વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બનાસકાંઠા પ્રવાસને લઈને ભીલડીમાં તૈયારીઓ તેજ બની છે. 30 ઓક્ટોબરે ડીસા તાલુકાના ભીલડી ખાતે યોજાનારા રાષ્ટ્રીય કક્ષાના ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમમાં ખેડૂતો માટે ખુરશીની જગ્યાએ ખાટલા ગોઠવવામાં આવ્યા છે. ગ્રામીણ પરંપરાને અનુરૂપ કરવામાં આવેલી આ બેઠક વ્યવસ્થા કાર્યક્રમનું ખાસ આકર્ષણ બની છે.આ કાર્યક્રમને દેશની પ્રથમ ‘ખાટલા સભા’ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. આપેલી માહિતી મુજબ, દેશના 9.34 કરોડથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 18,680 કરોડથી વધુની સહાય મળવાની છે.
ગુજરાતના 52.33 લાખથી વધુ ખેડૂત પરિવારોને રૂ. 1,000 કરોડથી વધુની સહાય આપવામાં આવશે. ગુજરાતમાં આ કાર્યક્રમ નિમિત્તે 34 જિલ્લા કક્ષાના અને 2,100થી વધુ ક્લસ્ટર કક્ષાના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત વડાપ્રધાન 30 અને 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે ‘ભારત પર્વ’ તથા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમોમાં પણ ભાગ લેશે.
