64 નાયબ સેક્શન ઓફિસરોને ક્લાસ-2માં બઢતી, 2ની બદલી! સરકારનો મોટો વહીવટી આદેશ જાહેર

Spread the love

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સચિવાલયના સેક્શન ઓફિસર વર્ગ-2 સંવર્ગમાં વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. 21 નવેમ્બર, 2026ના રોજ બહાર પાડવામાં આવેલા આદેશ અનુસાર બે સેક્શન ઓફિસરોની બદલી કરવામાં આવી છે, જ્યારે 64 નાયબ સેક્શન ઓફિસરોને સેક્શન ઓફિસર તરીકે ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે.

 

2 સેક્શન ઓફિસરની બદલી કરવામાં આવી

 

આ આદેશ મુજબ આદિજાતિ વિકાસ વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર જિગ્નેશકુમાર ડાહ્યાભાઈ ડામોરની ગુજરાત તકેદારી આયોગમાં બદલી કરવામાં આવી છે. જ્યારે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં ફરજ બજાવતા સેક્શન ઓફિસર સંતોષકુમાર સુરેશભાઈ વસાવાની સામાન્ય વહીવટ વિભાગમાં બદલી કરવામાં આવી છે. બંને અધિકારીઓની બદલી તાત્કાલિક અસરથી કરવામાં આવી છે.

 

64 નાયબ સેક્શન ઓફિસરને સેકશન ઓફિસર તરીકે ઈન-સીટુ બઢતી

 

બીજી તરફ, સચિવાલયના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 64 નાયબ સેક્શન ઓફિસરોને વર્ગ-3માંથી

સેક્શન ઓફિસર વર્ગ-2ની ખાલી જગ્યાઓ પર ઇન-સીટુ બઢતી આપવામાં આવી છે. આ અધિકારીઓને હાલના વિભાગોમાંથી અન્ય વિભાગો અને કચેરીઓમાં નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે.

 

બઢતી સાથેની નિમણૂકોમાં સામાન્ય વહીવટ, ગૃહ, મહેસૂલ, નાણાં, શિક્ષણ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વન અને પર્યાવરણ સહિતના વિભાગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગુજરાત તકેદારી આયોગ, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને અન્ય સરકારી કચેરીઓમાં પણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.

 

આ નિમણૂકો સંબંધિત કોર્ટ કેસોના આખરી ચુકાદાને આધીન રહેશે. આ અંગેનો આદેશ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *