જિયો પ્લેટફોર્મ્સના મેગા IPO માં પૈસા લગાવનારા લાખો રોકાણકારો આજે શેર ફાળવણીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 23 ઓક્ટોબરના રોજ બંધ થયેલા આ રૂ. 30,200 કરોડથી વધુના ઈશ્યૂને બજારમાં જબરદસ્ત આવકાર મળ્યો છે.
હવે સૌની નજર એ વાત પર છે કે તેમને જિયો પ્લેટફોર્મ્સના શેર લાગ્યા છે કે નહીં. ફાળવણીની સત્તાવાર જાહેરાત આજે, 26 ઓક્ટોબરે થવાની પૂરેપૂરી શક્યતા છે.
રોકાણકારો રજિસ્ટ્રાર KFin Technologies ની સત્તાવાર વેબસાઇટ અથવા તો BSE અને NSE ના પ્લેટફોર્મ પર જઈને પોતાનું અલોટમેન્ટ સ્ટેટસ જાણી શકે છે. આ માટે માત્ર PAN નંબર અથવા એપ્લિકેશન નંબર હોવો જરૂરી છે.
IPO ને મળ્યો છે ઐતિહાસિક પ્રતિસાદ
આ IPO ખુલ્યો ત્યારથી જ રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. 21 ઓક્ટોબરે ઈશ્યૂ ખુલ્યાની માત્ર 100 મિનિટમાં જ તે પૂરેપૂરો સબસ્ક્રાઇબ થઈ ગયો હતો.
ત્રણ દિવસ ચાલેલી બિડિંગ પ્રક્રિયાના અંતે, આ IPO ને કુલ 22.19 ગણું બમ્પર સબ્સ્ક્રિપ્શન મળ્યું છે. સૌથી વધુ માંગ ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) તરફથી આવી હતી, જેનો હિસ્સો 70.55 ગણો ભરાયો હતો.
QIB કેટેગરીમાં 4.9 કરોડ રિઝર્વ્ડ શેર સામે કુલ 345.75 કરોડ શેર માટે બોલીઓ લાગી હતી. નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો પણ 14 ગણો ભરાયો હતો, જેમાં 36.4 મિલિયન શેર સામે 510.3 મિલિયન શેરની માંગ આવી હતી.
રિટેલ રોકાણકારો અને ગ્લોબલ રેકોર્ડ
સામાન્ય રિટેલ રોકાણકારો પણ પાછળ રહ્યા ન હતા. રિટેલ કેટેગરીમાં 85 મિલિયન અનામત શેર સામે 231.1 મિલિયન શેર માટે અરજીઓ આવી હતી. આ કેટેગરી લગભગ 2.72 ગણી સબસ્ક્રાઇબ થઈ હતી.
આ સાથે જ જિયો પ્લેટફોર્મ્સના IPO એ અરજીઓના મામલે એક નવો વૈશ્વિક રેકોર્ડ બનાવ્યો છે. એક્સચેન્જના આંકડા મુજબ, આ ઈશ્યૂમાં 10 મિલિયનથી વધુ અરજીઓ આવી છે.
અગાઉ આ રેકોર્ડ વારી એનર્જી (લગભગ 9.7 મિલિયન અરજીઓ), બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને ભારત કોકિંગ કોલ (લગભગ 90 લાખ અરજીઓ) ના નામે હતો, જેને જિયોએ તોડી નાખ્યો છે.
એન્કર રોકાણકારોનું મોટું રોકાણ
આમ જનતા માટે ઈશ્યૂ ખુલે તે પહેલાં જ કંપનીએ એન્કર રોકાણકારો પાસેથી રૂ. 8,109.85 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ અપર પ્રાઇસ બેન્ડ રૂ. 1,119 ના ભાવે 212 એન્કર રોકાણકારોને શેર ફાળવ્યા હતા.
એન્કર બુકમાં સંસ્થાકીય રોકાણકારો તરફથી કુલ રૂ. 2.5 લાખ કરોડની ડિમાન્ડ આવી હતી. આ માંગ ઉપલબ્ધ શેરોની સરખામણીમાં 30 ગણી વધારે હતી, જે કંપની પ્રત્યેનો અતૂટ વિશ્વાસ દર્શાવે છે.
મોબાઈલ પર આ રીતે સરળતાથી ચેક કરો ફાળવણી સ્ટેટસ
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં KFin Technologies ની વેબસાઇટ (https://ipostatus.kfintech.com/) ઓપન કરો.
સ્ટેપ 2: ડ્રોપડાઉન મેનૂમાં જઈને ‘Jio Platforms Limited’ સિલેક્ટ કરો.
સ્ટેપ 3: સ્ટેટસ ચેક કરવા માટે વિકલ્પોમાંથી તમારો PAN નંબર અથવા એપ્લિકેશન નંબર પસંદ કરો.
સ્ટેપ 4: તમે પસંદ કરેલી વિગત (PAN કે એપ્લિકેશન નંબર) બોક્સમાં ટાઈપ કરો.
સ્ટેપ 5: નીચે આપેલો સબમિટ બટન દબાવો. તમારું ફાળવણી સ્ટેટસ સ્ક્રીન પર દેખાઈ જશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર જાણકારી માટે છે. કોઈપણ સ્ટોક, IPO અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરતા પહેલા પ્રમાણિત નાણાકીય સલાહકારની સલાહ લેવી હિતાવહ છે.
