માણસા તાલુકાના વરસોડા ગામના દિગ્વિજયસિંહ ઘનશ્યામસિંહ ચાવડા પાસેથી ગેરકાયદે દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી છે. તે વરસોડા ફાયરિંગ કેસનો આરોપી છે અને પોલીસ તેની શોધમાં હતી.આર્મ્સ એક્ટની કલમ 27 અને જી.પી. એક્ટની કલમ 135 હેઠળના ગુનાની તપાસમાં પોલીસે દિગ્વિજયસિંહની ધરપકડ કરી હતી. તે બે માઢ, વરસોડા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગરનો રહેવાસી છે. તેને કોર્ટમાં રજૂ કરતાં પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા હતા.રિમાન્ડ દરમિયાન દિગ્વિજયસિંહે પોલીસને જણાવ્યું કે તેની પાસે એક દેશી બંદૂક હતી.
બીજી બંદૂક તેણે મિત્ર ધ્રુવેશ મુકેશભાઈ પટેલના દેલવાડ-અંબોડ રોડ પરના રેતીના સ્ટોક પાછળ પથ્થર નીચે છુપાવી હતી.
પોલીસે પંચોની હાજરીમાં સ્થળ તપાસ કરી હતી.
પથ્થર નીચેથી કપડામાં વીંટાળેલી દેશી હાથ બનાવટની બંદૂક મળી આવી હતી. તેમાં લોખંડની બેરલ, બોડી અને ટ્રિગરવાળું મિકેનિઝમ હતું.પોલીસે હથિયારની અંદાજિત કિંમત રૂ. 25,000 નોંધી તેને કબજે કર્યું હતું. પંચનામાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી.દિગ્વિજયસિંહ પાસે હથિયાર રાખવાનું લાઇસન્સ કે પરવાનગી ન હોવાનું સામે આવ્યું છે. આથી તેની સામે આર્મ્સ એક્ટની કલમ 25(1-B)(A) અને જી.પી.
એક્ટની કલમ 135 હેઠળ ફરિયાદ નોંધાઈ છે.
હથિયાર ક્યાંથી મેળવ્યું અને તેનો ઉપયોગ અન્ય કોઈ ગુનામાં થયો છે કે નહીં, તે અંગે પોલીસ તપાસ કરી રહી છે
