રસ્તા પરથી વાહન ચોરી થવાના તમે ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા હશે પરંતુ અમદાવાદની સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓના વાહનો સુરક્ષિત નથી. અમે વાત કરી રહ્યા છીએ અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અને અસારવા સિવિલ હોસ્પિટલની. આ હોસ્પિટલમાંથી દર વર્ષે ઘણા વાહનોની ચોરી થાય છે અને તેમાંથી 30થી 40% વાહનો પોલીસ ડિટેક્ટ કરી શકે છે. અસારવાની સિવિલ હોસ્પિટલમાં એક પોલીસ ચોકી બનાવામાં આવી છે, છતાં પણ વાહન ચોરીનો સિલસિલો અટકવાના બદલે વધી રહ્યો છે.
એક રિપોર્ટ અનુસાર અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાંથી અને સોલા સિવિલ હોસ્પિટલમાંથી દર વર્ષે 200 જેટલા વાહન ચોરી થાય છે. અમદાવાદ શહેરમાંથી આ વર્ષે 30 એપ્રિલ સુધીમાં કુલ 498 વાહનોની ચોરી થયા છે અને આમાંથી માત્ર 122 જેટલા વાહનો જ પોલીસે ડિટેક્ટ કર્યા છે.
આંકડાઓ અનુસાર વાત કરવામાં આવે તો વર્ષ 2016માં અમદાવાદમાંથી 1708 વાહનો ચોરી થયા હતા અને તેમાંથી માત્ર 588 વાહન તેમના માલિકને પરત મળ્યા છે. વર્ષ 2017માં અમદાવાદમાંથી 2017વાહનો ચોરી થયા હતા અને તેમાંથી માત્ર 609 વાહન તેમના માલિકને પરત મળ્યા છે. વર્ષ 2018માં અમદાવાદમાંથી 1753 વાહનો ચોરી થયા હતા અને તેમાંથી માત્ર 490 વાહન તેમના માલિકને પરત મળ્યા છે. વર્ષ 2019માં અમદાવાદમાંથી 498 વાહનો ચોરી થયા હતા અને તેમાંથી માત્ર 122 વાહન તેમના માલિકને પરત મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે વર્ષ 2018માં વાહન ચોરીનું એક કૌભાંડ પકડી પાડ્યું હતું. આ કૌભાંડમાં એક ડોક્ટર અને તેના ભાઈએ સાથે મળીને 250 જેટલી ગાડીઓ ચોરી કરીને તેનું રાજસ્થાનમાં વેચાણ કર્યું હતું. આ બંને ભાઈઓની ધરપકડ પછી પોલીસે 473 વાહન ચોરીના ગુનાઓ ઉકેલ્યા હતા.
અમદાવાદની આ બે સરકારી હોસ્પિટલમાંથી વાહનની ચોરી થાય છે, પણ તેની સાથે સાથે SG હાઈ-વે, ગોતા બ્રીજની નીચે આવેલા કોર્પોરેશનના પાર્કિંગ, વસ્ત્રાપુર લેકની આસપાસનો વિસ્તાર, નહેરુનગરથી ઇસ્કોન ચાર રસ્તા સુધીનો રસ્તો અને કારગીલ પેટ્રોલ પંપ પાછળ આવેલા કોર્પોરેશનના પાર્કિંગમાંથી વધારે વાહનો ચોરાય છે.