અમદાવાદના કલેક્ટર ‘સાહેબ’ને હાઈકોર્ટનો ઝટકો! પોતાના પગારમાંથી રૂ. 1 લાખ ચૂકવવા કેમ કર્યો આદેશ?

Spread the love

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદના કલેક્ટર સામે કડક વલણ અપનાવ્યું. કોર્ટે તેમને પોતાના પગારમાંથી રૂ. 1 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે. ખેડૂતની જમીનને બિનખેતી (NA) ઉપયોગમાં ફેરવવાની મંજૂરીના મામલે અગાઉ હાઈકોર્ટે આપેલા ચુકાદાનું પાલન કર્યા વિના ફરી એ જ કારણોસર અરજી નામંજૂર કરવામાં આવી હતી. આ બાબતને ગંભીરતાથી લેતાં હાઈકોર્ટે અરજદારને થયેલી પરેશાની અને કાનૂની ખર્ચની ભરપાઈ માટે કલેક્ટરને એક મહિનાની અંદર હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં રૂ.આ કેસમાં ભૂમિકાબેન નામનાં અરજદારે પોતાની ખેતીની જમીનને બિનખેતી હેતુ માટે ઉપયોગમાં લેવાની મંજૂરી મેળવવા ગુજરાત જમીન મહેસૂલ સંહિતા, 1879ની કલમ 65 હેઠળ 19 ડિસેમ્બર, 2024ના રોજ અરજી કરી હતી. જોકે, અમદાવાદ કલેક્ટરે 11 ફેબ્રુઆરી, 2025ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. જમીનના અગાઉના વ્યવહારોમાં ટેનન્સી એક્ટની કલમ 63 હેઠળ મંજૂરી લેવામાં આવી હતી કે નહીં અને અરજદાર ખેડૂત છે કે નહીં તેવા મુદ્દાઓને આધાર બનાવી નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય સામે અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી.

 

હાઈકોર્ટે અરજદારની તરફેણમાં આપ્યો હતો ચુકાદો

 

આ અરજી પર સુનાવણી બાદ 2 માર્ચ, 2026ના રોજ હાઈકોર્ટે અરજદારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે જમીનને NA ઉપયોગમાં ફેરવવાની મંજૂરી આપતી વખતે કલેક્ટરે મુખ્યત્વે જમીનનો કબજેદાર કોણ છે અને તેનો ખેતીના હેતુ માટે ઉપયોગ થાય છે કે નહીં તે બાબતો ધ્યાનમાં લેવાની હોય છે. કલમ 65 હેઠળની કાર્યવાહી દરમિયાન જમીનની માલિકી અંગે નિર્ણય લેવાની સત્તા કલેક્ટર પાસે નથી. આથી હાઈકોર્ટે અરજદારને ફરી અરજી કરવાની છૂટ આપી હતી અને અગાઉના ચુકાદામાં દર્શાવેલા કાયદાકીય સિદ્ધાંતોને અનુસરીને નિર્ધારિત સમયમર્યાદામાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો.

 

કોર્ટના ચુકાદાની અવગણના કરી!

 

હાઈકોર્ટના આદેશ બાદ ભૂમિકાબેને 11 એપ્રિલ, 2026ના રોજ ફરીથી NA પરવાનગી માટે અરજી કરી હતી. જોકે, અમદાવાદ કલેક્ટરે 6 ઓગસ્ટ, 2026ના રોજ ફરી અરજી નામંજૂર કરી દીધી હતી. આ વખતે પણ અગાઉના નિર્ણયમાં રજૂ કરાયેલા કારણો જ આગળ ધરાયા હતા. હાઈકોર્ટના 2 માર્ચના ચુકાદા સામે રાજ્ય સરકાર લેટર્સ પેટન્ટ અપીલ (LPA) દાખલ કરવાની પ્રક્રિયામાં હોવાનો પણ ઉલ્લેખ કરાયો હતો. જોકે, સુનાવણી દરમિયાન રાજ્ય સરકારના વકીલે સ્પષ્ટ કર્યું હતું કે ચુકાદા સામે હજુ સુધી કોઈ LPA દાખલ કરવામાં આવી નથી.

 

‘તમે કોર્ટના આદેશથી ઉપર નથી’

 

આ બાબતની નોંધ લેતાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે અગાઉ જે કારણોસર અરજી નામંજૂર કરવામાં આવી હતી, એ જ કારણો ફરી રજૂ કરીને કલેક્ટરે નવેસરથી અરજી ફગાવી છે. જાણે અગાઉના ચુકાદાનું કોઈ મહત્વ જ ન હોય તે રીતે નિર્ણય લેવાયો હોવાનું કોર્ટે નોંધ્યું હતું. હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતાં કહ્યું હતું કે કલેક્ટર પોતાને ‘સુપર પાવર ઓથોરિટી’ માનતા હોય અને પોતાની મરજી પ્રમાણે કામ કરી શકે તેવી માનસિકતા ધરાવતા હોય તેવું જણાય છે. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સરકારી વિભાગો કે રાજ્યની સંસ્થાઓ કોર્ટના આદેશોથી ઉપર નથી અને દરેક સત્તાધિકારીએ કોર્ટના ચુકાદાનું પાલન કરવું ફરજિયાત છે.

 

કલેક્ટરને 1 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ

 

અંતે હાઈકોર્ટે અમદાવાદ કલેક્ટર દ્વારા 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલો અરજી નામંજૂર કરવાનો હુકમ રદ કર્યો છે. સાથે જ 11 એપ્રિલ, 2026ની અરજીને મૂળ ફાઇલમાં પુનઃસ્થાપિત કરીને અગાઉના ચુકાદા અને નિર્દેશો મુજબ કાયદામાં નક્કી કરેલી સમયમર્યાદામાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. અરજદારને થયેલી મુશ્કેલી અને કાનૂની ખર્ચની ભરપાઈ માટે કલેક્ટરે પોતાના પગારમાંથી રૂ. 1 લાખ એક મહિનાની અંદર હાઈકોર્ટની રજિસ્ટ્રીમાં જમા કરાવવાના રહેશે. જો તેઓ સમયમર્યાદામાં રકમ નહીં ભરે તો રાજ્ય સરકાર આ રકમ જમા કરાવશે અને બાદમાં કલેક્ટરના પગારમાંથી વસૂલ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *