ગુજરાતના રાજકારણમાં હાલ પાટીદાર આંદોલનનો પવન વાઈ રહ્યો છે. ત્યારે પાસ નેતા અને વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે દિનેશ બાંભણિયાના નિવેદન અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાત કરી હતી. આ સિવાય તાજેતરમાં ‘ઝી 24 કલાક’ ના વિશેષ કાર્યક્રમ ‘બ્લેક કોફી’માં પણ પાટીદાર અનામત આંદોલન પર પોતાનો સ્પષ્ટ મત રજૂ કર્યો હતો.
પાસ નેતા દિનેશ બાંભણિયાના નિવેદન પર હાર્દિકની પ્રતિક્રિયા
પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ નેતા દિનેશ બાંભણિયા દ્વારા આપવામાં આવેલા નિવેદન અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગુજરાતના ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, દિનેશભાઈનું નિવેદન તેમનું વ્યક્તિગત નિવેદન હોઈ શકે છે. હાર્દિકે આંદોલનના હેતુને વધુ સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે, પાટીદાર આંદોલનને આજે 12 વર્ષ પૂર્ણ થયા છે અને આ આંદોલનમાં સમાજના અનેક યુવાનોએ બલિદાન આપ્યા છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે આ આંદોલન કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવા કે પદ પરથી હટાવવા માટે નહોતું, પરંતુ માત્ર સમાજના હિત માટે કરવામાં આવ્યું હતું.
“સમાજના હિત માટે આંદોલન કરાયું હતું, મારા મનમાં કોઈ રંજ નથી…”
હાર્દિક પટેલે આંદોલનના ભૂતકાળ અને તેના પરિણામો વિશે વાત કરતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, “પાટીદાર આંદોલનને લઈને મારા મનની અંદર કોઈ જ રંજ નથી.” તેમના મતે, જે કંઈ પણ થયું તે સમાજના હિત અને અધિકારોની લડાઈના ભાગરૂપે થયું હતું.
આનંદીબેન પટેલના રાજીનામા અને માફી માંગવા મુદ્દે હાર્દિક પટેલનું નિવેદન
Z 24 કલાકના બ્લેક કોફી કાર્યક્રમમાં અગાઉ હાર્દિક પટેલને પાટીદાર આંદોલનને પુછવામાં આવ્યું હતું. જ્યારે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના રાજીનામા અને તેમની માફી માંગવા અંગે પ્રશ્ન પૂછ્યો, ત્યારે હાર્દિક પટેલે ભાવનાત્મક અને સન્માનજનક પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હું આનંદીબેન પટેલને ‘ફઈ’ કહું છું.”
આનંદીબેન પટેલના રાજીનામાના યાદ કરતા તેમણે કહ્યું કે, સંજોગોવશાત તેઓ આનંદીબેનના રાજીનામાના નિમિત્ત બન્યા હતા, પરંતુ આજે આનંદીબેન પટેલ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે કાર્યરત છે અને તેમને અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણના સાક્ષી બનવાનો ઐતિહાસિક અવસર પણ મળ્યો છે.
