અમદાવાદમાં ધમકીભર્યા ઈમેલ ક્યાંથી મોકલવામાં આવ્યા? સાયબર ક્રાઇમનો ખુલાસો

Spread the love

શહેરમાં તાજેતરમાં શૈક્ષણિક સંસ્થાઓ, અદાલતો અને મહત્વપૂર્ણ જાહેર સ્થળોને નિશાન બનાવીને મોકલવામાં આવેલા બોમ્બની ધમકીના ઈમેલ મામલે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો કર્યો છે. સાયબર ક્રાઈમ ડીસીપી લવીના સિંહાએ સમગ્ર માહિતી અંગે જણાવ્યું છે કે, આ તમામ ધમકીભર્યા ઈમેલ પાકિસ્તાન અને બાંગ્લાદેશથી ઓપરેટ થઈ રહ્યા હતા અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર ફફડાટ અને ડર ફેલાવવાનો હતો.

તપાસ અંતર્ગત મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કુલ 19 ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતા. જેમાં 14 જેટલી શાળાઓ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ ગ્રામ્ય કોર્ટ, ડિસ્ટ્રિક્ટ સેસન્સ કોર્ટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને ગુજરાત હાઈકોર્ટ જેવા મહત્વપૂર્ણ સ્થળોનો સમાવેશ થાય છે. અગાઉ પણ એકસાથે 16 જેટલા ધમકીભર્યા ઈમેલ મળવાથી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પ્રારંભિક તપાસમાં આ બોમ્બ થ્રેટ્સ બાંગ્લાદેશ અને પાકિસ્તાનના રાવલપિંડીથી મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

 

મહત્વનું છે કે, સાયબર ક્રાઈમની તપાસમાં મોટું રેકેટ પકડાયું છે. એટલે કે તપાસ દરમિયાન સાયબર ક્રાઈમને જાણવા મળ્યું છે કે આ ઈમેલ મોકલવા માટે એક જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કરવામાં આવે છે. બાંગ્લાદેશના રંગપુરથી ઈમેલ ખરીદીને તે પાકિસ્તાનમાં વેચાણ કરવામાં આવતા હતા. લાહોર અને કરાચીના આઈપી એડ્રેસ પરથી આ ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં ખૂલ્યું છે. આ ગુનાના નેટવર્કમાં આરોપીઓ ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ મારફતે બાંગ્લાદેશ તેમજ અન્ય સ્થળોએ રહેતી વિવિધ વ્યક્તિઓના જીમેલ એકાઉન્ટ ખરીદતા હતા. આ સાયબર ક્રાઈમ પ્રવૃત્તિ માટે જીમેલ એકાઉન્ટ વેચનાર વ્યક્તિઓ ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી નાણાં મેળવતા હોવાનો ખુલાસો થયો છે.

માત્ર ડર અને દહેશત ફેલાવવાનો હેતુ ખાલિસ્તાની સંગઠનના નામે આપવામાં આવેલી આ પ્રકારની બોમ્બ ધમકીના કેસની તપાસમાં અગાઉ પશ્ચિમ બંગાળમાંથી પણ એક આરોપીની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. દિવાળીના તહેવારો કે કોઈ મોટી ઇવેન્ટના સમયે જ આ પ્રકારે દહેશત ફેલાવવા માટે ઈમેલ મોકલવામાં આવતા હોવાનું પોલીસે જણાવ્યું છે. સાયબર ક્રાઈમમાં સામાન્ય રીતે ઉપયોગમાં ન હોય તેવા જીમેલ એકાઉન્ટ્સનો આમાં દુરુપયોગ કરાયો છે. પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ માત્ર ડર અને દહેશત ફેલાવવાની ચાલ છે. હજુ પણ આ પ્રકારના ઈમેલ આવી શકે છે, પરંતુ નાગરિકોએ જરાય ઘાભરાવવાની કે ગભરાવાની જરૂર નથી. પોલીસ આ મામલાને ગંભીરતાથી લઈને સઘન તપાસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *