી 2014 દરમિયાન તેમણે અમદાવાદ સ્થિત ઇન્વેન્ટઇન્ડિયા ઇનોવેશન્સમાં ડિઝાઇનર તરીકે કામ કર્યું હતું. ત્યારબાદ 2014થી 2015 દરમિયાન તેઓ સ્ટોરબાઉન્ડમાં કન્સલ્ટન્ટ ડિઝાઇનર તરીકે જોડાયા હતા. તેમણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી), ગાંધીનગરમાં ડિઝાઇન અને ઇનોવેશન ક્ષેત્રે ફેકલ્ટી મેમ્બર તરીકે પણ સેવા આપી હતી.

 

2016માં તેઓ ટ્રિપ ઇન ઇન્ક.માં ચીફ ડિઝાઇન ઑફિસર બન્યા હતા. ત્યારબાદ તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં એક મહિના સુધી વિઝિટિંગ પ્રોફેસર તરીકે કામ કર્યું હતું. ઑક્ટોબર 2016માં તેમણે પોલિગોન્સ ડિઝાઇન્સની સ્થાપના કરી હતી.

 

પોલિગોન્સ (Polygons) એ માપવાની ચમચીઓનો એવો સેટ છે, જે પરંપરાગત છ ચમચીના સેટની જગ્યાએ માત્ર બે સપાટ અને વળી શકે તેવી ચમચીઓથી માપવાનું કામ કરે છે. ચમચી પર નિશાન કરેલા ચોક્કસ બિંદુએ તેને આંગળીઓથી દબાવતાં તે વળી જાય છે અને અલગ-અલગ માપના આકારમાં ફેરવાઈ જાય છે.

 

મોટી ચમચીથી અડધો ટેબલસ્પૂન, એક ટેબલસ્પૂન અને બે ટેબલસ્પૂન જેટલું માપ લઈ શકાય છે. જ્યારે નાની ચમચીથી એક ચતુર્થાંશ ટીસ્પૂન, અડધો ટીસ્પૂન અને એક ટીસ્પૂન જેટલું માપ લઈ શકાય છે. આ રીતે છ અલગ-અલગ ચમચીઓ રાખવાની જરૂર રહેતી નથી.

 

બંને ચમચીઓ વાળીને સપાટ કરતાં તેમની જાડાઈ માત્ર 2.8 મિલીમીટર રહે છે. તે ખાદ્ય પદાર્થોના સંપર્કમાં ઉપયોગ માટે યોગ્ય થર્મોપ્લાસ્ટિક અને પાણીથી દૂર રહે તેવા ગુણધર્મો ધરાવતા હાઇડ્રોફોબિક સિલિકોનમાંથી બનાવવામાં આવી છે. તેમાં નિયોડિમિયમના ચુંબકો પણ લગાવવામાં આવ્યા છે, તેથી તેને ફ્રિજ જેવી ધાતુની સપાટી પર ચોંટાડી શકાય છે.

 

રાહુલ અગ્રવાલની લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર, તેઓ અત્યાર સુધીમાં 120થી વધુ દેશોમાં ચમચીના 2,50,000થી વધુ સેટ વેચી ચૂક્યા છે. તેમની આ પ્રોડક્ટ મ્યુઝિયમ ઑફ મૉડર્ન આર્ટ વિલિયમ્સ-સોનોમા અને અનકોમન ગુડ્સ વગેરે પર વેચાઇ છે.

 

રાહુલની આ ડિઝાઇન બિઝનેસ રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક’ની 18મી સીઝનના ચોથા એપિસોડમાં રજૂ કરવામાં આવી હતી. આ એપિસોડમાં અભિનેત્રી અને નિર્માતા મિન્ડી કાલિંગ (Mindy Kaling) ગેસ્ટ ઇન્વેસ્ટર આવી હતી. રાહુલે ઇન્વેસ્ટર લોરી ગ્રીનર (Lori Greiner) અને મિન્ડી કાલિંગ પાસેથી 3,50,000 ડોલરની ડીલ મેળવી હતી. તેમણે કંપનીમાં 8 ટકા ઇક્વિટી ઉપરાંત 2 ટકા સલાહકાર હિસ્સો આપવાના બદલામાં આ ડીલ સ્વીકારી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *