આજના સમયમાં સ્માર્ટ હોમ ટેક્નોલોજીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. લોકો માત્ર અવાજથી લાઇટ ચાલુ-બંધ કરવા, ગીતો વગાડવા અને અનેક કામ કરવા માટે Alexa જેવા વોઇસ આસિસ્ટન્ટનો ઉપયોગ કરે છે. પરંતુ એક 15 વર્ષના બાળકે પોતાની ટેક્નિકલ સમજથી આવું જ એક અનોખું સ્માર્ટ હોમ ઓટોમેશન સિસ્ટમ જાતે તૈયાર કર્યું છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં બાળક ‘Jarvis, બધી લાઇટ બંધ કરો’ કહેતાં જ ઘરની તમામ લાઇટ બંધ થઈ જાય છે. આ ઉપરાંત તે અવાજથી પંખાને પણ કંટ્રોલ કરે છે.
કેવી રીતે કામ કરે છે Jarvis?
વીડિયોમાં જોવા મળે છે કે 15 વર્ષના બાળકે પોતાના ઘરના સામાન્ય સ્વિચ બોર્ડને સ્માર્ટ સિસ્ટમમાં ફેરવી દીધું છે. આ ટેક્નોલોજી સ્માર્ટ હોમ ઓટોમેશન પર આધારિત છે. તેમાં ખાસ સર્કિટ અને કંટ્રોલ સિસ્ટમનો ઉપયોગ થાય છે, જે વોઇસ કમાન્ડને સમજીને ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નિયંત્રિત કરે છે. એટલે કે હવે લાઇટ કે પંખો ચાલુ-બંધ કરવા માટે સ્વિચ પાસે જવાની જરૂર રહેતી નથી.
31 મિલિયનથી વધુ લોકોએ જોયો વીડિયો
આ વીડિયો @The Noob Engineer નામના એકાઉન્ટ પરથી શેર કરાયો છે. અત્યાર સુધીમાં તેને 31.8 મિલિયનથી વધુ વ્યૂઝ અને 2.8 મિલિયનથી વધુ લાઇક્સ મળી છે. વીડિયો જોઈને લોકો બાળકની ટેક્નિકલ આવડતની પ્રશંસા કરી રહ્યા છે.આ પ્રકારની ટેક્નોલોજીમાં Google Home અને Alexa જેવા વોઇસ આસિસ્ટન્ટની મદદથી પણ ઘરના ઉપકરણોને કંટ્રોલ કરી શકાય છે. તેના માટે જરૂરી હાર્ડવેર, યોગ્ય કનેક્શન અને સિસ્ટમ સેટિંગની જરૂર પડે છે. જોકે, ઇલેક્ટ્રિકલ સર્કિટ અને સ્વિચ બોર્ડમાં ફેરફાર કરતી વખતે સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ પ્રકારનું કામ નિષ્ણાતની મદદથી જ કરાવવું જોઈએ. નહીં તો મોટું જોખમ પણ ઊભું થઈ શકે છે.
