પોલીસની રેડ પડતા સ્પા સંચાલકે ચોથા માળેથી છલાંગ લગાવી, સારવાર દરમિયાન મોત

Spread the love

સુરતના મગદલ્લા ગામમાં સ્પા પર દરોડા પાડવા પહોંચેલી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU)ની ટીમની કાર્યવાહી દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ હતી. પોલીસની ટીમને જોઈને સ્પાના સંચાલકે બિલ્ડિંગના ચોથા માળેથી છલાંગ લગાવી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

શું છે સમગ્ર ઘટના?

 

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના મગદલ્લા ગામમાં આવેલી એક બિલ્ડિંગમાં સ્પા સેન્ટર પર AHTUની ટીમ દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન પોલીસને જોઈને સ્પાના 42 વર્ષીય સંચાલક રાજેશ રઘુવરસિંહે બિલ્ડિંગના ચોથા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. અચાનક બનેલી આ ઘટનાને પગલે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી. ચોથા માળેથી નીચે પટકાવાને કારણે રાજેશને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે મૈત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. રાજેશ મૂળ હરિયાણાના વતની હોવાનું અને તેઓ હોટલ તેમજ સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે.

તપાસ બાદ મળશે વધુ વિગતો

 

બીજી તરફ, સ્પા સંચાલકના મોતના સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ માટે મહાનગરપાલિકાની ટીમ પણ મૃતદેહ લઈ જવા ઘટનાસ્થળે પહોંચી હતી. AHTUની રેડ દરમિયાન બનેલી આ ઘટનાને પગલે સ્પા સંચાલકે કયા સંજોગોમાં ચોથા માળેથી છલાંગ લગાવી અને સમગ્ર દરોડાની કાર્યવાહી દરમિયાન શું બન્યું હતું તે અંગે વધુ વિગતો સામે આવવાની બાકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *