આગામી સમયમાં શરૂૂ થનાર પવિત્ર ગિરનાર લીલી પરિક્રમાને લઈને તંત્ર અને સંતો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સાધુ-સંતો અને વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાના 36 કિલોમીટરના રૂૂટનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન વન વિભાગ, આરોગ્ય વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.જગતગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે, દેવો દ્વારા શરૂૂ કરવામાં આવી રહેલી આ ગિરનારની લીલી પરિક્રમા આગામી 20 નવેમ્બરથી શરૂૂ થવાની છે. આ પરિક્રમાના 36 કિલોમીટરના લાંબા રૂૂટની યથાર્થ સ્થિતિ ચકાસવા માટે જૂનાગઢ વહીવટી તંત્ર, ધારાસભ્ય, સાંસદ, કલેક્ટર, એસ.પી. અને ગિરનાર મંડળના તમામ સાધુ-સંતોએ સાથે મળીને રૂૂટનું ચેકિંગ કર્યું હતું. તેમણે વન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા ઊભી કરવામાં આવેલી વ્યવસ્થાની સરાહના કરી હતી.
શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી કે પર્યાવરણ અને પ્રકૃતિ એ પરમાત્માનું ઘર છે, તેથી આપણા ઘરની જેમ જ આ વનને પણ સ્વચ્છ રાખવું ખૂબ જરૂૂરી છે. પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અને ખાણીપીણીની વસ્તુઓ મૂગા પ્રાણીઓને ન ખવડાવવા તેમણે વિશેષ ભાર મૂક્યો હતો જેથી વન્યજીવોને કોઈ નુકસાન ન થાય.જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે ગિરનાર લીલી પરિક્રમા નવેમ્બરમાં 20મીની રાત્રે અને 21મીની સવારે વિધિવત શરૂૂ થશે. આ પૂર્વ તૈયારીના ભાગરૂૂપે જ આજે વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, સાધુ-સંતોના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે મળી રૂૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે રૂૂટ બહુ સારી રીતે તૈયાર કર્યો છે અને તે બદલ સૌએ સંતોષ વ્યક્ત કર્યો છે. આગામી 15 દિવસમાં સુવિધાઓને વધુ સારી બનાવવાનો પ્રયાસ રહેશે.
આ વર્ષે વરસાદનું પ્રમાણ ઓછું રહેવાના કારણે જંગલ વિસ્તારના નદી-નાળા સૂકા હોવાની વાસ્તવિકતા પણ કલેક્ટરે જણાવી હતી. લાખોની સંખ્યામાં આવનારા શ્રદ્ધાળુઓને પીવાના પાણીની પૂરતી સગવડ મળી રહે તે માટે અગાઉના બોર ચાલુ રાખવાની સાથે નવા બોર પણ બનાવવામાં આવ્યા છે, જેમાં તાજેતરમાં 5 નવા બોર કર્યા છે અને તેમાંથી 4 માં પાણી પણ મળી ગયું છે. તેમ છતાં વરસાદ ન થવાથી પાણીની થોડી અછત અને તાપમાન વધુ હોઈ શકે છે.
બાળકો-વૃધ્ધોને પરિક્રમા મુસાફરી ટાળવા સલાહ
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી શ્રદ્ધાળુઓને માર્ગદર્શન આપ્યું હતું કે, જેઓ શારીરિક રીતે ફીટ અને યુવાન હોય તેઓ જ પરિક્રમામાં ભાગ લે. નાના બાળકો અને વૃદ્ધો લાંબી પરિક્રમા તથા તબીબી કારણોસર આ મુસાફરી ટાળે તે હિતાવહ છે. તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને પ્રકૃતિની નજીક એક સારો અને આધ્યાત્મિક અનુભવ થાય તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભવનાથમાં પ્લોટની હરરાજી, 52 પ્લોટ પૈકી 16ની સ્થળ પર જ બોલી લાગી
જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા2026ની તૈયારીઓના ભાગરૂૂપે ભવનાથ વિસ્તારમાં વેપારીઓ માટે હંગામી પ્લોટની હરરાજી કરવામાં આવી હતી. મહાનગરપાલિકાની રેવન્યુ ટેક્સ શાખા દ્વારા ભવનાથ મંદિર નજીક આવેલી ઝોનલ ઓફિસ ખાતે કુલ 52 હંગામી પ્લોટની હરરાજીનું આયોજન કરાયું હતું. જેમાં વેપારીઓએ સ્થળ પર જ કુલ 52 પૈકી 16 હંગામી પ્લોટની બોલી લગાવી હતી.
