અમદાવાદમાં APK ફાઇલથી સાયબર છેતરપિંડી, ટેક્સ એડવોકેટ સહિત પરિવારને રૂ. 5.65 લાખનું નુકસાન

Spread the love

અમદાવાદમાં સાયબર ગઠિયાઓએ સિનિયર સિટિઝન ડેબિટ કાર્ડ અપાવવાની લાલચ આપીને એક ટેક્સ એડવોકેટ અને તેમના માતા-પિતાનાં બેંક ખાતાંમાંથી કુલ રૂ. 5.65 લાખની રકમ ઉપાડી લીધી હોવાની ઘટના સામે આવી છે. ઠગોએ વોટ્સએપ (WhatsApp) મારફતે APK ફાઇલ મોકલીને મોબાઇલમાં દૂષિત એપ્લિકેશન (Malicious Application) ઇન્સ્ટોલ કરાવી હતી. આ મામલે મહિલાએ 4 નવેમ્બરના રોજ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, 1 નવેમ્બરના રોજ એક અજાણ્યા શખ્સે મહિલાના પિતાને ફોન કર્યો હતો. તેણે પોતે સિનિયર સિટિઝન ડેબિટ કાર્ડ મેળવવામાં મદદ કરી શકશે તેવો દાવો કર્યો હતો. ત્યારબાદ તેણે વોટ્સએપ પર ‘BOB Bank Senior Citizen Verification.apk’ નામની ફાઇલ મોકલીને ઇન્સ્ટોલ કરવા જણાવ્યું હતું. જોકે, આ ફાઇલ ઇન્સ્ટોલ ન થતાં ઠગે મહિલાનો મોબાઇલ નંબર મેળવ્યો હતો અને ‘Kotak Mahindra Bank Senior Citizen.apk’ નામની બીજી ફાઇલ મોકલી હતી. મહિલાએ આ ફાઇલ ઇન્સ્ટોલ કર્યા બાદ મોબાઇલમાં દેખાયેલા ફોર્મમાં પોતાનું નામ, મોબાઇલ નંબર અને કસ્ટમર આઈડી (Customer ID) દાખલ કર્યા હતા. આ દરમિયાન ઠગ તેમના પિતા સાથે વોટ્સએપ વીડિયો કોલ પર જોડાયેલો રહ્યો હતો અને મહિલાને મોબાઇલની સ્ક્રીન શેર (Screen Sharing) કરવા સૂચના આપી હતી.

 

સ્ક્રીન શેર કરતાં જ આવવા લાગ્યા OTP

 

મહિલાએ મોબાઇલની સ્ક્રીન શેર કરતાં જ તેમના ફોન પર એક પછી એક અનેક OTP મેસેજ આવવા લાગ્યા હતા. ઠગે આ પ્રક્રિયા વેરિફિકેશન (Verification)નો ભાગ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત, મહિલાને કોલ ફોરવર્ડિંગ (Call Forwarding) એક્ટિવેટ થઈ ગયાના એલર્ટ પણ મળ્યા હતા. મહિલાએ આ અંગે સવાલ કરતાં ઠગે ડેબિટ કાર્ડની ડિલિવરી સરળ બનાવવા માટે આ પ્રક્રિયા જરૂરી હોવાનું કહ્યું હતું. જોકે, શંકા જતાં મહિલાએ પોતાનો મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધો હતો. બાદમાં ફોન ફરી ચાલુ કરતાં તેમને જાણ થઈ હતી કે તેમના બેંક ખાતામાંથી તેમની જાણ બહાર રકમ ઉપાડવામાં આવી છે.

 

ત્રણ બેંક ખાતાંમાંથી છ ટ્રાન્ઝેક્શન

 

પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા અને તેમના માતા-પિતાનાં કોટક મહિન્દ્રા બેંક (Kotak Mahindra Bank)નાં ત્રણ અલગ-અલગ ખાતાંમાંથી કુલ છ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યાં હતાં. આ રીતે કુલ રૂ. 5,65,345ની છેતરપિંડી થઈ હતી. ત્રણેય બેંક ખાતાં એક જ મોબાઇલ નંબર સાથે લિંક હોવાથી છેતરપિંડીની અસર પરિવારનાં ત્રણેય ખાતાં પર પડી હતી. ઘટના બાદ મહિલાએ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરીને છેતરપિંડીની જાણ કરી હતી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

 

અજાણી APK ફાઇલ ઇન્સ્ટોલ કરતાં પહેલાં સાવધાન

 

આ ઘટના મોબાઇલમાં અજાણી APK ફાઇલ ઇન્સ્ટોલ કરવાના જોખમ અંગે ચેતવણીરૂપ છે. બેંકના નામે આવતી કોઈપણ અજાણી ફાઇલ ઇન્સ્ટોલ ન કરવી, અજાણ્યા વ્યક્તિ સાથે સ્ક્રીન શેર ન કરવી અને OTP કે બેંકિંગ વિગતો કોઈની સાથે શેર ન કરવી જોઈએ. સાયબર છેતરપિંડી થાય તો તાત્કાલિક 1930 પર ફરિયાદ નોંધાવવી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *