ગાંધીનગર જિલ્લામાં વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરી અંગેની સમીક્ષા બેઠક આજરોજ જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરભિ ગૌત્તમ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટર શ્રી ર્ડા. કુલદીપ આર્ય દ્વારા ગાંધીનગર જિલ્લામાં ચોમાસાની ઋતુને ધ્યાને લઇ આગામી સમયમાં વાહજન્ય રોગો જેવા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા રોગો નિયંત્રણમાં રહે તે માટે ખાસ તકેદારી રાખવા માટે આરોગ્ય તંત્રને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે ખાનગ લેબોરેટરીમાં નોંધતા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા કેસોનું નિયમિત રીપોર્ટીંગ કરવા પણ જણાવ્યું હતું. તે ઉપરાંત મેલેરિયા અને ડેન્ગ્યુ માટે સંવેદનશીલ વિસ્તારોમાં સર્વેલન્સ કરવા પર ખાસ ભાર મુક્યો હતો. તેમજ સર્વેલન્સ થયા બાદ તેનું ક્રોસચેકીંગ પણ કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી.
કલેકટરશ્રીએ ઝુંપડી વિસ્તાર સહિત તમામ વિસ્તારોમાં પોરોનાશક કામગીરી નિયમિત હાથ ઘરી તેનું સુપરવિઝન સુચારું કરવા માટે જણાવ્યું હતું. કેવી રીતે મચ્છરજન્ય રોગો ફેલાય છે, મચ્છરજન્ય રોગોથી બચવા શું શું તકેદારી રાખવી જોઇએ જેવી બાબતોની લોક જાગૃત્તિ કેળવાય તે માટે યોગ્ય પ્રચાર – પ્રસાર કરવા માટે પણ જણાવ્યું હતું.
કલેકટરશ્રીએ તા. ૧૯, ૨૧, ૨૩ અને ૨૫મી ઓગસ્ટ ના દિવસે વેક્ટર બોર્ન ડિશીસ સ્પેશ્યિલ ડ્રાઇવ યોજીને હોટલ- રેસ્ટોરન્ટ, શૈક્ષણિક સંસ્થાઓ, કન્સ્ટ્રકશન સાઇટ, હોસ્પિટલ- દવાખાના અને ઔધોગિક વસાહત નું સમયાંતરે ચેકીંગ કરવા જણાવ્યું હતું. તેમજ હાઉસ ટુ હાઉસ એબેટ કામગીરીનું પણ સુચારું આયોજન કરવા જણાવ્યું હતું. કલેકટરશ્રીએ તમામ કન્સ્ટ્રકશન સાઇટ, ટાયરવાળા તથા ઔધોગિક વિસ્તારોની ખાસ મુલાકાત લઇ મચ્છર જન્ય બ્રેડિંગ જોવા મળે તો નોટીસ આપવી. બીજી મુલાકાત દરમ્યાન પણ આ પરિસ્થિત જોવા મળે તો નોટીસ પાઠવી દંડનીય કાર્યવાહી કરવા પણ ખાસ જણાવ્યું હતું. ઉપલબ્ધ મચ્છરદાની જંતુનાશક દવાયુક્ત થાય તથા કરેલી કામગીરીનું સુપરવિઝન મલ્ટીપરપઝ હેલ્થ સુપરવાઇઝર દ્વારા યોગ્ય રીતે થાય તે અંગેની ખાસ તકેદારી રાખવા જણાવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા મેલેરિયા અધિકારી શ્રી ર્ડા. મુકેશભાઇ પટેલ દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય વાહકજન્ય રોગ અંતર્ગત થયેલી અંતિત જુલાઇ સુધીની વિવિધ વિગતો આપતું પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં અત્યાર સુધી વાહકજન્ય રોગોના કેસો કેટલા છે, હાઉસ ટુ હાઉસ સર્વેલન્સની કામગીરી જેવી વિગતો રજૂ કરવામાં આવી હતી. તે ઉપરાંત ગાંધીનગર જિલ્લામાં તળાવ, મોટા ખાડા કે જયા પાણીનો સંગ્રહ રહે છે તેવા ૪૩૯૮ સ્થળો ખાતે ગપીફીશ મુકવામાં આવી છે. જેમાં ગાંધીનગર તાલુકામાં ૧૪૪૨, દહેગામ તાલુકામાં ૩૫૧, કલોલ તાલુકામાં ૩૧૨, માણસા તાલુકામાં ૨૨૧૩ અને શહેરી વિસ્તારમાં ૮૦ સ્થળો ખાતે આ ગપી ફ્રીશ મુકવામાં આવી છે.
આ બેઠકમાં તાલુકા હેલ્થ અધિકારી, જિલ્લા સર્વેલન્સ અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.