કેરળ હાઇકોર્ટે પોલીસને એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ સામે ગુનો નોંધવાની મંજૂરી આપી છે. આરોપ છે કે જજનો 17 વર્ષનો સગીર પુત્ર કાર ચલાવી રહ્યો હતો અને તેની કારની ટક્કરથી 55 વર્ષીય વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું હતું. આ કાર અકસ્માત એક દિવસ પહેલાં ચેરાનેલ્લુર નામના વિસ્તાર નજીક સર્જાયો હતો.
પોલીસે પોતે હાઇકોર્ટ સમક્ષ જજ વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી માંગી હતી, જેના પગલે કોર્ટે પોતાના વહીવટી સ્તરે આ આદેશ આપ્યા છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા જયબાલકૃષ્ણન (55) ના પરિવારજનોએ ચેરાનેલ્લુર પોલીસ સ્ટેશન બહાર ભારે ધરણાં-પ્રદર્શન કર્યા હતા. જજના સગીર પુત્રને રવિવારે જ જામીન મળી ગયા હતા અને તે મુક્ત થઈ ગયો હતો. પરંતુ પીડિત પરિવારના આકરા વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેને ફરીથી કસ્ટડીમાં લીધો છે.
આરોપી સામે નોંધાઈ હતી હળવી કલમો
પોલીસના જણાવ્યા અનુસાર, એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના નામે નોંધાયેલી મર્સિડીઝ કારને તેમનો સગીર પુત્ર અતિશય પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આરોપ છે કે આ બેફામ દોડતી કારે જયબાલકૃષ્ણનની સ્કૂટીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું.
અકસ્માત બાદ પોલીસે શરૂઆતમાં સગીર આરોપી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોતનું કારણ બનવા (કલમ 106) સંબંધિત હળવો કેસ નોંધ્યો હતો, જેના કારણે તેને કિશોર ન્યાય કાયદા (જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ) હેઠળ તાત્કાલિક જામીન મળી ગયા હતા અને તે છૂટી ગયો હતો.
પોલીસની આ ઢીલી કામગીરીથી રોષે ભરાયેલી મૃતક જયબાલકૃષ્ણનની પુત્રીએ સોમવારે સવારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે આરોપી જજનો પુત્ર હોવાથી પોલીસે તેની સાથે નરમાઈભર્યું વલણ દાખવ્યું છે. તેણીએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તે પોતાના પિતાને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી કાનૂની લડત લડશે અને વગદાર જજ કે તેમના સગીર પુત્રને આ ગંભીર ગુનાની જવાબદારીમાંથી બચવા નહીં દે.
તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમને સ્થાનિક પોલીસ પર કોઈ ભરોસો રહ્યો નથી, કારણ કે ન્યાયાધીશનો પરિવાર હોવાથી પોલીસે આરોપી સામે કડક પગલાં લેવાને બદલે તેને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.